________________
અભિવાદન ગ્રંથ /
[ ૩૨૧
અકબરે એકસો વીઘા જમીન આપી હતી.
આવા અનેક મહાન સાધુ પુરુષો જિનશાસનમાં થઈ ગયા.
એ જ રીતે સાધ્વીઓમાં ચંદનબાળા, દેવાનંદા, મૃગાવતી, ભદ્રામાતા, મલયસુંદરી, શિયળવતી વગેરેનાં ચરિત્રો નોંધપાત્ર છે. એમાં પણ વીર નિર્વાણની ચોથી સદીમાં થયેલી આર્યા પોઈણી એમની બહુશ્રુતતા, આચારશુદ્ધિ અને નેતૃત્વના ગુણને કારણે જિનશાસનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આર્યા પોઈણીનું જીવન દર્શાવે છે કે જનમાનસમાં ધર્મભાવના જાગ્રત કરવા માટે અને પ્રગટેલી ધર્મભાવનાને પ્રેરવા-પોષવા માટે જૈન સાધ્વીઓએ જૈન સાધુઓની માફક શ્રદ્ધા, સાધના અને સાહસ સાથે દેશના વિભિન્ન પ્રદેશોમાં પગપાળા વિચરણ કરીને આધ્યાત્મિક ચેતના જગાવી હતી.
ઇતિહાસનાં પૃષ્ઠો પર ભગવાન મહાવીરના નિર્વાણની ચતુર્થ શતાબ્દીના પ્રથમ ચરણમાં વાચનાચાર્ય બલિસ્સહજીના સમયમાં સાધ્વી-પ્રમુખ તરીકે આર્યા પોઈણી હતાં. કલિંગ ચક્રવર્તી મહામેઘવાહન ખારવેલના સમયમાં જૈન ઇતિહાસની એક મહાન ઘટના સર્જાઈ. કલિંગના રાજવી ખારવેલને ખબર પડી કે પાટલિપુત્રનો રાજવી પુષ્યમિત્ર જૈનો પર ઘોર અત્યાચાર આચરી રહ્યો છે. પોતાના રાજ્યશાસનનાં આઠમા વર્ષે ખોરવેલે પાટલિપુત્ર પર ચડાઈ કરી અને પુષ્યમિત્રે શરણાગતિ સ્વીકારીને જૈનધર્મીઓ પર અત્યાચાર નહીં કરવાની પ્રતિજ્ઞા કરીને રાજવી ખારવેલ સાથે સંધિ કરી, પરંતુ થોડા સમય બાદ પુષ્યમિત્રે પુનઃ અત્યાચારોનો આરંભ કરતાં ચાર વર્ષ બાદ વિશાળ સેના સાથે ખારવેલે પાટલિપુત્ર પર આક્રમણ કરીને વિજય મેળવ્યો. ભારતીય ઇતિહાસમાં રાજવી ખારવેલ જેવી અપ્રતિમ વીરતા, અદ્ભુત સાહસ, ધર્મ પ્રત્યેની પ્રગાઢ નિષ્ઠા અને અનુપમ સાધર્મિક વાત્સલ્ય ધરાવતો જૈન રાજવી વિરલ છે. એ પછી આ મહાસમર્થ રાજવીએ કુમારગિરિ નામના પર્વત પર ચતુર્વિધ સંઘને એકત્ર કરીને આગમ સાહિત્યને સુરક્ષિત અને વ્યવસ્થિત કરવા માટે દ્વિતીય આગમવાચન પરિષદનું આયોજન કર્યું.
આ પરિષદમાં સાધ્વી-પ્રમુખા આર્યા પોઈણીના નેતૃત્વમાં ત્રણસો વિદુષી સાધ્વીઓએ ભાગ લીધો. આગમમર્મજ્ઞ, પ્રતિભાસંપન્ન અને પ્રકાંડ વિદુષી આર્યા પોઈણીએ આગમપાઠને નિશ્ચિત કરવામાં સહાય કરી. સાધ્વી પોઈણી વિદુષી, આચારનિષ્ઠ અને સંઘ સંચાલનમાં કુશળ એવા સાધ્વી હતાં. આ સમયે વિહાર કરીને સાધ્વી પોઈણી જનમાનસમાં અધ્યાત્મચેતના જગાડતાં હતાં તેમ જ ધર્મપ્રસારનાં કાર્યોમાં સંઘને સહાયતા કરતાં હતાં.
ઇતિહાસમાં આર્યા પોઈણીનાં કુળ, વય, શિક્ષા, દીક્ષા કે સાધના વિષે વિસ્તૃત વિવરણ ઉપલબ્ધ નથી, પરંતુ પ્રાપ્ત કથાનકોના આધાર પર સાધ્વી યક્ષા પછી આર્યા પોઈણીનું સાધ્વીસંઘમાં પ્રમુખ અને ગૌરવભર્યું સ્થાન હતું.
સાધ્વી ઈશ્વરી કે સાધ્વી પાહિણીએ શાસનને તેજસ્વી રત્નો આપ્યાં. સાધ્વી ઈશ્વરીના ચારે પુત્રોચંદ્ર, નાગેન્દ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર મહાન સાધુઓ બન્યા અને સાધ્વી પાહિણીમાતાએ જિનશાસનને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આપ્યા. ૧૪૪૪ ગ્રંથોની રચના કરનાર આચાર્ય હરિભદ્રસૂરિને સાચો માર્ગ યાકિની મહત્તરાએ બતાવ્યો અને તેથી તેઓ પોતાની જાતને ‘યાકિની મહત્તરાના ધર્મપુત્ર' તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org