________________
૧૧૨
શ્રી અજરામરજી સ્વામી સામે કાંઠે વિશ્રાન્તિ લેવા એક ઝાડ નીચે બેઠા હતા. તે વખતે સુરત નિવાસી ખરતર ગચ્છના શ્રી પૂજ્ય ગુલાબચંદ્રજી પંડિત પાલખીમાં બેસી ભરૂચથી પાછા ફરી સુરત તરફ જતા હતા. નદી ઉલ્લંઘી માર્ગમાં ચાલનાર શાસન શણગાર શ્રી અજરામરજી સ્વામીના શુભલક્ષણોથી યુક્ત પગલાં જોયાં. લક્ષણશાસ્ત્રવેત્તા શ્રી પૂજયે લક્ષણશાસ્ત્રના બળથી તે પગલે ચાલનાર પુરુષની ઉત્તમતા પીછાણી લીધી. આવા ઉત્તમ આત્માને મળવાની તીવ્ર તાલાવેલી જાગી. પગલાં તાજાં લાગે છે એમ વિચારી નિશ્ચય કર્યો કે ચિત્તને હરનાર તે પુણ્યપુરુષ બહુ દૂર નહિ જ હોય માટે શીધ્ર તેમની શોધ કરે; એમ શ્રી પૂજ્યનાં મનમાં તાલાવેલી જાગવાથી શીધ્રગતિથી આગળ વધ્યા તો એક ઝાડ તરફ તે પગલાં જતાં જોયાં એટલે પાલખી ચાલકોને તે તરફ ચાલવાની આજ્ઞા કરી.
તે ઘટાદાર વૃક્ષ નીચે ઉત્તમ લક્ષણયુક્ત તે ભાવિના મહાપુરુષને જોઈ શ્રી પૂજયજીના આનંદની કોઈ અવધિ ન રહી. પાલખીમાંથી ઊતરી પ્રમોદભાવથી પૂછવા લાગ્યા કે, “મહારાજ ! આપ ક્યાંથી આવો છો? અને કઈ તરફ જવાના છો ?” પૂજ્ય શ્રી હીરાજી સ્વામીએ જવાબ આપ્યો, “લીંબડીથી વિહાર કરી અનુક્રમે ભરૂચ થઈ સુરત તરફ વિહાર કરવાનો વિચાર છે.” સુરતનું નામ સાંભળી મનમાં અત્યંત ખુશ થતાં શ્રી પૂજ્ય પૂછયું કે, “આ લઘુમુનિ શું આપના શિષ્ય છે? અને તે આપની સાથે જ રહેવાના છે?” હકારમાં ઉત્તર મળવાથી પુનઃ પૂછયું કે, “તેમણે શું અભ્યાસ કર્યો છે? અને હવે શેનો અભ્યાસ કરવાના
છે ?”
ગુરુમહારાજે તેમના દ્ધયનો અભિપ્રાય કહી બતાવ્યો કે, “સંસ્કૃતનો વિશેષ અભ્યાસ કરવા તેમના મનમાં ઘણી આતુરતા છે.” આ સાંભળીને શ્રી પૂજયે જણાવ્યું કે ઘણી ખુશીની વાત છે. ભણવાની આતુરતા એ એક ઉત્તમતાની નિશાની છે. હવે આપ જ્યારે સુરત પધારો ત્યારે મને મળજો. ભણાવવા માટે આપને બીજા શિક્ષકની શોધ કરવી નહિ પડે. હું મારી જાતે જ તેમને ભણાવીશ. તેમને જે ભણવાની ઈચ્છા હશે તે પૂરી થશે. તેમાં જરાય ભેદભાવ નહિ રાખું. આપ ખરેખર ભાગ્યશાળી છો કે આવા ઉત્તમ શિષ્યની પ્રાપ્તિ થઈ છે. વધારે શું કર્યું? હું એક ભિન્ન સંપ્રદાયી છું છતાં આપના શિષ્ય મારું અંતઃકરણ પોતાના તરફ ખેંચી વશ કરી લીધું છે. અસ્તુ એક જ વિચાર રાખી તુરત સુરત પધારજો. એમ કહી શ્રી પૂજય સુરત તરફ પ્રયાણ કર્યું.
પ્રતિપક્ષના અગ્રેસર પુરુષને આકર્ષનાર અને પહેલે જ સમાગમે તેમની પ્રીતિના પાત્ર બનનાર મહાપુરુષની પુણ્યકૃતિમાં કેટલી શ્રેષ્ઠતા અને તેમનાં લક્ષણોની કેટલી ઉચ્ચતા હશે તે ઉપરના પ્રસંગથી સારી રીતે સમજી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org