________________
અથશ્રી,
જૈન શાસનના ચમકતા હીરા'નું પ્રકાશન કર્યા બાદ આ પ્રવૃત્તિ ચાલુ જ રાખવા ગુરુદેવ પન્યાસ શ્રી જયસુંદરવિજય મહારાજે સૂચના કરી, એટલે આ ગ્રંથ માટેનું કાર્ય આરંભ્યું.
મા સરસ્વતીની અગમ્ય પ્રેરણા એ મોટું નિમિત્ત ગ્રંથરચનામાં છે. એણે જ આ બધું લખાવ્યું છે એમ હું માનું છું.
આ ગ્રંથ માટે અમુક મર્યાદાઓ મનથી નક્કી કરી કે આમાં ફક્ત ભૂતકાળમાં થયેલ જૈન મહાત્માઓનાં ચરિત્રો જ લખવાં, બની શકે એટલું ટૂંકામાં ચિરત્ર લખવું. દરેક ચરિત્રમાં કંઈક બોધતત્ત્વ હોવું જોઈએ. ઉપરાંત વાર્તાઓ ઉપદેશક હોવા છતાં તેમાં વાર્તાતત્ત્વ જરૂર જોઈએ. આ નિયમને વળગીને જ આ ચરિત્રો તૈયાર કર્યાં છે.
આ જમાનામાં લોકોને અધ્યાત્મ તરફ ઝુકાવ ઓછો છે. ટી.વી. જોવા પૂરતો ટાઈમ લોકોને મળી રહે છે પણ ગુરુ મહારાજનું વ્યાખ્યાન સાંભળવા સમય નથી. આવા આત્માઓનું કલ્યાણ કેમ થાય? એ વિચારવું બહુ જરૂરી છે. લોકોને વાર્તા સાંભળવામાં રસ હોય છે. તેમને બોધપાઠ-વાર્તાઓ જ વાંચવા આપીએ તો કંઈક અંશે તેમનું કલ્યાણ સાધી શકાય.
પત્નીનું અવસાન ને વૃદ્ધાવસ્થા, એકાકી જીવનમાં વખત કેમ પસાર કરવો એ એક કોયડો ઉકેલવાનો હતો અને વિચારતાં વિચારતાં જ્ઞાનદાયક વાર્તાઓ કેટલીક વ્યાખ્યાન દ્વારા સાંભળેલી મગજમાં હતી જ. આ અને બીજી વાર્તાઓ ધાર્મિક ગ્રંથોમાંથી વાંચી કાગળ ઉપર ટૂંકાણમાં ઉતારવા નક્કી કર્યું અને પરિણામે આ બે ગ્રંથો રચાયા.
જૈન સમાજના સદ્નસીબે આપણી પાસે ધાર્મિક સાહિત્ય ઘણું સંઘરાયેલું પડ્યું છે. આનો ઉપયોગ ઘણો જ ઓછો થાય છે. એમાં જે યોગ્ય લાગે તે સમાજ સામે ધરવું એ કંઈ મોટું કામ નથી. હા, શોખ હોવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org