________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૧
એના દુ:ખનો પાર નથી. પોતે મયણાને આવી નહોતી ધારી. જોગાનુજોગ એક બાજુ રાણી કમળપ્રભા (શ્રીપાળની માતા) અને બીજી બાજુ રૂપસુંદરી (મયણાની માતા) આ ટોળા પાસે ઊભાં છે ત્યાં રાજા પ્રજાપાળ (મયણાના પિતા) ઘોડા ઉપર બેસી ત્યાં આવી પહોંચે છે. તે પણ મયણાને શ્રીપાળ સાથે ઊભેલી જોઈ ક્રોધે લાલચોળ થઈ જાય છે. મયણાને મારવા તે તલવાર ઉગામે છે. મયણા પિતાજીને પ્રણામ કરી પગે પડે છે અને કહે છે, “પિતાજી! ક્રોધ કરવાનું કોઈ કારણ નથી. તમે જેની સાથે મને વરાવી તે જ આ રાજકુમાર છે. એમના કોઢ ધર્મના પ્રતાપે દૂર થયા છે. એટલું જ નહીં, એ તો ક્ષત્રિય રાજકુમાર છે. નવપદના પ્રતાપે બધાં સારાં વાનાં થયાં છે.” સૌના આનંદનો પાર નથી. મયણાને સુખનો સૂર્ય ઊગ્યો છે. પ્રજાપાળ રાજાએ એક વાર ક્રોધથી કોઢિયા સાથે પરણાવી દીકરીને કાઢી મૂકી હતી તેને તે પ્રેમથી રાજમહેલ લઈ જાય છે. દીકરી-જમાઈને જુદો મહેલ રહેવા આપે છે.
એક દિવસ શ્રીપાળ ઘોડે બેસી ફરવા નીકળ્યો છે. ઘોડાને પાણી પાવા કૂવાકાંઠે ઘોડાને લાવે છે. એક નાની બાળા બેડું માથે નથી ચઢાવી શકતી તેનું બેડું માથે ચઢાવવા મદદ કરે છે. બધી પાણી ભરતી પનિહારીઓ કહે છે, “અરે, આ તો રાજાનો જમાઈ શ્રીપાળ.” આ સાંભળી શ્રીપાળનું સ્વમાન ઘવાય છે. સસરાને નામે ઓળખાણ તેને ન ગમી. કોઈકે ઠીક જ કહ્યું છે કે “આપ-ગુણે ઓળખાય તે ઉત્તમ, બાપ-ગુણે ઓળખાય તે અધમ અને સસરાને નામે ઓળખાય તે અધમમાં અધમ.'
પનિહારીનું મહેણું સાંભળી તે ક્ષોભ પામ્યો. સસરાને ત્યાં રહેવું વધુ યોગ્ય નથી એમ વિચારવા લાગ્યો. ઊંઘ હરામ થઈ ગઈ. ભોજન નીરસ લાગે છે. સસરાની આ સાહ્યબી તેને ખૂંચવા લાગી. તેણે મયણાને વાત કરી કે તેણે દેશવિદેશ જોવા છે, નવું નવું જાણવું છે, સ્વબળે લક્ષ્મી મેળવવી છે, પોતાનું રાજ્ય કાકા પાસેથી પાછું મેળવવું છે. સાસુ, સસરા અને મયણાએ રાજીખુશીથી રજા આપી. સાસુએ વ્રતો આપ્યાં : ૧. જુઠું ન બોલવું; ૨. હિંસા ન કરવી; ૩. પારકી વસ્તુ મૂલ્ય આપ્યા વગર ન લેવી; ૪. પરસ્ત્રીસંગ ન કરવો; અને ૫. જરૂરથી વધુ સંઘરવું નહીં. નીકળતી વખતે મયણાએ યાદ દેવરાવ્યું: “જોજો નવપદની આરાધના ન વિસરાય. સિદ્ધચક્રની તમને સહાય હોજો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org