________________
૫૪૨
વિકાસ સાધ્યો. પરિણામે વિશ્વવિદ્યાલય અનુદાન પંચે એમના વિભાગને ૧૯૯૧માં પાંચ વર્ષ માટે ‘ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેશિયલ આસિસ્ટન્ટ્સ'ની માન્યતા બક્ષી હતી. નોંધવું ઘટે કે તેમના સક્ષમ, કડક અને શિસ્તબદ્ધ માર્ગદર્શન હેઠળ વિદ્યાવાચસ્પતિની પદવી માટે દસ શોધછાત્રોએ અન્વેષણકાર્ય કરેલું. (જે પૈકી આ લઘુલેખના લેખકને ‘પ્રથમ શોધપત્ર'નું માન પ્રાપ્ત થયેલું.) અને ૪૦ શોધછાત્રોએ પણ અનુપારંગત (એમ.ફિલ.) પદવી પ્રાપ્ત કરી હતી.
જિન શાસનનાં
ડૉ. રસેશભાઈની કસાયેલી કલમનો લાભ ઇતિકૃતિવિશ્વને મળતો જ રહ્યો છે. આશરે ૪૦૦ જેટલા તેમના અન્વેષણલેખ તથા ૨૨ જેટલા સંશોધનગ્રંથનું પ્રકાશન એ તેમના વિદ્યાકીય તપનું પરિણામ છે. ગૂજરાત વિદ્યાપીઠના કાર્યકાળ દરમ્યાન રાષ્ટ્રકક્ષાનાં બાર પરિસંવાદો, સાત કાર્યશિબિરો, સત્તર શૈક્ષણિક પ્રદર્શનો, વિવિધ અધિવેશનો અને વ્યાખ્યાનોનું આયોજન કરીને તેમણે ગૂજરાત વિદ્યાપીઠને મળેલું ‘ડ્રિમ્ડ યુનિવર્સિટી'નું પદ સાર્થક કરવામાં મહત્ત્વનું યોગદાન સમર્યું છે.
ભારતમાં વિશ્વવિદ્યાલયી વર્તુળમાં દફ્તરવિદ્યાનો સર્વપ્રથમ અભ્યાસક્રમ શરૂ કરવાનું માન ડૉ. જમીનદારને ફાળે જાય છે. તેમણે સર્વપ્રથમ દફ્તરવિદ્યાનો અભ્યાસક્રમ ગુજરાત વિદ્યાપીઠમાં શરૂ કરેલો તથા ત્યાં જ દફ્તર એકમ અને ભારતીય સંસ્કૃતિ સંગ્રહાલયની પણ તેમણે જ સ્થાપના કરેલી. એ સાથે તેમણે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ‘ગુજરાતનાં સ્થળનામોનો સાર્થ કોશ' તૈયાર કરીને તથા પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્ ડૉ. ૨.ના. મહેતાની સાથે રહીને ‘અમદાવાદનાં સ્થળનામોનો અભ્યાસ’ અને ‘અમદાવાદની પુરાવસ્તુઓ'ના અન્વેષણકાર્ય કરેલાં. પ્લેસનેમ સોસાયટી ઓફ ઇન્ડિયા (માયસોર)ની કાર્યકારિણી સમિતિના સક્રિય સભ્ય તરીકે સેવાઓ આપીને સ્થળનામ વિદ્યાક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ કલ્ચર સોસાયટી-ન્યૂ દિલ્હીના વાઇસ ચેરમેન તરીકે તથા એ જ સંસ્થાના શ્રીનગર–ગઢવાલ ખાતેના અધિવેશન (૧૯૯૭-૯૮)ના પ્રમુખ તરીકે કાર્યરત રહીને તેમણે ભારત રાષ્ટ્રના ઇતિહાસરસિકોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
પ્લેસનેમ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રથમ દાયકા (૧૯૮૦-૮૭)ના કારોબારી સભ્ય તથા એપિગ્રાફિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની કારોબારીના સભ્ય તરીકે તેમણે રાષ્ટ્રીયકક્ષાએ પણ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. અતિથિ પ્રાધ્યાપક તરીકે અમેરિકા સહિતના યુરોપના દેશોની યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપેલાં ગયા. તેમનાં સંશોધનકાર્યોની નોંધ લઈને ધ બોર્ડ ઓવ ડાયરેક્ટર્સ', ગવર્નિંગ બોર્ડ ઓવ એડિટર્સ એન્ડ પબ્લિકેશન બોર્ડ, ઓવ ધ અમેરિકન બાયોગ્રાફિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-નોર્થ કેરોલિના, અમેરિકાએ તેમને રિસર્ચ બોર્ડ ઓફ એડવાઇઝર્સમાં માનદ્ સભ્ય તરીકે ઈ.સ. ૨૦૦૪થી પસંદ કરીને તથા ધ કોન્ટેમ્પરરી ‘હુ ઇઝ હુ”ના કન્સલ્ટિંગ એડિટર તરીકે નીમીને તેમનું બહુમાન કર્યું છે. ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદના સુરત અધિવેશન દરમ્યાન તેમના રિસર્ચ પેપરને પ્રાપ્ત થયેલો સુવર્ણચંદ્રક તેમના વિદ્યાતપનું સુફળ છે.
ડૉ. રસેશ જમીનદાર સ્વભાવે મિતભાષી, સત્યપ્રિય, કર્મઠ, કડક શિસ્તપાલનના આગ્રહી, પરિશ્રમી અન્વેષક અને અઠંગ વિદ્યાપુરુષ તરીકે આજે પ્રૌઢ વયે પણ ચિંતન, અન્વેષણ અને સંલેખન દ્વારા ઇતિહાસજગતને પરિપક્વ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે જેમાં એમનાં જીવનસાથી અ.સૌ. મીનો સક્રિય સહયોગ રહ્યો છે.
સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org