SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૨ પથપ્રદર્શક એમ.એસ.સી. અને આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતમાં પી.એચ.ડી.ની ડિગ્રીઓ મેળવ્યા પછી મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં સંશોધનકાર્ય કરી ૧૯૮૧માં બે વર્ષ માટે અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ માટે ગયા હતા. ૧૯૮૩માં તે તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચના ખગોળશાસ્ત્ર વિભાગમાં જોડાયા અને હાલ તે જ સંસ્થામાં પ્રોફેસર તરીકે સંશોધન કરે છે. તારાઓના ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેનું તેમનું સંશોધન આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અને સ્વીકૃતિ પામ્યું છે. તેમનું આ વિષય પરનું અંગ્રેજી પુસ્તક ગ્લોબલ આસ્પેકટ ઇન ગ્રેવિટેશન એન્ડ કોસ્મોલોજી” ઑકસફર્ડ યુનિવર્સિટી પ્રેસની ભૌતિકશાસ્ત્રની પ્રતિષ્ઠિત સંશોધન ગ્રંથમાળાના મણકારૂપે ૧૯૯૩માં પ્રસિદ્ધ થયું છે. આ પુસ્તકમાં વિગતવાર અને ગણિતીય રીતે અનેક મૉડેલ્સ બનાવીને એમણે સાબિત કર્યું કે કોઈ મહાકાય તારાનું બળતણ ખતમ થઈ જતા જ્યારે તેનું ગુરુત્વીય ભંગાણ (સંકોચન) શરૂ થાય છે ત્યારે તેની અંતિમ અવસ્થારૂપે કેવળ બ્લેક હોલ જ નહીં, પણ નેકેડ સિંગ્યુલારિટી એટલે કે વિસ્ફોટક અગ્નિગોલક પણ બની શકે છે--બધે આવા ગોલકની શક્યતા જ વધુ છે. આ વિચારે સ્ટીફન હોકિંગ વગેરે જેવા પ્રખ્યાત વૈજ્ઞાનિકોની બ્લેક હોલની માન્યતાને હચમચાવી નાંખી. ઘણાં વર્ષો પછી ડૉ. જોશીની આ શોધને દુનિયાના ઘણાં વૈજ્ઞાનિકોએ સ્વીકારની મહોર મારી છે. ખગોળવિજ્ઞાન તથા વિશ્વની ઉત્પત્તિ વિશે તે અવારનવાર લેખો લખે છે તેમ જ વ્યાખ્યાનો આપે છે. ભારત તેમ જ વિશ્વના ઘણા દેશોની યુનિવર્સિટીઓમાં તે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે જાય છે. તેમણે ઘણા આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં પોતાના શોધનિબંધો પણ રજૂ કર્યા છે. વિજ્ઞાન અને ગણિતનું શિક્ષણ, યોગવિદ્યા તથા યોગનો સંબંધ અને સંગીત એમના રસના વિષયો છે. તેમણે ગુજરાતીમાં “તારાસૃષ્ટિ : સર્જન અને વિલય”, “સાપેક્ષવાદ” “ખગોળનો મહાપ્રશ્ન : તારાનો વિલય” વગેરે પુસ્તિકાઓ લખી છે. “જન્મભૂમિ-પ્રવાસી’ વગેરે વર્તમાનપત્રોમાં તેમના લેખો અવારનવાર પ્રસિદ્ધ થાય છે. ડો. પરંતપ નાનુભાઈ પાઠક પરંતપભાઈ નાનુભાઈ પાઠકનો જન્મ અમદાવાદમાં પ૧-૧૯૩૪ના રોજ થયો હતો. તેમણે ભૌતિકશાસ્ત્રમાં એમ.એસ.સી કર્યું અને તે પછી અમદાવાદની ફિઝીકલ રીસર્ચ લેબોરેટરી (RRL)માં ડૉ. વિક્રમ સારાભાઈના માર્ગદર્શન હેઠળ બ્રહ્માંડ કિરણો (cosmicrays) વિષયમાં સંશોધન કાર્ય સાથે ૧૯૭૦માં પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ, ‘ભારતીય અવકાશ સંશોધન સંગઠન' (ઇસરો)ના જુદા જુદા એકમોમાં વૈજ્ઞાનિક તરીકે કામગીરી બજાવી. જાન્યુઆરી ૧૯૯૪માં ૨૩ વર્ષોની લાંબી સેવા બાદ અમદાવાદના “અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (ઇસરો)માંથી વરિષ્ઠ વૈજ્ઞાનિકના પદ ઉપરથી નિવૃત્ત થયા. ડૉ. પરંતપભાઈ ભારતીય અવકાશ કાર્યક્રમના વિકાસકાર્ય સાથે શરૂઆતથી જ ગાઢ રીતે સંકળાયેલા રહ્યા હતા. આર્યભટ, ભાસ્કર તથા આઈ.આર.એસ. (IRS) ઉપગ્રહોની યોજનાઓમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. આ ઉપગ્રહો વડે મળેલી માહિતી દ્વારા દેશની નૈસર્ગિક ભૂ-સંપત્તિ તેમ જ હવામાનના અભ્યાસમાં તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો છે. પોતાના આ સમૃદ્ધ અનુભવો અને તલસ્પર્શી જ્ઞાનનો ઉપયોગ કરીને છેલ્લાં ૩૦ વર્ષોથી ગુજરાતીમાં વિજ્ઞાનના લોકભોગ્ય લેખો લખે છે. તેમના લેખોમાં મુખ્યત્વે અવકાશ વિજ્ઞાન, અવકાશ ટેકનોલૉજી (રોકેટ, ઉપગ્રહ) અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ વિષયો પરની તેમની સચિત્ર લેખમાળાઓ (અગાઉના) “સમર્પણ', અને પાછળથી ‘નવનીત સમર્પણ' તરીકે ઓળખાતા માસિકમાં તેમ જ ‘કુમાર’ વગેરે જેવા વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થઈ છે. ગુજરાતી વિશ્વકોશ સાથે તેના આરંભકાળથી જ સંકળાયેલા રહ્યા છે. શરૂઆતથી જ તેમનાં લખેલા વિવિધ અધિકરણો અને વ્યાપ્તિલેખો તેમાં પ્રસિદ્ધ થયા છે. વિજ્ઞાન અને ટેકનોલૉજીના મુદ્દાઓ સરળ ભાષા અને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરવામાં પરંતપભાઈ સારી હથોટી ધરાવે છે. આ ઉપરાંત, આકાશવાણી-અમદાવાદ ઉપરથી વિજ્ઞાનના વિવિધ વિષયો પર ઘણા વાર્તાલાપો પ્રસારિત થયા છે. અવકાશવિજ્ઞાન (સ્પેસ) તેમનો શોખનો વિષય રહ્યો છે. અને આ અંગે નવો ચીલો પાડતા તેમનાં બે પુસ્તકો પ્રસિદ્ધ થયા છે : “અવકાશ ક્ષેત્રે ભારત” (૧૯૯૭) અને “અવકાશયુગની મહત્ત્વની સિદ્ધિઓ” (૨૦૦૨). પહેલા પુસ્તકની એકથી વધુ આવૃત્તિ થઈ છે. બંને પુસ્તકો સચિત્ર છે અને અવકાશયુગની મહત્ત્વની સિદ્ધિઓમાં તો પુષ્કળ રંગીન ફોટાઓ આપ્યા છે. તેમનું ત્રીજું પુસ્તક “બ્રહ્માંડ કિરણો : પ્રયોગશાળાથી બ્રહ્માંડ સુધીની યાત્રા” (૨૦૦૫) છે, જેમાં આ વિષય ઉપર સામાન્યજનને રસપ્રદ માહિતી મળે છે. અંતરિક્ષવિજ્ઞાન સંબંધી ગુજરાતીમાં પ્રમાણભૂત લખનારા જે બહુ થોડા લેખકો આપણે ત્યાં છે. તેમાં પરંતપભાઈનું સ્થાન મોખરે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy