________________
339
સન્મતિપ્રકરણ
કાર્ડ-૩ – ગાથા-૪૫ શાસ્ત્રકાર મહારાજા તો તેથી આગળ વધીને કંઈક અધિક પણ કહે છે કે “સિદ્ધવિરહિશો મન્નો' આનાથી અન્ય પુરૂષ શાસ્ત્રનો વિરાધક જાણવો. આગમગમ્ય ભાવોમાં જે તર્ક-બુદ્ધિનો ઉપયોગ કરે છે. તે પ્રરૂપણાનો અધિકારી પણ નથી. અને તે જો પ્રરૂપણા કરે તો જૈન પ્રવચનનો વિરાધક બને છે. કારણ કે જે પુરૂષ બુદ્ધિજીવી માત્ર જ થાય છે તે પોતાનાં મતિ-શ્રુતજ્ઞાનો કે જે ક્ષાયોપથમિકભાવનાં હોવાથી અપૂર્ણ છે. તો પણ તેનાથી બધું જ જાણવા પ્રયત્ન કરે છે તેથી તેમાં પૂર્ણતા માની લે છે. અથવા પોતાની તર્કબુદ્ધિમાં જે ન બેસે, તે જગતમાં નથી જ આમ માની લે છે અને તેથી અહંભાવ અને અજ્ઞાનદશાનો વધારો થાય છે. જેથી ઘણી ઘણી સાચી વસ્તુઓ પણ બુદ્ધિથી અગમ્ય હોય તેવી તેના હાથમાંથી છૂટી જાય છે. તે જીવ સ્વીકારતો નથી અને મિથ્યા આગ્રહ તથા અહંકારને પોષે છે. એવી જ રીતે સર્વત્ર માત્ર શ્રદ્ધાજીવી થવામાં જે જે ભાવો બુદ્ધિગમ્ય હોય છે ત્યાં પણ બુદ્ધિનો ઉપયોગ ન કરતાં બુદ્ધિના વિકાસનો નાશ થાય છે. સદા પરાધીનતા જ રહે છે. અને તે જીવ પોતે અજ્ઞાની જ રહે છે. આવો જીવ પ્રવચનની પ્રરૂપણા કરવા જતાં સ્વયં પોતે જ્ઞાની ન હોવાથી ઉસૂત્ર પ્રરૂપણા કરનારો અથવા અસ્ત-વ્યસ્ત પ્રરૂપણા કરનારો બને છે તેથી વિરાધક બને છે માટે તર્કગમ્યભાવોને તર્કથી અને શ્રદ્ધાગમ્યભાવોને શ્રદ્ધાથી જાણવા જોઈએ.
“જીવ” આ એક સચેતન દ્રવ્ય છે તેથી જ્યાં જ્યાં ચેતના દેખાય છે. ત્યાં ત્યાં જીવ છે. તે જીવને પકડવા જતાં ભાગાભાગ કરે, જે આહાર પાણી પવન અને પ્રકાશ સ્વીકારે, દુઃખ સુખની લાગણીઓ જેને થાય તથા જે સમજે, તેને જીવ કહીએ તેટલો વિષય તર્કગમ્ય (એટલે કે બુદ્ધિગમ્ય) છે. પરંતુ આ જીવના પ્રદેશો અસંખ્ય જ કેમ ? લોકાકાશ પ્રમાણ જ કેમ ? અમૂર્ત જ કેમ ? જીવ અને કર્મનો સંબંધ અનાદિ જ શા માટે ? સાધારણ વનસ્પતિમાં અનંતજીવ છે તે કેવી રીતે ? સમસ્તલોકાકાશમાં સૂક્ષ્મનિગોદના અનંતાનંત જીવો ભર્યા છે તેમાં પ્રમાણ શું? આ બધા વિષયો તર્ક કે બુદ્ધિનો વિષય નથી. સર્વજ્ઞકથિત આગમથી જ તે તે વાતોની પ્રમાણતા સ્વીકારી લેવી જોઈએ એટલે કે આ વિષયો શ્રદ્ધાગમ્ય છે અને તેને શ્રદ્ધાથી સ્વીકારી જ લેવા જોઈએ. આવા વિષયોમાં તર્ક કરવાથી અને આ ભાવો કેવલિગમ્ય હોવાથી સમાધાન ન મળતાં તેને ઉડાવાનું તથા ન માનવાનું અને ઉલટી કલ્પનાઓ કરવાનું મન થાય, અને તેમ થતાં આ જીવ જૈનસૂત્રનો વિરાધક બને.
કેવી સુંદર ભાવવાહી વાત છે? કેવી સુંદર સુયોગ્ય વહેંચણી અને વ્યવસ્થા છે? શાસ્ત્રકારકથિત આ દૃષ્ટિથી જો આ જીવ સિંચાઈ જાય તો બધા કદાગ્રહો-ફ્લેશ-કડવાશો અને વેરઝેરો ચાલી જાય. સરળતા, સજ્જનતા અને કોમળતા ઝળહળી ઉઠે. આત્મા આગમોનો આરાધક બને, સાચો પ્રરૂપક બને અને સ્વ-પરનો કલ્યાણકારક બને. જીવને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org