________________
અભિવાદન ગ્રંથ
[ ૧૮૩
( મહારાજા કુમારપાળ )
જિનશાસનની કીર્તિગાથાનું એક ભવ્ય અને ઉજજ્વળ પ્રકરણ એટલે રાજર્ષિ કુમારપાળનું વીરતા, ન્યાયપરાયણતા અને કરુણાથી ભરેલું જીવન. પરમહંત શ્રાવકના બિરુદથી ઇતિહાસમાં વિખ્યાત મહારાજા કુમારપાળ વિશ્વમાં અહિંસાની ઘોષણા કરનાર સમર્થ રાજવી હતા.
વિ. સં. ૧૧૪૯માં જન્મેલા કુમારપાળનાં લગ્ન ભોપાલદેવી સાથે થયાં. નિઃસંતાન સિદ્ધરાજે જયારે જાણ્યું કે એના પછી કુમારપાળના ભાગ્યમાં ગુજરાતનું રાજય છે ત્યારે સિદ્ધરાજે વિચાર્યું કે આ કુમારપાળ આમ રાજા બનવો જોઈએ નહીં. એ મરીને મારો પુત્ર થાય અને રાજા બને તે યોગ્ય ગણાય. આવા વિચારથી એણે કુમારપાળને મારી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. એમાં જેમ જેમ નિષ્ફળતા મળતી ગઈ, તેમ તેમ સિદ્ધરાજની વેરવૃત્તિ વધતી ગઈ. ચોવીસ વર્ષના કુમારપાળને સિદ્ધરાજની દુર્ભાવનાની જાણ થતાં એ બીજા રાજ્યોમાં ચાલ્યો ગયો અને જુદા જુદા વેશે ભટકવા લાગ્યો. રાજાએ એની પાછળ મારાઓની એક ટુકડી રાખી હતી, પણ કુમારપાળને કોઈની ને કોઈની મદદ મળી જતી અને ઊગરી જતો. હેમચંદ્રાચાર્યની કુમારપાળ પર ઘણી કૃપા હતી તેથી એમણે પણ એને આ ગુપ્તવાસમાં સહાય કરી હતી. વિ. સં. ૧૧૯૯ના કારતક સુદ ત્રીજના દિવસે સિદ્ધરાજનું મૃત્યુ થયું. એ પછી મહિપાલ, કીર્તિપાલ અને કુમારપાળ વચ્ચે થયેલ રાજગાદી માટેની સ્પર્ધામાં કુમારપાળ ધીર અને સાહસમૂર્તિ સાબિત થતાં હાથણીએ એમના પર કળશ ઢોળ્યો. વિ. સં. ૧૧૯૯ના માગસર સુદ ચોથના દિવસે પચાસ વર્ષની વયે પાટણમાં કુમારપાળનો રાજયાભિષેક મહોત્સવ રચાયો.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી એણે રાજ્યમાં જુગાર પર પૂર્ણ પ્રતિબંધ મૂક્યો. અમારિ ઘોષણા કરી. એણે ધર્મઆજ્ઞા પ્રસરાવી કે, “પ્રજા એકબીજાનાં ગળાં કાપી ગુજરાન ચલાવે, એમાં રાજાનો દુર્વિવેક છે. જૂઠું બોલવું એ ખરાબ છે. પરસ્ત્રી-સંગ કરવો તે તેથી ખરાબ છે, પણ જીવહિંસા તો સૌથી નિકૃષ્ટ છે. માટે કોઈએ હિંસા પર ગુજરાન ન ચલાવવું. ધંધાદારી હિંસકોએ હિંસા છોડવી અને તેમને ત્રણ વર્ષ સુધી ભંડારમાંથી ભરણપોષણ મળશે.'
અમારિ ઘોષણાનો અવાજ ચારે દિશામાં ગુંજવા લાગ્યો. એણે અધિકારીઓને આજ્ઞા કરી કે મારા રાજ્યમાં જો કોઈ પણ જીવહિંસા કરે તો તેને ચોર અને વ્યભિચારી કરતાં પણ સખત શિક્ષા કરવી. મહારાજા કુમારપાળની આવી અહિંસા પ્રત્યેની ચાહના જોઈને પડોશી અને ખંડિયા રાજાઓએ પણ પોતાના રાજમાં અહિંસાપાલનની ઘોષણા કરી. ધર્મ નિમિત્તે અને ભોજન નિમિત્તે એમ બન્ને પ્રકારે થતી જીવહિંસાનો નિષેધ કર્યો. કંટકેશ્વરી દેવીને અપાતો પશુબલિ પણ બંધ કરાવ્યો. હેમચંદ્રાચાર્યે કુમારપાળને દૈવીકોપથી મુક્ત કર્યા અને પૂર્વભવમાં આઠ ઉપવાસ કરીને શેઠના ઘરે એ મૃત્યુ પામ્યો હતો એ વાત કરી. અમારિ ઘોષણા દ્વારા કુમારપાળે ક્તલખાના બંધ કરાવ્યાં, પશુપીડા પર પ્રતિબંધ મૂક્યો અને ગુજરાતમાં જે જીવદયાની ભાવના જોવા મળે છે તેના પાયામાં હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે કરેલાં કાર્યો કારણભૂત છે. તેમની પાસેથી સમ્યક્ત્વ તથા ગૃહસ્થનાં બાર વ્રતો સ્વીકાર્યા અને તે સમયથી આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યે એમને “રાજર્ષિ'નું બિરુદ આપ્યું હતું. .
રોજ સવારમાં મંગલપાઠથી જાગવું, નમસ્કારનો જાપ, “વીતરાગસ્તોત્ર' તથા ‘યોગશાસ્ત્ર'નો અખંડ પાઠ, જિનદર્શન, ચૈત્યવંદન, કુમારપાળવિહારમાં ચૈત્યપરિપાટી, ઘરદેરાસરમાં ભોજન-નૈવેદ્ય ધરીને જમવું, સાંજે ઘરદેરાસરમાં આંગીરચના, આરતી, મંગલદીવો, પ્રભુસ્તુતિગુણગાન, રાત્રે મહાપુરુષોના જીવનની વિચારણા અને નિદ્રા - એ રીતે એનો દૈનિક ધાર્મિક ક્રમ હતો. ૧૪ વર્ષમાં ૧૪ કરોડ સોનામહોરોનું દાન, ૨૧ ગ્રંથભંડારોનું લેખન, ૧૮ દેશોમાં અમારિ પાલન, ૧૪ દેશોના રાજાઓ સાથે મૈત્રી, સાત તીર્થયાત્રાઓ, ૧૪૪૪ દેરાસરોનું નિર્માણ અને ૧૬OO દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવનાર મહારાજા કુમારપાળ ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય અને આદર્શ રાજવી તરીકે ચિરસ્મરણીય બની રહ્યા. ૮૪ વર્ષની ઉંમરે વિ. સં. ૧૨૨૯માં હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. ગુરુવિદાય પછી રાજય વિષે વૈરાગ્ય અનુભવતા ગુર્જરેશ્વર મહારાજા કુમારપાળ વિ. સં. ૧૨૩૦માં એંસી વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org