________________
૩૨૪
આગમ કથાનુયોગ-૪
યથાસૂત્ર રત્નાવલી તપની આ પરિપાટી એક વર્ષ, ત્રણ માસ અને બાવીશ અહોરાત્રમાં આ આરાધના પૂર્ણ થાય. આ એક પરિપાટીમાં ૩૮૪ દિવસનો તપ, ૮૮ દિવસના પારણા એ રીતે કુલ ૪૭૨ દિવસે તપ પૂર્ણ થાય છે.
ત્યારપછી બીજી પરિપાટીમાં કાલી આર્યાએ એ જ પ્રમાણે ઉપવાસ કર્યા અને બધાં પારણા વિગઈરહિત કર્યા. એ પ્રમાણે યથાસૂત્ર બીજી પરિપાટીની આરાધના થાય. છે. વિશેષ એ જ કે પારણા વિગઈરહિત હોય છે. પછી ત્રીજી પરિપાટીમાં કાલી આર્યા એ જ પ્રમાણે ઉપવાસ કરે છે. પણ પારણા લેપરહિત કરે છે. એ જ પ્રમાણે ચોથી પરિપાટીમાં કાલી આર્યા ઉપવાસ કરે છે. પણ પારણા આયંબિલથી કરે છે.
પહેલી પરિપાટીમાં સર્વકામગુણિત, વિગઈયુક્ત પારણા, બીજી પરિપાટીમાં વિગઈરહિત પારણા, ત્રીજીમાં લેપરહિત અને ચોથીમાં આયંબિલથી પારણા કર્યા.
આ રીતે ચારે પરિપાટીથી યથાસૂત્ર આ તપ પૂર્ણ કરવામાં પાંચ વર્ષ, બે માસ અને અઠાવીશ દિવસ અર્થાત્ ૧૮૮૮ કુલ દિવસ લાગે છે. એ રીતે કાલી આર્યાએ રત્નાવલી તપની આરાધના કરી.
ત્યારપછી કાલી આર્યાએ પાંચ વર્ષ બે માસ અને અઠાવીશ દિવસે સૂત્રાનુસાર રત્નાવલી તપ કર્મની આરાધના કરી – યાવત્ – કરીને જ્યાં આર્યા ચંદના હતા, ત્યાં આવ્યા. આવીને કાલી આર્યાએ ચંદના આર્યાને વંદન–નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને ઘણાં જ ઉપવાસ – યાવત્ – તપકર્મ વડે આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી તે કાલી આર્યા તે ઉદાર, વિપુલ, પ્રધાન, શ્રેષ્ઠ, ગંભીર, વિધિ અનુસાર, સમ્યક્ પ્રકારે સ્વીકારેલ, કલ્યાણરૂપ શિવરૂપ, ધન્ય, મંગલ રૂ૫, શોભાસહિત, ઉગ્ર, ઉત્તમ, મહાપ્રભાવક તપોકર્મથી શુષ્ક, રુક્ષ, માંસ રહિત, ફક્ત ચામડાથી આવૃત્ત હાડકાવાળા, ચાલે ત્યારે કડકડ ધ્વનિ થતો હોય તેવા, કૃશ અને લુહારની ધમની જેવા દેખાવા લાગ્યા. તેઓ ફક્ત આત્મશક્તિને સહારે ચાલતા હતા – યાવતુ – ભસ્મ વડે આચ્છાદિત અગ્નિ સમાન તપથી, તેજથી, તપતેજથી અત્યધિક શોભી રહ્યા હતા.
ત્યારપછી તે કાલી આર્યાને અન્ય કોઈ દિવસે એક વખત મધ્યરાત્રિએ આવો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. “ઝંદક''ની સમાન વિચાર આવ્યો કે,
જ્યાં સુધી શરીરમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે, ત્યાં સુધી મારે માટે એ જ યોગ્ય છે કે રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી કાલે – યાવત્ – સૂર્યોદય થયા પછી અને સહસ્રરશ્મિ દિનકર સૂર્યના જાજ્વલ્યમાન તેજથી પ્રકાશિત થયા બાદ આર્યા ચંદનાને પૂછીને, આર્યાવંદનાની આજ્ઞા પ્રાપ્ત કરીને, સંલેખના અને ઝોસણાનું સેવન કરતી, ભોજન, પાનનો ત્યાગ કરીને, મૃત્યુની આકાંક્ષા ન કરતી વિચરણ કરું
આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને, બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે જ્યાં આર્યા ચંદના બિરાજમાન હતા, ત્યાં આવી, આવીને આર્યા ચંદનાને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે આર્યા! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને સંલેખના-ઝોષણાનું સેવન કરતા, ભોજનપાનનું પ્રત્યાખ્યાન કરીને અને કાળ–મરણની આકાંક્ષા ન રાખતા હું વિચરણ કરવાને ઇચ્છું છું.