________________
ઝળહળતાં નક્ષત્રો
નિઃસ્પૃહભાવની પરાકાષ્ઠા = કેવળજ્ઞાન
કેવળ” શબ્દ સંપૂર્ણતાના અર્થમાં છે; પણ અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્રની ઉપલબ્ધિ તેમાં અંતનિહિત છે. અનેક જન્મોના કર્મવિપાકોને શાંતિથી, સમજપૂર્વક ભોગવી લઈ તીવ્ર તપશ્ચર્યા અને અનેક ઉપસર્ગોને સહન કરીને સંપૂર્ણ કર્મ
કષાયના ક્ષય બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સામાન્ય જીવોનું જ્ઞાન તો અતિ મર્યાદિત છે. દેવોમાં ઇન્દ્ર વગેરેને અવધિજ્ઞાન હોય છે; જ્યારે કેવળજ્ઞાન તો કરોડો જીવોમાંથી ભાગ્યે જ કોઈમાં જોવા મળે. અનેક જન્મો પછી આત્માને સ્પર્શેલાં કર્મો, સંશયો, વાસનાઓના પરમાણુઓનાં જાળાં ભેદીને, કર્મો ખપાવીને, નવાં કર્મો ન થાય એવી સુંદર શુદ્ધદશા પ્રાપ્ત થતા કેવળજ્ઞાનનું પ્રગટીકરણ શક્ય બને. જે કેવળજ્ઞાન માટે બાહુબલીજીએ દીક્ષા બાદ સાધનામાં લીન બની એક વર્ષ સુધી આહારપાણીનો સદંતર ત્યાગ કર્યો, શરીરની આરપાર ઝાડીઓ વીંટળાઈ ગઈ. જે કેવળજ્ઞાન માટે ભગવાન મહાવીરને સાડાબાર વર્ષ સુધી જીવલેણ ઉપસર્ગો સહન કરવાપૂર્વક ઘોર સાધના કરવી પડી, જે કેવળજ્ઞાન માટે મેતાર્ય મુનિવર તડકે શેકાયા, જે કેવળજ્ઞાન માટે બંધક મુનિવર અંગારે તપ્યા એ કેવળજ્ઞાન વિનયમૂર્તિ ગૌતમસ્વામીએ પચાસ હજારને આપી દીધું અને પોતે કેવળજ્ઞાન વિનાના સાવ કોરા રહ્ય. એ ગૌતમ શ્રમણને અનુપમ દાનેશ્વરી જ સમજવાને? શ્રી ગૌતમસ્વામીને પ્રભુ મહાવીરના ગુરુવિયોગની વેદનામાંથી જ જીવનનો નવો રાહ મળ્યો. રાગ-દૃષ્ટિનો પડદો હટતાં જ આત્મસિદ્ધિનું અમૃત પ્રગટ થયું અને માત્ર એક સેકન્ડમાં જ કેવળજ્ઞાનનો દિવ્ય પ્રકાશ વ્યાપી ગયો. જેને ઇતિહાસના આવા રોમાંચક પ્રસંગોમાંથી આપણને ઘણીબધી પ્રેરણા મળી રહે છે.
જ્ઞાન સંપૂર્ણ ક્યારે બને? રાગદ્વેષ અને મોહનો સર્વથા નાશ થાય ત્યારે. તેથી જ તો તીર્થંકર પરમાત્માઓ વગેરે જ્ઞાનને ઢાંકનારાં જ્ઞાનાવરણના કર્મવાદળો હટાવવા માટે ભવ્ય અને ભગીરથ પુરુષાર્થ કરે છે; સુખમય એવા ગૃહવાસનો ત્યાગ કરી, સંયમનો સ્વીકાર કરી, તીવ્ર તપ અને કઠોર ત્યાગ દ્વારા નિઃસ્પૃહ ભાવની પરાકાષ્ઠાનાં શિખરો સર કરી સર્વસંગરહિત બને છે. ઉત્કૃષ્ટ કોટિના અનાસક્ત ભાવમાં આવતાં મોહકર્મનો સર્વથા નાશ કરે છે. ત્યારબાદ જ્ઞાન વગેરેને રોકનારાં કર્મનાં વાદળો ખસી જતાં તેઓનાં આત્મામાં જાજવલ્યમાન, અત્યંત તેજસ્વી કેવળજ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશિત થઈ જાય છે. તેથી એવા આત્મસ્વરૂપસ્થ પુણ્યશાળી આત્માઓ પરમાત્મા બની જાય છે, અને વિશ્વનાં ત્રિકાળનાં સર્વ દ્રવ્યો, સર્વ ક્ષેત્રો, સર્વકાળ અને સર્વભાવોના હાથમાં રહેલા સ્ફટિકની જેમ જાણકાર બની જાય છે. વીતરાગ પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર ઇ.સ. પૂર્વે ૫૫૭માં સર્વજ્ઞ બન્યા. ત્યારબાદ જીવોના એકાન્ત હિતને માટે ધર્મોપદેશ આપ્યો. તેથી તેમણે કહેલાં તત્ત્વો સત્ય અને સ્વ-પરને એકાંતે હિતકારી જ હોય છે. સુખ અને દુઃખ એ મને છે. પણ જેણે મન જીત્યું એને સુખ કે દુઃખ અસર ન કરે તે જ આખરે વીતરાગતા-કેવળજ્ઞાન પામે.
પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી હેમવલ્લભવિજયજી મહારાજે એક સાથે સળંગ ૨૫૦૦ આયંબિલ કર્યા. આજીવન આયંબિલ કરવાની ભવ્ય ભાવના સેવે છે. નિસ્પૃહતાની પણ હદ હોય ને? શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થનું સંપૂર્ણ નવું નિર્માણ થઈ રહ્યું છે. ૫૦ થી ૬૦ કરોડનો પ્રોજેક્ટ છે. આયોજકો તરફથી નિર્ણય લેવાયો છે કે દાન આપનારનું ક્યાંય પણ નામ નહીં મૂકાય છતાં પણ કરોડોના દાન આવતા રહ્યા છે. ધન્ય છે જૈન શાસનને!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org