________________
૧૨૨
શ્રી અજરામરજી સ્વામી
હજી થોડો સમય વધારે વિચરવાની ઈચ્છાનું સ્થાન કચ્છ તરફના પરોપકારમય પરિણામજનક વિહારની ઈચ્છાએ લીધું.
“પ્રથમ વાર પૂજ્યશ્રીનાં પગલાંથી ધન્ બનતી કચ્છની ધીંગી ધરા”
સંવત ૧૮૩૬માં પૂજ્ય શ્રી અજરામરજી સ્વામીએ કચ્છ તરફ વિહાર કર્યો. કચ્છમાં જે સાધુઓ તે વખતે વિચરતા હતા તે બધા ધર્મદાસજી મહારાજના સંપ્રદાયના જ હતા. પ્રથમ ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી સંવત ૧૭૭૨માં કચ્છ તરફ સાધુઓ ગયા હતા અને થોડાં વર્ષ પછી પાછા આ પ્રાન્તમાં અર્થાત્ સૌરાષ્ટ્રગુજરાતમાં આવ્યા હતા. ત્યાર બાદ કેટલાક વર્ષે પૂજ્ય શ્રી મૂલચંદજી સ્વામીના છઠ્ઠા શિષ્ય ઈંદરજી સ્વામી અને સોમચંદજી સ્વામી કચ્છમાં ગયા અને ઘણાં વર્ષ તેઓ કચ્છમાં રહ્યા. ત્યાં થોભણજી-કરશનજી સ્વામી વગેરે કેટલાક તેમના શિષ્ય થયા અને તે કચ્છમાં જ રહેતા હતા.
પરમપ્રભાવક ચરિત્રનાયકશ્રી જ્યારે કચ્છમાં પધાર્યા ત્યારે થોભણજી સ્વામી, કરશનજી સ્વામી, માંડણજી સ્વામી, ડાયાજી સ્વામી આદિ ચાર થી છ સાધુઓ ત્યાં વિચરતા હતા. સંપ્રદાય એક હોવાથી આહાર-પાણી સાથે હતા. માત્ર ફરક એટલો જ હતો કે સૌરાષ્ટ્ર - ગુજરાતમાંથી જે સાધુઓ કચ્છમાં કોઈ વખત જતા તે પરદેશી સાધુ કહેવાતા અને વધારે કચ્છમાં રહેતા તે કચ્છી સાધુ કહેવાતા. અલબત્ત, શ્રદ્ધામાં અમુક બોલ વિષે થોડો ફેરફાર થયો હતો; એક તો શ્રાવકોને સામાયિક વગેરે વ્રત આઠ કોટિએ કરાવવાં એ માન્યતામાં ભેદ પડ્યો હતો.
પૂજ્યપાદ શ્રી ધર્મદાસજી મહારાજનાં સંપ્રદાયમાં દરેક સ્થળે છ કોટિનું પ્રવર્તન હોવા છતાં કચ્છમાં આઠ કોટિના પ્રવર્તનની શરૂઆત કેમ થઈ હશે ? એનું મૂળ તપાસતાં બે અભિપ્રાય ઉપસ્થિત થાય છે. કચ્છમાં તે વખતે વિચરતા આઠ કોડિ મોટી પક્ષના પૂજ્ય શ્રી વ્રજપાળજી સ્વામીને આ સંબંધમાં પૂછતાં તેમનો એવો અભિપ્રાય મળ્યો કે પરદેશથી પહેલવહેલા આ દેશમાં સાધુઓ જ્યારે આવ્યા ત્યારે તેમના પહેલાં એકલપાત્રિયા શ્રાવકો કચ્છમાં હતા અને તે આઠ કોટિએ સામાયિક વગેરે કરાવતા જેથી પરદેશી સાધુઓએ પણ ગમે તે કારણથી તેનું જ અનુકરણ કર્યું. શ્રાવકોની આઠ કોટિની પ્રવૃત્તિમાં કાંઈ સુધારો ન કરતાં એમણે એમ જ ચલાવ્યું. બીજાઓનો એવો અભિપ્રાય છે કે દરિયાપુરી સંપ્રદાયના સ્થાપક પૂજ્ય શ્રી ધર્મસિંહજી મહારાજની આવશ્યક સૂત્રની પ્રત ઉપરથી કચ્છમાં વિચરતા સાધુઓએ આઠ કોટિની પ્રવૃત્તિ કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org