________________
આ છે અણગાર અમારા
૨૦૫
ન
ચેન ન પડે તેમ ગુરુ-સહવાસના આનંદી ગણપતભાઈને ઘરે જરાય મન ખેંચ્યું નહિ. ફરી લાગ મળતાં તેઓ ગુરુમહારાજ પાસે પહોંચી ગયા.
આ રીતે ઉપરાઉપરી ગણપતભાઈ ગુરુમહારાજ પાસે ચાલ્યા જતા હોવાથી પેથાભાઈ અને નરપાળભાઈએ વિચાર કર્યો કે, ગણપત હવે ભોરારામાં તો રહેશે જ નહિ. વળી મોકો મળતાં નાસીને ગુરુ પાસે ચાલ્યો જશે, માટે હવે તેને સંકજામાં રાખવો તેથી તેને તેની ફઈ આસુડીબાઈને ત્યાં કુંદરોડી રાખવાનો નિશ્ચય કર્યો.
આ સમાચાર તેમણે કુંદરોડી મોકલાવ્યા એટલે તેમના ફુઆ હીરા ડાયાણી તથા આકુડીબાઈ ભોરારા આવ્યાં. પેથાભાઈ અને ન૨પાળભાઈ બન્ને જઈને ગણપતને સમજાવીને પાછા ઉપાડી લાવ્યા. ફઈબાને સોંપીને તેને કુંદરોડી મોકલાવી દીધા. ફઈબાએ અહીં તેમના પર સારો કબજો રાખ્યો અને સંસારમાં ચિત્ત ચોટે તે માટે અનેકવિધ ઉપાયો અને પ્રલોભનો આપવા માંડ્યા પરંતુ ફણીધર જેમ કાંચળીનો ત્યાગ કર્યા પછી તેના સામું જોતો નથી, મોર પોતાના પીછાંનો ત્યાગ કર્યા પછી તેના પ્રત્યે મોહ ધરાવતો નથી તેમ દરેક પ્રલોભન અને ઉપાય ગણપતભાઈને સાંસારિક પ્રેમ જન્માવવામાં નિષ્ફળ નીવડ્યા.
પ્રસંગવશાત્ ફઈના દીકરા મૂળજીભાઈને જણાવીને કુંદરોડીથી તેઓ ચાલી નીકળ્યા અને જ્યાં પૂજ્ય શ્રી નથુજી સ્વામી બિરાજતા હતા ત્યાં પહોંચી ગયા. ફઈબાએ આ સમાચાર ભોરારા મોકલાવ્યા. વળી ક્રોધથી ધમતા પેથાભાઈ અને નરપાળભાઈ પરાણે ઘણી મુશ્કેલીથી ગણપતભાઈને ઘરે લઈ આવ્યાં.
નદીના પ્રવાહને ગમે તેટલો રોકીએ છતાં આવરણ દૂર થતાં જ તે પૂર્વવત્ આગળ વહેવા લાગે છે તે ગણપતભાઈનો મનપ્રવાહ ગુરુમહારાજના સાનિધ્ય તરફ હતો. મોકો મળતાં જેમ પોપટ પાંજરામાંથી છટકી જાય તેમ ગણપતભાઈ પાંચમી વાર ચાલી નીકળ્યા અને માંડવી (કચ્છ) પહોંચી જઈ ગુરુદેવના સાનિધ્યમાં રહ્યા.
પૂજ્યશ્રી નથુજી સ્વામીને લાગ્યું કે, આવી રીતે ગણપત વારંવાર નાસી આવે અને તેના કુટુંબીઓને હેરાન થવું પડે તે ઠીક નહિ, માટે જો ગણપતનો દીક્ષા લેવાનો સાચો ભાવ જ છે તો તેના વડીલોની લેખિત સંમતિ મેળવી લેવી. આવો ઊંડો વિચાર કરી તેઓશ્રી વિહાર કરતાં કરતાં ભોરારા આવી પહોંચ્યા. સાથે ગણપતભાઈ તો હતા જ. ભોરારા આવી ગણપતભાઈએ પોતાના વડીલબંધુ નરપાળ પાસે દીક્ષા લેવાની ભાવના જણાવી અને તે માટે તેમની અનુમતિ માગી. તેમના માતુશ્રી વિ.સં. ૧૯૩૫નાં કારતક વદ-૯ના સ્વર્ગવાસી થઈ ગયા હતાં તેથી મોટાભાઈની આજ્ઞા માગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org