________________
શાશ્વત સૌરભ ભાગ-૨
જેમ વડલો પશુ-પંખી, માનવ સૌ કોઈને શીતળ છાયા આપે તેમ પ્રતાપભાઈએ પોતાના જીવનમાં વડલા જેવું જ કાર્ય કર્યું છે. અનેક સુભાષિતોથી પ્રતાપભાઈને નવાજી શકાય. જેમ કે,
મોટપ મોટા નર તણી, આપોઆપ કળાય; હાથીને ભલી ઘંટડી, ઢોલ કદી નવ સહાય.”
અર્થાત્ તેઓ ક્યારેય ખોટી રીતે પોલા ઢોલની જેમ ગાજ્યા નથી. હાથીની માફક સદાબહાર રીતે જીવન જીવેલા.
ત્રેવીસ વર્ષે તો તેમનાં લગ્ન થઈ ગયેલાં. સંસારજીવન વચ્ચેય તેમણે યુવાનીમાં ગઝલ લખેલી. પોતે મહાન કે મોટા છે, તેવું આપણને ક્યારેય ન લાગે.
ડાયરી લખવાનો એમને ભારે શોખ. જે સ્થળે પ્રવાસ કરે તેના ફોટોગ્રાફ અને ફોટાગ્રાફની નીચે તેનું વર્ણન હોય. રોજિંદી * વ્યસ્તતા વચ્ચે તેઓ જીવંત રહી શક્યા હતા.
પ્રતાપભાઈ વિઝનવાળા માણસ હતા. તેથી કહી શકાય, “મોટાની અલ્પતા જોઈ થાક્યો છું, નાનાની મોટાઈ જોઈ જીવું છું.'
તેમનાં પત્ની પુષ્પાબહેન, પુત્રો અમિત-આસિત સાથે તેમણે જીવનની મધુર ક્ષણોને માણી હતી.
તેમને નાના માણસોની સંગત બહુ જ ગમતી. બહુ ભાવથી, ઝીણવટપૂર્વક તેઓ વાત કરે અને કોઈની કોઈ મુશ્કેલી હોય, તો દૂર કરતા.
ઉદ્યોગક્ષેત્રે પોતાના વિકાસનો જ સ્વાર્થ પ્રતાપભાઈએ જોયો નહોતો પણ કારખાનાની શરૂઆત કરનાર કારખાનેદારને ઉપર લાવવા તેમણે સતત ચિંતા સેવેલી અને મદદરૂપ થયેલા. તેઓ કોઈનું ઋણ ક્યારેય ભૂલ્યા નથી.
આ સદાબહાર વ્યક્તિત્વ સંગીતથી વંચિત હોય એવું લાગે? ક્યારેય નહીં. હવેલી અને શાસ્ત્રીય ગાયન તેમને અતિ પ્રિય. જૂનાં ગીતો સાંભળ્યા જ કરે. તલતમહેમૂદનાં ગીતો સાંભળીને તેઓ નાચી ઊઠતા. ધનના ખજાનાની સાથે તેમની પાસે રેકોર્ડ, સી.ડી.નો અદ્ભુત સંગ્રહ. સતત જીવંત રહેવું તેમને બહુ જ ગમતું. તેથી જીવતર જીવ્યાનો કોઈ વસવસો નહોતો.
શાસ્ત્રમાં કહ્યું છે ને કે, “ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના”, “ત્યાગીને ભોગવી જાણો” આ વાત પ્રતાપભાઈએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી છે. માનવસંવેદનાથી તેઓ છલોછલ હતા. તેનાં પણ અનેક ઉદાહરણો સૌ માટે પ્રેરક છે.
Jain Education International
૧૦
મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો અને ભયાનક પૂર આવેલાં. કચ્છ-ભૂજમાં ભૂકંપ વખતે બધું છોડી જરૂરિયાતમંદ લોકોને ગાંઠિયા, સ્લીપર, બાકસ, મીણબત્તી જેવી સામગ્રીઓ સમયસર તેઓએ પહોંચાડી હતી.
સમૂહલગ્નમાં દીકરીઓને મદદરૂપ થવું, દીનદુઃખિયા સુધી પહોંચવાનું હોય, મંદિર હોય કે સ્મશાનનું કાર્ય, ગુપ્ત રીતે દાન કરી આવતા. તેમણે પોતાના પ્રચારમાં ક્યારેય રસ દાખવ્યો નહોતો. એકતા, કુટુંબભાવના, સંગઠનપ્રવૃત્તિમાં તેમને રસ.
હરીફાઈના સમયમાં કમ્પ્યૂટરશિક્ષણ બાળકો માટે અનિવાર્ય અને ઉપયોગી છે. તેમ તેઓ દૃઢપણે માનતા. યંત્રો વચ્ચે રહીને કલાપ્રેમ દાખવવો એ તો ઈશ્વરની કૃપા જ ગણી શકાય. સાહિત્ય અને ઇતિહાસ તેમના પ્રિય વિષયો હતા. લબ્ધ પ્રતિષ્ઠિત ગાયકો અને સાહિત્યકારો સાથે તેમને સારો એવો ઘરોબો હતો.
ધર્મના નામે ઘણાં સારાં કામોની સાથે ખોટાં કામો ય થાય છે. તેનું તેમને બહુ દુઃખ થતું. ધતીંગમાં તેમને જરાય રસ નહોતો. ‘દીવાથી દીવો થાય’, માનવધર્મ શ્રેષ્ઠ ધર્મ', એ ભાવ તેમણે તેમના જીવનમાં આત્મસાત્ કરેલો.
સ્વચ્છતા, શિસ્ત જેવી બાબતોના આગ્રહી એવા પ્રતાપભાઈનાં ઉદ્યોગસંકુલમાં આપણે પ્રવેશ કરીએ એટલે કોઈ ભવ્ય કૉલેજમાં પ્રવેશ્યા જેવી અનુભૂતિ થાય. રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ વર્ક્સમાં આજેય આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવતાં ‘ગ્રીપ’ બ્રાન્ડથી ડ્રીલ–ચક બની રહ્યો છે. તેના શ્રેયના અધિકારી સ્વ. નરશીભાઈ, સ્વ. ગિરધરભાઈ, સ્વ. પ્રતાપભાઈ તો ખરા જ. આ ઉદ્યોગવીરોએ ઘણી જ સફળતા–સિદ્ધિઓ મેળવેલી હોવા છતાં, પ્રસિદ્ધિથી દૂર હીને સત્કાર્યો કર્યાં છે. તેમનો વારસો તેમના યુવાનપુત્રો વહન કરી રહ્યા છે, એ જીવતું-જાગતું ઉદાહરણ છે.
કોણ કહે છે કે, પ્રતાપભાઈનું અવસાન થયું છે? એ તો સ્થૂળદેહે તા. ૨-૫-૨૦૦૫ના રોજ આપણાથી વિખૂટા પડ્યા છે, એટલું જ પરંતુ એમનાં સત્કર્મોની સુવાસ સદાય મધમધતી રહેશે. હજારો યુવાનોના દિલમાં આ સુવાસ પ્રેરક બની યુવાનોને પ્રગતિની દિશા ભણી લઈ જાશે ત્યારે યુવાનોને કોઈ રોકી શકશે નહીં.
For Private & Personal Use Only
www.jainelibrary.org