________________
આમુખ
મગધ દેશનો સમ્રાટ શ્રેણિક એક વાર વિહારયાત્રા માટે મંડિતકુક્ષી નામે ઉદ્યાનમાં ગયો. ચોતરફ ફરી તેણે ઉદ્યાનની શોભા નિહાળી. જોતાં-જોતાં તેની નજર એક ધ્યાનસ્થ મુનિ ઉપર જઈ અટકી. રાજા તેની પાસે ગયો. વંદના કરી. મુનિનાં રૂપ-લાવણ્ય જોઈ તે અત્યંત વિસ્મિત બન્યો. તેણે પૂછ્યું– હે મુનિ ! ભોગ-કાળમાં સંન્યાસ-ગ્રહણની વાત સમજમાં નથી આવતી. આપ તરુણ છો, ભોગ ભોગવવા યોગ્ય છો. આ અવસ્થામાં આપ મુનિ કેમ બન્યા?” મુનિએ કહ્યું- હે રાજન ! હું અનાથ છું. મારો કોઈનાથ નથી, રક્ષક નથી. એટલા માટે હું મુનિ બન્યો છું.” રાજાએ હસતાં-હસતાં કહ્યું–‘શરીર-સંપદાથી તો આપ ઐશ્વર્યશાળી લાગો છો, પછી અનાથ કેવી રીતે? ગમે તેમ હોય હું આપનો નાથ બનું છું. આપ મારી સાથે ચાલો. સુખપૂર્વક ભોગો ભોગવો. હે મુનિ! મનુષ્ય-ભવ વારંવાર મળતો નથી.' મુનિએ કહ્યું – તું પોતે જ અનાથ છે. મારો નાથ કેવી રીતે બની શકે?” રાજાને આ વાક્ય તીરની માફક ખૂંચ્યું. તેણે કહ્યું- હે મુનિ ! આપ જૂઠું કેમ બોલો છો? હું અપાર સંપત્તિનો સ્વામી છું. મારા રાજ્યમાં મારી દરેક આજ્ઞા અખંડ રૂપે પ્રવર્તિત થાય છે. મારી પાસે હજારો હાથી, ઘોડા, રથ, સુભટો અને નોકર-ચાકર છે. સંપૂર્ણ સુખ-સામગ્રી હાજર છે. મારા આશરે હજારો વ્યક્તિઓ પોષાય છે. આવી અવસ્થામાં હું અનાથ કેવી રીતે ?' મુનિએ કહ્યું – તું અનાથનો અર્થ નથી જાણતો અને એ નથી જાણતો કે કઈ વ્યક્તિ કેવી રીતે સનાથ હોય છે અને કેવી રીતે અનાથ ?”
મુનિએ આગળ કહ્યું–‘હું કૌશામ્બી નગરીમાં રહેતો હતો. મારા પિતા અપાર ધનરાશિના સ્વામી હતા. મારું કુળ સંપન્ન કુળ હતું. મારો વિવાહ ઉચ્ચ કુળમાં થયો હતો. એક વાર મને અસહ્ય અક્ષિ-રોગ થયો. તે મટાડવા માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવ્યા. પિતાએ અપાર ધનરાશિનો વ્યય કર્યો. બધા પરિવારજનોએ વિવિધ પ્રયત્નો કર્યા. પણ બધું વ્યર્થ. મારા સગા-સંબંધીઓએ મારી વેદના પર અપાર આંસુ વહાવ્યાં. પણ મારી વેદનામાં તેઓ ભાગ પડાવી શક્યા નહિ. આ હતી મારી અનાથતા. જો હું આ પીડામાંથી મુક્ત થઈ જઈશ તો હું મુનિ બની જઈશએવા સંકલ્પપૂર્વક હું સૂઈ ગયો. જેમ-જેમ રાત વીતી તેમ-તેમ રોગ શાંત થતો ગયો. સૂર્યોદય થતાં-થતાં હું પ્રાણીઓનો નાથ બની ગયો. તે બધાને મારાથી રક્ષણ મળી ગયું. આ છે મારી સનાથતા. મેં આત્મા પર શાસન કર્યું આ છે મારી સનાથતા. હું શ્રમણ્યનું વિધિપૂર્વક પાલન કરું છું–આ છે મારી સનાથતા.'
રાજાએ સનાથ અને અનાથનો આવો અર્થ પહેલી વાર સાંભળ્યો. તેનાં જ્ઞાન-ચક્ષુ ઊઘડી ગયાં. તે બોલ્યો-“મહર્ષિ ! આપ જ વાસ્તવમાં સનાથ અને સબાંધવ છો. હું આપની પાસેથી ધર્મનું અનુશાસન લેવા ઈચ્છું છું.' (શ્લોક ૫૫)
મુનિએ તેને નિગ્રંથ ધર્મની દીક્ષા આપી. તે ધર્મમાં અનુરક્ત બની ગયો. આ અધ્યયનમાં અનેક વિષયો ચર્ચાયા છે– ૧. આત્મ-કર્તૃત્વ માટે શ્લોક ૩૬, ૩૭ અને ૪૮ મનનીય છે.
૨. ૪૪મા શ્લોકમાં વિષયોપપન્ન ધર્મનાં પરિણામોનું દિગ્દર્શન છે. જેવી રીતે પીધેલું કાળકૂટ વિષ, અવિધિપૂર્વક પકડેલું શસ્ત્ર અને અનિયંત્રિત વેતાલ વિનાશકારી બને છે, તેવી જ રીતે વિષયો યુક્ત ધર્મ પણ વિનાશકારી બને છે.
૩. દ્રવ્યલિંગ વડે લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી, તે માટે શ્લોક ૪૧થી ૫૦ મનનીય છે. (સરખાવો- સુત્તનિપાત : મહાવગ્ગ–પવજ્જા સુત્ત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org