________________
૧૬૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
પણ અર્થનું પ્રાધાન્ય સ્વીકારાયું છે. તેથી ભાષાકીય દષ્ટિએ તેના શબ્દાત્મક સ્વરૂપમાં પરિવર્તનો થતાં રહ્યાં છે. જેમ કે, ભગવાન મહાવીરે મગધ અને તેની આસપાસના પ્રદેશોમાં જે ધમપદેશ કર્યો હોય તો તે તત્કાલીન અર્ધમાગધી ભાષામાં હશે. આમ અનુમાનથી સિદ્ધ થતું જૈનાગમોનું ભાષાકીય સ્વરૂપ અર્ધમાગધી ભાષામાં નિબદ્ધ હતું. પછી તે આગમોનું માથુરી વાચનામાં સંક્રમણ થતાં, તે શૌરસેની ભાષામાં ઉપનિબદ્ધ થયું હશે અને કાલાન્તરે ત્રીજો તબક્કે તે મહારાષ્ટ્ર પ્રાકૃતમાં પરિવર્તિત થયું છે. આજે શ્વેતામ્બરોના આગમો (જૈન મહારાષ્ટ્ર પ્રાકૃત'માં છે; તો દિગમ્બરોના મતે જૈનાગમો શૌરસેની પ્રાકૃતમાં ઉપનિબદ્ધ છે. આમ જૈનાગમોની બે પ્રમુખ વાચનાઓ પ્રવર્તમાન છે.) હવે, જૈનાગમોની ભાષાના સંદર્ભમાં મુનિ શ્રી પુણ્યવિજયજી મ. સા. ના શબ્દો જોઈશું:
... બન્ને અરિહંતોએ (બુદ્ધ અને મહાવીરે) તેમનો ઉપદેશ લોકભાષામાં ગ્રથિત થાય એવો આગ્રહ રાખ્યો હતો. આથી ભગવાન મહાવીરનો ઉપદેશ ગણધરોએ તે કાળની પ્રાકૃત ભાષામાં ગ્રથિત કર્યો. એ ભાષાનું નામ શાસ્ત્રોમાં અર્ધમાગધી આપવામાં આવ્યું છે. પાછળના વૈયાકરણોએ માગધી અને અર્ધમાગધી ભાષાનાં જે લક્ષણો ગણાવ્યાં છે તે લક્ષણો આપણી સામે વિદ્યમાન આગમોમાં કવચિત્ જ મળે છે. એટલે પ્રાકૃત ભાષાની સામાન્ય પ્રકૃતિ પ્રમાણે એ ભાષા સદા પરિવર્તિત થતી રહી હશે એમ માનવાને કારણ છે. અને જે કારણે શાસોની ભાષા સંસ્કૃત નહિ પણ પ્રાકૃત રાખવામાં આવી હતી એટલે કે લોકભાષા સ્વીકારવામાં આવી હતી તે કારણે પણ લોકભાષા જેમ જેમ બદલાય તેમ તેમ એ શાસ્ત્રોની ભાષા બદલાવી જોઈએ એ અનિવાર્ય હતું.....”
“શ્વેતાંબરોના આગમોની ભાષા પ્રાચીન કાળે અર્ધમાગધી હતી એમ સ્વયં આગમોનાં જ ઉલ્લેખ ઉપરથી નિશ્ચિત થાય છે. પણ આજે તો જેને વૈયાકરણો મહારાષ્ટ્ર પ્રાકૃતને નામે ઓળખે છે તે ભાષાની નજીકની એ પ્રાકૃત છે. આથી આધુનિક વિદ્વાનો એને જૈન મહારાષ્ટ્ર એવું નામ આપે છે. એ ભાષાની સમગ્રભાવે એકરૂપતા, પૂર્વોક્ત શૌરસેનીની જેમ, આગમ ગ્રંથોમાં મળતી નથી અને ભાષાભેદના સ્તરો સ્પષ્ટ રૂપે તજજ્ઞને જણાઈ આવે છે.''
આમ જૈનાગમોના પાઠમાં જે ભાષાકીય રૂપાંતર થતા ગયા છે અને હાલ ઉપલબ્ધ થતા પાઠમાં એકરૂપતાનો જે અભાવ પ્રવર્તે છે, તેના સ્થાને મૂળ પ્રાચીનતમ અર્ધમાગધી ભાષાસ્વરૂપના પ્રતિકાપનનો પ્રશ્ન આજે ધ્યાનાકર્ષક બનીને ઊભો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org