________________
સૌભાગ્યવતી ! આત્માનુભૂતિ સાથે પ્રીતિ જાગૃત થઇ છે. અનાદિ કાળથી જે અજ્ઞાનરૂપી નિદ્વા હતી, તે પોતાની રીતે જ દૂર થઈ ગઈ છે. ||૧||
નિદ્રા અને જાગૃતિ આ બે વસ્તુ એવી છે, કે જેમાંથી એકની હાજરીમાં બીજી વસ્તુ અવશ્ય ગેરહાજર હોય છે. શાસ્ત્રીય પરિભાષામાં એને પરસ્પરપરિહાર કહેવાય. નિદ્રાની હાજરી થાય, એટલે જાગૃતિની ગેરહાજરી થાય જ. અને જાગૃતિ હાજર થાય, એટલે નિદ્રાને દૂર થયે જ છૂટકો છે.
પ્રસ્તુતમાં જાગૃત બની છે આત્માનુભૂતિની પ્રીતિ અને નિદ્રા છે અનાદિકાલીન અજ્ઞાનની. એક વાર આત્માનુભૂતિની પ્રીતિ જાગે, એટલે અજ્ઞાનનિદ્રા એક ક્ષણ માટે પણ ન ટકી શકે. સાચી પ્રીતિ એટલે અકૃત્રિમ અભિરુચિ. સાચી પ્રીતિ એટલે આંતરિક અભિલાષા. સાચી પ્રીતિ એટલે સહજ સ્પૃહા.
પ્રીતિ જાગે શી રીતે? કઈ વ્યક્તિ પ્રિય બની શકે? એ અંગે શાસ્ત્રકારોએ ખૂબ માર્મિક નિરૂપણ કર્યું છે...
प्रियवाचा प्रियः कश्चित्, प्रियदानेन चापरः । मन्त्रमूल्यादिना कश्चित्, यः प्रियः प्रिय एव सः ।।
કોઇ પ્રિય બને છે, તેનું કારણ હોય છે, તેના દ્વારા બોલાતું પ્રિય વચન. કોઇ પ્રિય બને છે, બીજાને પ્રિય વસ્તુ આપવાથી. કોઇ વળી મંત્ર-ઔષધિનો પ્રયોગ કરીને પ્રિય થાય છે. પણ જે પ્રિય છે... કોઈ બાહ્ય નિમિત્ત વિના ય સહજપણે ગમે છે, એ તો સદા માટે ‘પ્રિય’ જ રહે છે.
બાહ્ય વસ્તુના કારણે જાગેલી પ્રીતિનું આયુષ્ય લાંબુ હોતું નથી. સકારણ કે નિષ્કારણ એ પ્રીતિ ખંડિત થાય છે.
ગોરી ચામડીના આધારે થયેલા ‘લવ મેરેજ’ ત્યારે તૂટી જાય છે, જ્યારે દાઝી જવાના કારણે ચામડી કોલસા જેવી કાળી થઇ જાય છે. આને કહેવાય ઔપાધિક પ્રીતિ. દુન્યવી બધી પ્રીતિ આ પ્રકારની હોય છે.
એક પત્નીએ પતિને પૂછ્યું, “પહેલા તમારા ઘણા મિત્રો આપણા ઘરે આવતા હતા. હવે બહુ ઓછા આવે છે, એનું કારણ?’” “તારે તો સારું જ છે ને? તારે ચા-પાણીની સરભરા ઓછી કરવી પડશે.’’
“તમે હું પૂછું છું, એનો જવાબ આપો.”
“જો વાત એવી છે ને... કે સાચી પરિસ્થિતિ જાહેર થયા બાદ આટલા પણ આવશે કે નહી, એ પ્રશ્ન છે.” “કેમ? શું થયું?”
‘ધંધામાં ભયંકર નુકશાની થઇ છે. દેવાળુ નીકળવાની લગભગ તૈયારી છે.’’
“એમ?’’ ‘‘હા.’’
‘‘તો તો હું ય જાઉં છું મારા પિયરે. મારા પપ્પા સાચું જ કહેતા હતા, કે આની સાથે લગ્ન કરવા જેવા નથી.’’
‘મેડ ફોર ઇચ અધર’નો આડંબર, પ્રાણ પણ ન્યોચ્છાવર કરી દેવાની મોહક વાતો, ‘તમારા વિના તો હું જીવી પણ ન શકું’ એવું બોલવા સાથે ગળગળા થઈ જવાનો અભિનય... આ સર્વ ઔપાધિક પ્રીતિ છે. તે પ્રીતિ નથી તો સાચી હોતી, કે નથી તો શાશ્વત પણ હોતી. ધન, રૂપ, સત્તા વગેરે ‘ઉપાધિ’ (બાહ્ય નિમિત્ત) દૂર થાય, એની સાથે આ ઔપાધિક પ્રીતિ ઓગળી જાય છે.