________________
૫૪. બીજું રટણ ન હો !
શ્રીમદ્ અને શ્રી સોભાગભાઈ વચ્ચેનો સંબંધ કોઈ વિશિષ્ટ સંબંધ હતો. વિ. સં. ૧૯૪૬ના ભાદરવા માસથી શરૂ થયેલો એ આધ્યાત્મિક મેળાપ સાત વર્ષ સુધી ચાલ્યો. જેતપુરમાં બંનેનો પ્રથમ મેળાપ થયો તે પછી બંને સામાન્ય રીતે વર્ષે એકાદ વખત મળતા. શ્રીમદ્ નિવૃત્તિ અર્થે ગુજરાતમાં જતા ત્યારે તેમનો મેળાપ વિશેષ થતો. મુંબઈમાં પણ શ્રીમદ્ અને સોભાગભાઈનું મળવાનું બન્યું હતું. શ્રી સોભાગભાઈ કચ્છ નજીક અંજારમાં દુકાન ધરાવતા હતા. એમની આર્થિક સ્થિતિ ઘણી મૂંઝવનારી હતી. આવે સમયે શ્રીમદ્ એમને યોગ્ય માર્ગદર્શન પણ આપતા હતા. વ્યાવહારિક ચિંતાથી અકળાવાને બદલે એને સમભાવે સહન કરવાનું કહેતા,
“જે ચિંતાના ઉપદ્રવે તમે મુંઝાઓ છો, તે ચિંતા-ઉપદ્રવ કોઈ શત્રુ નથી.... સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશો નહીં, ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે.... આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશો. જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે. અને આકુળતા કરવાથી પણ જે થવા યોગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે.”
આ રીતે પરમસખા સોભાગભાઈ પરમાર્થમાં દૃઢ બને તે માટે શ્રીમદ્ એમને માર્ગદર્શન આપતા રહ્યા. વિ. સં. ૧૯૫૩ના વૈશાખ મહિનામાં શ્રી સોભાગભાઈને મળવા માટે શ્રીમદ્ સાયલા ગયા. એ સમયે શ્રી સોભાગભાઈને છેલ્લા આઠ મહિનાથી ઝીણો તાવ રહેતો હતો. શ્રીમદે સોભાગભાઈને બોધ આપ્યો.
શ્રીમા પ્રથમ મેળાપથી જ શ્રી સોભાગભાઈને શ્રીમદ્ પ્રત્યે પૂજ્યભાવ જાગ્રત થયો હતો. ક્રમેક્રમે એ પૂજ્યભાવ વધતો ગયો. એક પતિવ્રતા નારીની માફક શ્રીમદ્ પ્રત્યે એમની પરમ ભક્તિ થઈ. તેઓને અનન્ય શરણ પામ્યાનો આનંદ હતો.
શ્રીમદ્ છેલ્લે સાયલા પધાર્યા ત્યારે એમને વળાવવા જતી વખતે રસ્તામાં નદી આવી. વહેલી પ્રભાતનો એ સમય હતો. ક્ષિતિજના કિનારેથી ધીરે ધીરે ઊગતા સૂર્યનાં કિરણો પૃથ્વીપટને અજવાળતાં હતાં. આ સમયે શ્રી સોભાગભાઈએ જણાવ્યું,
“ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સત્પુરુષની સાખે આ સોભાગને આપના સિવાય બીજું રટણ ન હો !"
જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું દૂર થઈ જાય અને સર્વકાળને વિશે અયાચકપણું પ્રાપ્ત થાય એવો જો કોઈ તરણ-તારણ હોય તો તેને જાણવો અને ભજવો. શ્રીમા સત્સમાગમમાં સોભાગભાઈને સમ્યકૂજ્ઞાન અને આત્મદશા વધારવાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત થયો.
‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ની ૧૪૨ ગાથાની રચના મળ્યા બાદ શ્રી સોભાગભાઈ ધન્યતાનો અનુભવ કરે છે અને જણાવે છે કે હવે કશું માગવાનું રહેતું નથી. શ્રી આત્મસિદ્ધિની ૧૨૭મી ગાથા પછી શ્રીમદે રચેલી આ વધારાની ગાથા એની સાક્ષી પૂરે છે,
“શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખસાજ.