________________
૪
અને સંસ્કારિતાની સૌરભ મહેકાવી રહ્યું હતું. અહીં દક્ષિણાદી ટેકરી પર દેવી ક્ષેમાર્યાનું મંદિર ઈ. સ. ૬૨૪માં બંધાયેલું; જ્યારે નીચે, પછીથી આદિત્ય અને બ્રહ્માના પ્રાચીન પ્રાસાદો અને પરમાર રાજપુત્રી લાહિની દેવીએ ઈ સ૦ ૧૦૪રમા સમુદ્ધારેલ વાપીના ભગ્નાવશેષો એની વહી ગયેલી જાહોજલાલીના પ્રતીક શા હજુયે જોવા મળે છે. અહીંના પ્રાચીન જિનાલયના ભૂમિગૃહમાંથી મળેલા અને હાલ પિંડરવાટક(પિંડવાડા)ના જૈનમંદિરમાં સંરક્ષાયેલ અમૂલ્ય ધાતુપ્રતિમા-સંગ્રહમાં શિલ્પી શિવનાગે સં૰ ૭૪૪ / ઈ સ૰ ૬૮૮માં ઢાળેલી પ્રસિદ્ધ જિનકાયોત્સર્ગ પ્રતિમાની જોડી પણ હતી.
દેલવાડાનાં દેરાં
આબૂની સમીપ પૂર્વમાં કાશદ (કાશીન્દ્રા, કાયન્દ્રા) ગામ પણ પુરાણાં શિવ અને જિનમંદિરોના અવશેષો ધરાવી રહ્યું છે. નિર્પ્રન્થોની વિદ્યાધરી શાખામાંથી કાશદ્દદગચ્છની ઉત્પત્તિ પણ અહીંથી જ થયેલી. આબૂની તળેટીમાં સ્થિર થયેલાં ઋષિકેશ અને કાલિકાદેવીનાં મંદિરો પણ આ જ સંસ્કારતંતુનાં સંતાનો.
આબૂના અગ્નિકોણમાં અડાવલાના ડુંગરોમાં દેવી અંબાનું ભારતપ્રસિદ્ધ ધર્મમંદિર અને પાસે જ આરસની ખાણોની સ્વામિની આરાસણનગરી (કુંભારિયા), જ્યાં ૧૧માથી લઈ ૧૩મા શતક સુધીના પાંચ અલંકારપૂર્ણ આરસી જિનાલયોનો સમુદાય સ્થિર થયેલો છે. મધ્યકાલીન આરાસણગચ્છ પણ અહીંથી જ નીકળેલો. અર્બુદાચલની આ પ્રદક્ષિણાને અંતે એની દક્ષિણે એક તરફ છે મુદ્ગલેશ્વર, મધુસૂદન, અને જિન વીરનાં પુરાણાં મંદિરો સાચવી બેઠેલું મુંડસ્થલ (મુંગથાલા), અને બીજી બાજુ આવી રહી હતી ભવ્ય નગરી ચંદ્રાવતી. આજે તો એ વૈભવશાલિની આરસની ખંડેર બની સૂતેલી છે. એના દેવતાઓ સ્વર્ગે સંચર્યા છે. અનેક વાર લૂંટાયેલી, પીંખાયેલી, પ્રાકૃત અને અપભ્રંશ ગ્રન્થકર્તાઓની લાડીલી ‘ચડ્ડાવલ્લિ’ કે ‘ચડાવલિ’ના કાટમાળની પણ વિડંબના થયેલી છે. એના થીજેલા ટીંબાઓ પર જંગલે કુચકદમ કરેલી. એના શિલ્પમંડિત આરસ પથ્થરો શિયાળિયાઓના દારુણ રુદનથી દ્રવી રહેલા. ત્યાં થયેલા ખોદકામમાં એનાં મધ્યકાલીન મંદિરોના અવશેષો હવે ખુલ્લા થયા છે; પણ આજની આ કરુણ, ભેંકાર અવસ્થાને પેલે પારનું એનું દશ્ય કંઈ જુદું જ હતું. ચંદ્રાવતી તો દેવનગરી હતી. અહીં રૂપસંપન્ન શિવાલયો અને ભગવાન વિષ્ણુનાં મંદિરો હતાં. ત્રિપુરુષપ્રાસાદ પણ હતો. ટૉડના સમય સુધી, ૧૯મી શતાબ્દી પર્યંત, એ ઊભો હતો. વિમલમંત્રીના પૂર્વજ નિન્નકે અહીં નવમી શતીના અંતિમ ચરણમાં એક જિનભવનનું નિર્માણ કરાવ્યું હતું. મંત્રી કુંકણે અહીં ઈ સ૦ ૯૫૪માં એક જિનમંદિર બંધાવેલું. અહીં મહાચૈત્ય, નવગૃહચૈત્ય, અને ભગવાન ચંદ્રપ્રભનાં મંદિરો સહિત કેટલાંયે જિનાલયો શોભી રહ્યાં હતાં. તેજપાલની પત્ની, ભાગ્યશાલિની અનુપમાદેવીનું એ જન્મસ્થાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org