________________
આ છે અણગાર અમારા
૨૧૩
દર વર્ષે અભ્યાસ તો ચાલુ જ હતો, સંસ્કૃત ભણાવનાર ન મળે ત્યારે સૂત્ર સિદ્ધાંતનો અભ્યાસ ચાલતો અને બન્ને મુનિરાજો જ્ઞાનમાં ઠીક ઠીક આગળ વધી રહ્યા હતા. સંવત ૧૯૪૪માં પૂ. શ્રી મેઘરાજજી સ્વામી આદિ ચરિત્રનાયક બન્ને મુનિરાજોએ ભુજ ચાતુર્માસ કર્યું. ત્યાં ગુલાબચન્દ્રજી સ્વામી દામોદર શાસ્ત્રી પાસે સિદ્ધાંત ચન્દ્રિકા પૂર્ણ કરી. તેમજ માઘ, નૈષધ, તર્ક સંગ્રહ અને દીપિકાનો અભ્યાસ કર્યો. શ્રી વીરજી સ્વામીએ સારસ્વત વ્યાકરણ તથા રઘુવંશ કર્યું.
સંવત ૧૯૪૫ની સાલમાં બન્ને બંધુ મુનિરાજો સુરેન્દ્રનગર ચાતુર્માસ રહ્યા અને ત્યાં શાસ્ત્રી છગનલાલ ભટ્ટ પાસે જ્યોતિષનો અભ્યાસ શરુ કર્યો.
તદુપરાંત વિદ્વાન મ. શ્રી મોટા જીવણજી સ્વામી, પૂજ્ય શ્રી લાધાજી સ્વામી, પૂ. શ્રી મેઘરાજજી સ્વામી, પૂજ્ય શ્રી દેવચન્દ્રજી સ્વામી અને દર્શનશાસ્ત્રવિશારદ પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી, તેમ જ અન્ય પંડિતો પાસે બન્ને મુનિરાજોએ જૈનાગમ અને વ્યાકરણ વગેરેનો સારો અભ્યાસ કર્યો તેમાં પણ પૂજ્ય શ્રી નથુજી સ્વામીના સ્વર્ગવાસ પછી તો બન્ને ગુરુબંધુઓએ પૂજ્ય શ્રી મોટા લાધાજી સ્વામી, પૂ. શશ્રરી મેઘરાજજી સ્વામી અને પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી પાસે વિશેષ શાસ્ત્રાભ્યાસ કર્યો.
ઉદારતા અને વાત્સલ્યનો પ્રેરણાદાયી પ્રસંગ
પૂજ્ય શ્રી લાધાજી સ્વામી, પૂજ્ય શ્રી મેઘરાજજી સ્વામી અને પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીએ તો આ બન્ને મુનિઓને તેના ગુરુદેવના સ્વર્ગવાસ પછી સ્વશિષ્યો કરતાં પણ વિશેષ વાત્સલ્યભાવથી સાચવતા હતા અને કોઈ પણ જાતના પક્ષપાત વિના શાસ્ત્રાભ્યાસ કરાવતા. તેમનો આત્મીયભાવ અને સ્નેહાદર કેટલાં હતાં તે નીચેના પ્રસંગ ઉપરથી જાણી શકાશે.
એક વખત તેઓ કચ્છમાં પધારતા હતા ત્યારે રસ્તામાં રણ આવ્યું. બધા તો ઉગ્ર વિહાર કરી રણ ઊતરતા હતા પરંતુ બાલમુનિ શ્રી વીરજી સ્વામી ઉંમરમાં નાના હોવાથી પાછળ રહી જતા અને થાકી જતા. પંથ કાપવાનો ઘણો બાકી હતો એટલે પૂજ્ય શ્રી મેઘરાજજી સ્વામીએ તેમને પોતાના ખભે બેસાડી લીધા અને એ રીતે રણ ઊતર્યા. ધન્ય છે એ મહાપુરુષના વાત્સલ્યને !!! એકબીજાના સમુદાય વચ્ચે કેવો સ્નેહભાવ હતો તે આ પ્રસંગ ઉપરથી જાણી શકાય છે. પૂજ્ય શ્રી લાધાજી સ્વામીનો બન્ને ભાઈઓ ઉપર અસીમ ઉપકાર હતો. ધન્ય છે એ મહાપુરુષોની ઉદારતાને !!!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org