________________
૧૯૨
ઉપદેશામૃત
“નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ ?'' સૌથી શ્રેષ્ઠ લઘુતા છે. શ્રવણ કરવું જ્ઞાનીનાં વચનનું. તેથી આ જીવને અગાઘ નફો આવે છે. માયાના સ્વરૂપમાં સંસારમાં હજારો રૂપિયાનો નફો થાય છે, તેથી આ અધિક છે. કંઈક કર્યું છે તો આ મનુષ્યભવ છે. આ અવસર બફમમાં અને ગફલતમાં જાય છે. વચન સાંભળવા જેવું, હૃદયમાં ઘારવા જેવું છે. મર ! ગમે તેવું કહ્યું; તારે તો સાંભળવા જેવું છે. એક આત્મા ઘર્મ છે. તે અરૂપી છે. પણ ખ્યાલમાં રાખજે, યથાતથ્ય જેણે જાણ્યો તેની વાણી છે અને તે અમૂલ્ય છે. હે પ્રભુ ! મને ખબર નથી, પણ તે મારા કાનમાં પડો. આમ કરવાથી કેટલું કામ થાય છે ? ભવ-બંધ છૂટી જાય છે. ભૂંડું થયું સામાન્ય કરી નાખવાથી. હું એમાં શું? એ તો વાત કરે અને બોલે; પણ જવા દે, વાત અપૂર્વ છે. ચિંતામણિની કિસ્મત થાય નહીં, એવી વાત છે. આમાં શું થાય છે? અનંત કાળથી આ જીવે બધું જાણ્યું, સાઘન અનંત કર્યા છે; પણ આત્મા નથી જાણ્યો. તેમ સમકિત નથી લીધું. તું અલૌકિક દ્રષ્ટિથી જો હે ભગવાન! આ વાણી નીકળે છે જ્ઞાનીની. માટે હે પ્રભુ ! મારું કામ છે તે કહે છે તે કરવાનું. ક્ષણ લાખેણી જાય છે. માટે કર્તવ્ય આ છે–અવસર આવ્યો છે.
એક આ વસ્તુ જ્ઞાની પુરુષોએ જગતમાં સૌથી શ્રેષ્ઠ જોઈ છે તે શું? તો કે સમભાવ. તેમાં અનેક રિદ્ધિ આવે છે. ગાંડું ઘેલું, બોબડું તોતડું બોલાય તે ન જોશો. સમભાવ છે તે સ્વભાવ છે, એને બેસવાનું, રહેવાનું ઠેકાણું છે; તે ભૂલીશ નહીં. ચેતજે. “ભૂલ્યો ત્યાંથી ફેર', “જાગ્યો ત્યાંથી સવાર.” અવસર આવ્યો છે, માટે ચેત.
નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે;
એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે.” (શ્રી મોક્ષમાળા) લેવા જેવો છે સમભાવ. અધ્યાત્મજ્ઞાન સંપાદન કરવું. આ ધ્યાનમાં રાખજો હોં! પ્રત્યક્ષ છે તે બોલે છે. આત્મા છે, સત્તા બોલે છે. દહાડો જાય છે, પણ એ વગર અલેખાનું છે. તેની વાત સાંભળવી, સુણવી; સુખદુ:ખ ખમજો, પૂજા, માન, મોટાઈ કરશો નહીં; ઘણાં દુઃખ વેઠ્યાં, પણ કલ્યાણ થયું નહીં, મોક્ષ થયો નહીં. જપ-તપ કીધાં, તેનાં ફળ મળ્યાં. શું કહ્યું? એક આત્મા. ચેતવા જેવું છે. આત્માની, જ્ઞાનની વાત તમે સાંભળી તો કહી શકાય નહીં તેવું કર્મ ખપે છે. કેવો લાગ આવ્યો છે ? દાવ આવ્યો છે; કાળ જાય છે. મનુષ્ય ભવમાં જે વાત ઘર્મની છે તેમાં આત્માને સંભાર્યો તો કોટિ કર્મ ખપે છે. બહુ ચમત્કાર છે ! અપૂર્વ છે ! જે ગાયો છે તેની ખબર નથી. બીજું બધું મિથ્યાત્વ છે. એક ખરું કામ શાનું છે? ઉપયોગનું. જાણે-અજાણે કોઈ વચન સાંભળ્યું તેથી કેટલું કામ થાય છે ! પાપનાં દળિયાં સંક્રમીને પુણ્યનાં બંધાય છે એવી આ જગ્યા છે. એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામ્યા; અનાથી મુનિ, શ્રેણિક રાજા વગેરે અંતમુહૂર્તમાં સમકિત પામ્યા. કેવું થયું ? દીવો થયો ! શું થશે ? ભવનિકટ થઈને મોક્ષ. અજ્ઞાન ગયું. આ જીવ જન્મમરણ કરતો આવ્યો છે, મોક્ષ ન થયો. માટે કેવું ચેતવા જેવું છે? લાગ આવ્યો છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. આ ઉપદેશ છે, કહેવું છે; બીજી વાત નહીં. અધ્યાત્મજ્ઞાન જીવને શાથી થાય ? એક જ કૂંચી છે. જીવના ભાનમાં તથા લક્ષમાં નથી. આ બોલે છે, કહે છે તે તો મને ખબર છે, મેં સાંભળ્યું છે, હું જાણું છું એમ કરીને બધું અલેખામાં જાય છે. ક્ષણે ક્ષણે વૃત્તિ ફરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org