________________
૨૬૮
જાહેર કરતાં અનેક શાસનપ્રેમીઓનાં પુસ્તકો-પ્રકાશનો જોવાં મળશે, તેનું અધ્યયન કરવા જેવું છે. પદ અને પદવી-પ્રતિષ્ઠાની પડાપડી કરનાર સાંસારિક જીવ વગોવાય છે જ્યારે શાસનદાઝ સાથે યોગ્યતા છતાંય પદવીનો મોહ પણ ન રાખનાર એક સંયમી આત્માનાં ગીતો ગવાય છે. ગૃહસ્થોની ક્યાં આશ્રવ સમાધિ અને ક્યાં એક અણગારની સંવર સમાધિ? તુચ્છ માન-સન્માન. અનુકૂળતા-શાતા, વિષય સંપદા કે શરીર શોભા પ્રતિ પણ સદા ઉદાસીનભાવવાળા એક સાધકની ક્યાં તે આત્મમસ્તી અને ક્યાં ભરપૂર અપેક્ષાઓથી દબાયેલ સાંસારિક સજ્જન. જૈન શ્રમણ પાસે આરાધનાઓ કરતાંય સબળ એવો આરાધકભાવ જે હોય છે તે જ પ્રવૃત્તિ કરતાંય પરિણતિની પક્કડવાળો અને પરિણામે મુક્તિ સુધી પહોંચાડનારો અંતરવૈભવ ખૂબ જ સુગુપ્ત ખજાના જેવો હોય છે. આત્મપ્રશંસા અને પરનિંદા, સ્વનો ઉત્કર્ષ અને પરનો અપકર્ષ, સ્પર્ધકવૃત્તિ કે મિથ્યા આડંબરો જેને નડતાં નથી, જે સાધક નામનાની કામનાથીય પર છે અને અંતર્મુખી છે-તે વિદ્વાન જ્ઞાની પણ છે. ત્યાગી જ નહીં, પણ યોગી પણ છે, ગુણી જ નહીં પણ સાચો સુખી પણ આવા લોકોત્તર આચાર પાળનારને પ્રચારમાં પડવું પણ નથી પડતું બલ્કે તેનું મૌન પણ ભાષા બને છે, જીવન જ અન્ય માટે સંદેશ-ઉપદેશ બને છે. તેવા ગુણવાન, લબ્ધિવાન શ્રમણો ભવાંતરમાં સુખ-સમાધિશાંતિ અને સમૃદ્ધિ પામે કે નિકટભવી બની રૂપાતીત સિદ્ધગતિને પણ સંપ્રાપ્ત કરી લે તેમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે અનાદિકાળથી મુક્તિની સફરનો રાજમાર્ગ સંયમ રહ્યો અને રહેવાનો. સંસારમાં રહી સવિશુદ્ધ ધર્મની આરાધનાઓ અશક્ય છે. શ્રમણધર્મમાં તર્ક કરતાંય તત્ત્વ-તિતિક્ષા અને તટસ્થતા વધુ મહત્ત્વની ગણાય છે. સંસારીઓને બહારનાં સુખ હોય છે, પણ અંદરથી દુઃખી હોય છે, જ્યારે જૈન શ્રમણો અંતરાત્માથી અને અંતઃકરણથી સુખી-સુખી હોય છે. પુણ્યોદયમાં પણ ઉદાસીનતા-માધ્યસ્થભાવ તથા નિઃસ્પૃહતા તેમનો આંતરવૈભવ હોય છે. જ્ઞાની છતાંય નમ્ર-વિનમ્ર, વિનયવિવેક, શાંત-દાંત, શમ-ઉપશમ, તપસ્વી-ત્યાગી, અનાસક્ત, અનાવૃત્ત, સહનશીલ, સ્વાધ્યાયી, સમભાવી, અપ્રમત્ત, જિનાજ્ઞાસમર્પિત, જ્ઞાનગર્ભિત વૈરાગી એવા તો અનેક ગુણોથી અલંકૃત તેઓ શ્રમણ જ નહીં ક્ષમાશ્રમણ કહેવાય છે, તેમને પણ ક્યારેક અશુભ કરમ શરમ રાખ્યા વિના પીડે, છતાંય તેવા કર્મોદય પ્રસંગે પણ કર્માધીન બનતા નથી.
Jain Education International
વિશ્વ અજાયબી :
એક સંસારીનો ઉલ્લાસ ભૌતિક ઝાકઝમાળ ઉત્પન્ન કરે છે, જ્યારે સંયમીનો ઉલ્લાસ આધ્યાત્મિક ચમત્કારો સર્જે છે. દુનિયા ચમત્કારને નમસ્કાર કરે છે, જ્યારે સંયમીઓ નમસ્કારને ચમત્કાર કહે છે. તેમની પાછળ લોકો કેટલી સંખ્યામાં આકર્ષાયાં, કેટલું ધન વાપર્યું, કેટલી ઉછામણીઓ થઈ, ભક્તવર્ગ કે શિષ્યવર્ગ કેટલો વિશાળ બન્યો તે બધુંય શ્રમણધર્મની જરૂરિયાત નથી હોતી, ફક્ત વ્યાવહારિક શોભા બને છે અને શાસનપ્રભાવના કરતાંય શાસનરક્ષા અને તેથીય વધીને આત્મઆરાધનાનું તેમને મહત્ત્વ વધુ હોય છે. શાસનરાગનો પ્રશસ્ત રાગ હોવાથી બહારની દુનિયામાં ભમવું નથી પડતું, પણ આંતરખોજ માટે જ ભ્રમણ હોય છે.
આવી લોકોત્તર સાધના કરતાં-કરતાં ક્યારેક નાની-મોટી આભોગ-અનાભોગથી ભૂલ કે સ્ખલના થઈ જાય તોય પાપ કરતાં પશ્ચાત્તાપ કરવાની તકો વધુ મળે છે, કારણ કે શ્રમણધર્મ જ સાધના અને સિદ્ધિ માટે સર્જાયેલ છે, આચારપ્રધાન, તીર્થંકર પ્રદત્ત, ગુર્વાજ્ઞા અને બહુમાનથી ધબકતું એવું તો ચેતનવંત છે કે કુદરત પણ ઝૂકવા લાગે છે, સમુદ્ર-પૃથ્વીસૂર્ય-ચંદ્ર જેવી મહાસત્તાઓ પણ મર્યાદા રાખે છે.
માટે જ કહેવાય છે કે આચારનાશ પછી જ શાસનનાશ થઈ શકે ત્યાં સુધી જૈન શાસન જયવંતું રહે છે, અનેકોનું કલ્યાણ કરે છે. દેવતાઓ પણ જે સંયમની ઝંખના કરે છે, ચક્રવર્તીઓથી લઈ રાજા-પ્રજા સૌ જેને અભિવંદે છે, તે શ્રમણધર્મમાં નંદી સયા સંજમે'ની ઉક્તિ કેટલી સાર્થક તે અનુભવવા ‘સંયમ કબહી મિલે'ની હાર્દિક પ્રાર્થના અત્યાવશ્યક છે.
વિશાળ બજારમાં કોઈક એકાદની દુકાન દેવાળું કાઢે તોય બાકીનો વેપાર ઠપ્પ થઇ જતો નથી, તેમ સંયમ ગ્રહી પતિત થનાર નંદીષેણ, આર્દ્રકુમાર, અરણિક કે અન્ય અણગારની નકારાત્મક વાતોમાં રસ લેવા કરતાં હરિભદ્રસૂરિજી, હેમચંદ્રાચાર્યજી કે હીરસૂરીશ્વરજી જેવા મહાભાગીની હકારાત્મક વાતોમાં વિચારોને ગોઠવતાં સંયમ અને સંયમીઓ પ્રત્યે બહુમાન વધશે.
ગુરુબહુમાન અને ગુરુકૃપાથી સર્જાયેલ નાનો આ લેખ મોટી અને સાચી વાતોના ખપી આત્માઓને સારો ગમશે, તેવી શુભાભિલાષા સાથે વિરામ.
For Private & Personal Use Only
www.jainelibrary.org