SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ] [ જૈન પ્રતિભાદર્શન N રોહિણિયા ) ભગવાન મહાવીરની વાણીની પ્રભાવકતા એવી છે કે જે અધમમાં અધમ વ્યક્તિના અંધકારઘેરા હૃદયમાં ધર્મનો પ્રકાશ પાથરીને પરિવર્તન આણતી હતી. મહાવીર-વાણીનું એક મધુબિંદુ પણ વેરઝેરથી ઘેરાયેલા વિષપૂર્ણ માનવીને સત્યના પંથે દોરી જતું હતું. શૂદ્ર જાતિના રોહિણિયા ચોરના જીવનમાં આવેલું પરિવર્તન આનું જવલંત ઉદાહરણ છે. રાજગૃહી નગરીની બહાર આવેલી વૈભારગિરિની ગુફામાં લોહખુર નામના ભયાનક, દુષ્ટ ચોરે અંતિમ વેળાએ પોતાના પુત્ર રોહિણિયાને કહ્યું, “તું ક્યારેય ભગવાન મહાવીરનો ધર્મોપદેશ સાંભળતો નહીં. જો તેઓ દેવોએ રચેલા સમવસરણમાં બેસીને દેશના આપતા હોય તો એમનો એક શબ્દ પણ ન સંભળાય તેની સદાય કાળજી રાખજે.'' સમય જતાં ભયાનક લૂંટારો લોહખુર મૃત્યુ પામ્યો. રોહિણિયાને વૈભારગિરિની ગુફામાંથી રાજગૃહીમાં ધાડ પાડવા જવું હોય તો પ્રભુના સમવસરણ પાસેથી જવું પડતું. આ સમયે એમનો એક શબ્દ પણ ન સંભળાય તેની સાવધાનીરૂપે બંને કાનમાં આંગળી ખોસીને પસાર થતો હતો. એક વાર આ રીતે પસાર થતો હતો ત્યારે બાવળની તીક્ષણ શૂળ પગની પાનીની આરપાર નીકળી ગઈ. શૂળ કાઢવા જતાં એના કાન પર ભગવાન મહાવીરની મધુર વાણીનાં વચનો સંભળાઈ ગયાં. ભગવાન મહાવીર દેવયોનિનું વર્ણન કરતા હતા. એમણે કહ્યું, “જેના ચરણ પૃથ્વીને અડતા નથી, જેની આંખો મટકું મારતી નથી, જેણે પહેરેલી ફૂલમાળા કયારેય કરમાતી નથી અને જેના શરીરે ધૂળ કે પરસેવો હોતો નથી તે દેવ કહેવાય છે.'' ભગવાન મહાવીરનાં આ વચનો સાંભળતાં રોહિણિયા ચોર અત્યંત વ્યથિત થઈ ગયો. પિતાની મોતસજા સામે લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ થયો તેથી તેને પારાવાર દુ:ખ થયું. એણે વિચાર્યું કે આના કરતાં તો શની તલવારની ધારથી મારા કટકા થઈ ગયા હોત તો સારું હતું. એ સમયે મારા કાનમાં ધગધગતું સીસું કેમ ન રેડાયું? પાણીમાં ડૂબી મરું, આગમાં બળી મરું કે પહાડ પરથી પડું? ઝડપથી કાનમાં આંગળી નાખીને રોહિણિયા પસાર થઈ ગયો. વિચાર કર્યો કે વાણી સાંભળવાથી કંઈ નુકસાન નથી. એ વાણીને મનમાં સંઘરી રાખે તો જ પ્રતિજ્ઞા તૂટે! રોહિણિયા ચોરનો ત્રાસ વધતાં આખરે શ્રેણિકે કોટવાળને ખાસ હુકમ કર્યો. કોટવાળ નિષ્ફળ જતાં રાજાએ પોતાના પુત્ર અને વિચક્ષણ મંત્રી અભયકુમારને આ કામ સોંપ્યું. રોહિણિયા પકડાયો ખરો, પરંતુ એણે તો કહ્યું કે એ નજીકના શાલિગ્રામ નગરમાં રહેનારો દુર્ગચંડ છે. નગરના લોકોએ પણ રોહિણિયાની વાતને સમર્થન આપ્યું. ચોરીનો કોઈ માલ એની પાસેથી મળ્યો નહોતો તેથી તેને મુક્ત કરવો પડ્યો. રોહિણિયા ચોર સામે પુરાવાની જરૂર હતી. આને માટે મંત્રી અભયકુમારે એક કીમિયો રચ્યો. દેવતાના વિમાન જેવા મહેલમાં સ્વર્ગીય લાગતા શયનખંડમાં દારૂ પાઈને બેભાન કરેલા રોહિણિયાને સુવડાવવામાં આવ્યો. અપ્સરાઓનું રૂપ ધરેલી વારાંગનાઓ અને ગંધર્વો જેવાં વસ્ત્રો પહેરીને દાસ-દાસીઓ નૃત્ય કરતાં હતાં. રોહિણિયાને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં હતાં. એ ઊઠ્યો ત્યારે ઇન્દ્રપુરી જેવું દૃશ્ય જોઈને આભો બની ગયો. રોહિણિયા દેવલોકમાં આવ્યો છે તેમ કહ્યું. જો એનાં પાપ-પુણ્યનો હિસાબ આપી દે તો સદાને માટે એને આ સ્વર્ગની સાહ્યબીમાં વસવા મળે. જે ભૂલવાનું હોય તે શિલાલેખ બનીને રહે તેમ રોહિણિયાને પ્રભુ મહાવીરની વાણી યાદ આવી. શ્રમણ મહાવીરે. કહ્યું હતું કે દેવના દેહને પડછાયો હોતો નથી અને આ દેવ અને દેવાંગનાઓના દેહના તો પડછાયા પડે છે. એમણે કહ્યું હતું કે દેવની આંખ મટકું મારતી નથી, અને અહીં ઊભેલાઓની આંખો તો મટકું મારે છે. રોહિણિયા રચાયેલો પ્રપંચ પામી ગયો. આથી એણે કહ્યું કે એણે તો જીવનમાં સદાય સત્કર્મો કર્યા છે. શકનો લાભ મેળવીને છૂટી ગયેલા રોહિણિયાએ વિચાર્યું કે પ્રભુની પળ-બે પળની વાણીએ મને ફાંસીના ફંદામાંથી ઉગારી લીધો તો એમનાં વચનો કેટલાં બધાં હિતકર હશે! પ્રભુ મહાવીરના ચરણમાં પડીને વંદન કર્યા. શ્રેણિક મહારાજા પાસે ચોરીની કબૂલાત કરી. અભયકુમારને ચોરીનો સંઘરેલો માલ બતાવ્યો. પ્રભુ પાસે દીક્ષા લીધી અને તપ-ત્યાગમય જીવન ગાળ્યું. = = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy