SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યકથા નં. ૪ સંસાર નિર્વેદના અનેક કારણો લોકો મને ચક્રવર્તી ભરત રાજેશ્વર તરીકે ભલે ઓળખે. મારા નામથી ભલે સંપૂર્ણ દેશનું નામ ભારતવર્ષ પડે, પણ લોકદૃષ્ટિએ સુખી હું સંસારમાં અનેક પ્રસંગોથી દુ:ખી હતો.જેથી તન સંસારમાં અને મન સંયમમાં દોડતું હતું. નાના પ્રસંગો અનેક પણ વિશિષ્ટ વૈરાગ્યની કારણભૂત ઘટનાઓ અનેક બની છે, જે સ્વાનુભવ હોવાથી જણાવું છું. મારા પિતા ઋષભદેવે ચારિત્ર લેતાં પૂર્વે પ્રજાના હિત માટે રાજ્ય મને સોંપ્યું.પોતે તો સંયમની ઘોર સાધના કેળવી તીર્થંકર બની ગયા પણ મારે ભોગાવલિ કર્મો પ્રચૂર હોવાથી ચક્રી બનવાનો વારો આવ્યો. તે માટે સાઠ સાઠ હજાર વર્ષો સુધી દેશ-પરદેશ વિજયયાત્રા કરવાનો શ્રમ લેવો પડ્યો. રાજસુખો છોડી નમિ-વિનમિ, કિરાતો, ખંડિયા રાજાઓથી લઈ સગા નાના ભાઈ બાહુબલી સામે જ સંગ્રામ ખેલવો પડ્યો. સુભદ્રા જેવું સ્ત્રીરત્ન મળવા છતાંય ગંગાદેવીની પ્રણયપ્રાર્થના સામે પોતાનું ગૌરવ ખોઈ હજાર વરસ માટે તેણીની કામયાચના પૂરવા યુદ્ધો છોડી રહેવું પડ્યું. કાંકિણી રત્નથી ૠષભકૂટ ઉપર નામ જૂના ચક્રીનું ભૂંસી પોતાનું લખવા જતાં વિષાદ થઈ ગયો કે આજે મેં લખેલું નામ જરૂરથી કોઈ નવા ચક્રી ભૂંસવાના છે, તેથી આંખો છલકાઈ ગઈ. ચક્રી બનવાના અભરખામાં બાહુબલી સાથે જન્મેલી વ્હેન સુંદરીને પરણવાના મોહમાં તેણીને ગૃહબંધન કરાવ્યા પણ તેણીએ તો ૬૦૦૦૦ વરસો સુધી આયંબિલનો તપ તપી કાયાની માયા ઉતારી નાખી અને હાડ-માંસ ગાળેલ હાલત દેખી મારી કામવાસના કુંઠિત થઈ જતાં તેણીને દીક્ષા માટે શાબાસી સાથે રજા આપવી પડી, લાંબા અરસે છ ખંડ સાધી જ્યારે ૯૮ નાના ભાઈઓને મારા શરણમાં આવી જવા કહ્યું તો તેઓ પિતા તીર્થંકર આદિનાથજીની આજ્ઞા પાળવા દીક્ષિત થઈ ગયા. રાજ્ય લાલસમાં મેં લઘુભ્રાતાઓ સાથે અન્યાય કરી નાખ્યો. તે પછી પણ એક નાના ભાઈ બાહુબલીને હંફાવવા શરમ નેવે મૂકી મોટાઈ છોડી યુદ્ધ આદર્યું. હાર્યો જુગારી બમણું રમે તેમ દરેક પ્રકારના યુદ્ધમાં પરાભવ છતાંય અભિમાન જાળવી નાનાભાઈ ઉપર ચક્ર છોડી દીધું. ભાઈ તો બચી ગયા ને સંયમપંથે સંચરી ગયા, પણ વિચિત્ર ભોગાવલિ કર્મના પ્રભાવે આરંભ-સમારંભ ભરેલા સંસારમાં સપડાઈ ગયો, છતાંય સૌથી સારું એ થયું કે મારા પુત્ર મરિચિની દીક્ષા પછી મારો વૈરાગ્ય ખૂબ વધી ગયો. પરિવારના સૌ સંયમના માર્ગે અને હું એકલો સંસારચક્રના બંધમાં તે કેમ ચાલે? દરરોજ બંદીજનો મને ચેતવતા રહ્યા કે હું મોહથી જીતાયેલો છું. મારે માથે ભય વધી રહ્યો છે. પાંચ-પાંચસો ગાડા ભરેલ અન્નને પણ રાજપિંડ કહી પ્રભુજી અને તેમના શિષ્ય સાધુઓએ ન વહોર્યું ત્યારે મારો ભોગ-વિલાસ વિલખો પડી ગયો. સંસારના રંગ-રાગમાં આગ લાગી ગઈ. અધૂરામાં પૂરું જ્યારે તીર્થંકર ભગવંત અષ્ટાપદજીથી મોક્ષ પામી ગયા અને સદાય માટે સંસારથી પર બની નિરંજન-નિરાકાર સિદ્ધિ સાધી ગયા, ત્યારે મારી પાસે એકમાત્ર ઉપાસના એ રહી કે હું તેમની પ્રતિમા ભરાવું અને ભાવાંજલિ શ્રદ્ધાંજલિ આપું. અંતે ચાર, આઠ, દસ અને બેની સંખ્યામાં ચોવીસ તીર્થંકરોની પ્રતિમાઓ ભરાવી અષ્ટાપદ તીર્થ સ્થાપી મેં જીવનનું નાનું સુકૃત ઉત્પન્ન કર્યું. બસ આવા એક નહિં અનેક કારણો ભેગા થતાં અને તેમાંય ખાસ પૂર્વભવમાં બાહુ નામના સાધુપદે જે સાધનાઓ કરી હતી તેનું પુણ્ય ઉદયમાં આવતાં ચારિત્રની સતત ભાવના છતાંય દ્રવ્યચારિત્ર વગર જ આભૂષણો વિનાની નિસ્તેજ કાયાને આરીસાભુવનમાં દેખતાં–નિહાળતાં વિરાગનો ચિરાગ તેજવંતો થયો ને ક્ષપકશ્રેણિ લાગી ગઈ. સંસારની અસારતા સામે સાર સ્વરૂપ કૈવલ્યજ્ઞાન પ્રગટી જતાં સ્વાભાવિક સંસારત્યાગ થઈ ગયો હતો. મારી પાછળ અનુગામી દસ હજાર રાજાઓએ પણ મહાભિનિષ્ક્રમણ કરી મહાપરાક્રમ દર્શાવ્યું છે. પ્રબળ વૈરાગ્ય વાસનાથી પ્રથમ કૈવલ્ય અને પછી ચારિત્ર પ્રાપ્તિ જેવા અપવાદિક પ્રસંગનો હું સાક્ષી છું. (સાક્ષી—ચક્રી ભરત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy