________________
અભિવાદન ગ્રંથ ]
[ ૨૫૭
સામે યુદ્ધ કરવા લાગ્યા. આ વખત દરમ્યાન શ્રેણિક ચેલણાને લઈ ઘણો આગળ જતો રહ્યો અને પોતાના નગરે જઈ તરત જ તેણીની સાથે લગ્ન કરી લીધું. અહીંયા સંગ્રામમાં સુલસાના બત્રીસે પુત્રો એકી વખતે માર્યા ગયા. આ ખબર સાંભળી સુલસા અત્યંત દુઃખ કરવા લાગી ત્યારે અભયકુમારે તેણીને સમજાવી કે, સમક્તિધારી થઈ તું આમ અવિવેકીની પેઠે શું શોક કરે છે, અને આ શરીર તો ક્ષણિક છે માટે શોક કરવાથી શું થાય? આવી ધાર્મિક રીતે દિલાસો આપી સુલસાને શાંત કરી.
એક વખત ચંપાનગરથી અંબડ પદ્વ્રિાજક (સંન્યાસીનો વેષધારી એક શ્રાવક) રાજગૃહી નગરે જવા તૈયાર થયો. ત્યારે તેણે શ્રી મહાવીરસ્વામીને વંદના કરી અરજ કરી કે, સ્વામી, આજે હું રાજગૃહી જાઉં છું. ભગવંતે કહ્યું કે, ‘‘ત્યાં સુલસા શ્રાવિકાને અમારો ધર્મલાભ કે'જો.'' તથાસ્તુ કહી તે ત્યાંથી નીકળી રાજગૃહી નગરે આવી પહોંચ્યો. તેણે મનમાં વિચાર કર્યો કે, જેને પ્રભુ પોતે ધર્મલાભ મારે મોઢે કહેવરાવે છે ત્યારે તે ખરેખર દૃઢ ધર્મી જ હશે. પરંતુ મારે તેની ધર્મના વિષયમાં સ્થિરતા કેવી છે તેની પરીક્ષા કરવી જોઈએ. એમ ધારી તે પહેલે જ દિવસે રાજગૃહીના પૂર્વ દિશાના દરવાજે પોતાના તપોબળથી ઉત્પન્ન થયેલી શક્તિથી સાક્ષાત્ બ્રહ્મનું રૂપ લઈ બેઠો. આવો ચમત્કાર જોઈ નગરના સર્વ લોક દર્શન માટે આવ્યા, પણ સુલસા શ્રાવિકા ન આવી. તેથી બીજે દિવસે બીજા દરવાજે મહાદેવનું રૂપ લઈ બેઠો. ત્યાં પણ નગરના બધા લોકો ભક્ત બની તેના દર્શને આવ્યા, પણ સુલસા ન આવી. ત્રીજે દિવસે ત્રીજી દિશાને દરવાજે વિષ્ણુનું રૂપ લઈ બેઠો. ત્યાં પણ બધા નગરના લોકો આવ્યા, પણ સુલસા ન આવી. ચોથે દિવસે ચોથા દરવાજે સમવસરણની રચના થઈ. પચ્ચીસમા તીર્થંકરનું રૂપ લઈ બેઠો. ત્યાં પણ બીજા લોકો આવ્યા, પણ સુલસા ન આવી. તેથી તેણે કોક માણસ મોકલી સુલસાને કહેરાવ્યું કે, તને પચીસમા તીર્થંકર વંદન કરવા બોલાવે છે ત્યારે સુલસાએ જવાબ આપ્યો કે, ‘‘ભદ્ર, પચ્ચીસમા તીર્થંકર કદી હોય જ નહીં. એ તો કોઈ કપટી છે. અને લોકોને ઠગવા માટે આવેલો છે. હું તો સાચા તીર્થંકર મહાવીરસ્વામી વગર બીજાને વાંદવાની નથી.’’
અંબડ શ્રાવકને લાગ્યું કે આ સુલસા જરા માત્ર પણ ચલાયમાન થતી નથી, તેથી તે ખરેખર સ્થિર સ્વભાવવાળી છે, એમ જાણી અંબડ હવે શ્રાવકનો વેષ લઈ સુલસાને ઘેર ગયો. સુલસાનાં ઘણાં ઘણાં વખાણ કરી બોલ્યો કે, ‘‘હે ભદ્રે! તું ખરેખર પુણ્યશાળી છે, કેમ કે તને ભગવંત શ્રી મહાવીરસ્વામીએ મારે મોઢે ધર્મલાભ કહેવરાવ્યા છે.'' આટલું માત્ર સાંભળતાં જ તરત તે ઊઠી ઊભી થઈ અને ભગવંતને નમસ્કાર કરી સ્તવના કરવા લાગી કે, ‘‘મોહરાજા રૂપ પહેલવાનના બળને મર્દન કરી નાખવામાં ધીર, પાપ રૂપ કાદવને સાફ કરવામાં નિર્મળ જળ જેવા, કર્મ રૂપ રજ હરવામાં એક જ પવન જેવા, હે મહાવીર પ્રભુ, તમો સદાય જયવંતા રહો.'' અંબડ શ્રાવક સુલસાને આવી દૃઢ ધર્મિણી જોઈ તેની ઘણી ઘણી અનુમોદના કરી સ્વસ્થાનકે ગયો. સુલસા આવા ઉત્તમ ગુણોથી શોભતી, સારાં ધર્મ કૃત્યો કરી છેવટે સ્વર્ગસંપદાને પામી. ત્યાંથી આ ભરતખંડમાં આવતી ચોવીસીએ નિર્મમ નામના પંદરમા તીર્થંકર થઈ મોક્ષપદને પામશે.
EKLOKTWINT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org