________________
શ્રમણી કથા
પાંડવોને દેશનિકાલની આજ્ઞા આપી છે. પણ તમે તો સર્વ દક્ષિણાર્ધ ભરતના અધિપતિ છો. તેથી હે દેવાનુપ્રિય ! એ બતાવો કે, પાંચે પાંડવો કયા દેશમાં અથવા કઈ દિશા— વિદિશામાં જાય ?
ત્યારે કૃષ્ણ વાસુદેવે કુંતીદેવીને કહ્યું, હે પિતૃભગિની ! ઉત્તમ પુરુષ અર્થાત્ વાસુદેવ, બળદેવ, ચક્રવર્તીના વચન મિથ્યા થતા નથી. તેથી તે પાંચે પાંડવ દક્ષિણ દિશાના સમુદ્રકિનારે જાય અને ત્યાં જઈને પાંડુમથુરા નામક નવી નગરીને વસાવે. મારા અદૃષ્ટ સેવક થઈને રહે. આ પ્રમાણે કહીને કુંતીદેવીના સત્કાર અને સન્માન કર્યા, સત્કાર અને સન્માન કરીને વિદાય કર્યા.
૨૮૩
ત્યારપછી કુંતીદેવી પાછા દ્વારાવતી નગરીથી નીકળી હસ્તિનાપુર નગર હતું ત્યાં આવી. ત્યાં આવીને પાંડુરાજાને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. ત્યારપછી પાંડુરાજાએ પાંચે પાંડવોને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે પુત્રો ! તમે લોકો દક્ષિણ સમુદ્રકિનારે જાઓ અને ત્યાં તમે પાંડુમથુરા નગરીને વસાવો. ૦ પાંડુમથુરા નગરી સ્થાપના અને પાંડુસેનનો જન્મ :–
ત્યારપછી તે પાંચે પાંડવોએ પાંડુરાજાના કથનને સ્વીકાર્યું. સ્વીકારીને બળ, વાહન, ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ વીરોથી યુક્ત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને, મહાન્ સુભટો અને રથોના સમૂહને સાથે લઈને હસ્તિનાપુર નગરથી નીકળ્યા. નીકળીને જ્યાં દક્ષિણી સમુદ્રનો કિનારો હતો, ત્યાં આવ્યા. આવીને પાંડુમથુરા નગરી વસાવી અને ત્યાં જ તેઓ વિપુલ ભોગોના સમૂહથી યુક્ત થયા.
ત્યારપછી કોઈ સમયે દ્રૌપદીદેવી ગર્ભવતી થઈ. પછી તે દ્રૌપદીદેવીને નવમાસ પૂર્ણ થયા પછી – યાવત્ – સુંદર રૂપવાળા સુકુમાર હાથીના તાળવા સમાન કોમળ બાળકને જન્મ આપ્યો. ત્યારપછી તે બાળકના માતાપિતાએ બાર દિવસ વ્યતીત થયા પછી આ આવા પ્રકારનું ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન નામકરણ કર્યું કે, અમારો આ બાળક પાંચે પાંડવોનો પુત્ર અને દ્રૌપદીદેવીનો આત્મજ છે. તેથી આ બાળકનું નામ પાંડુસેન થાઓ.
ત્યારે તે બાળકના માતાપિતાએ તેનું નામ પાંડુસેન રાખ્યું. ત્યારપછી પાંડુસેન બાળક જ્યારે કંઈક અધિક આઠ વર્ષનો થયો. ત્યારે માતાપિતા શુભ તિથિ, કરણ અને મુહૂર્તમાં તેને કલાચાર્ય પાસે લઈ ગયા. ત્યારે કલાચાર્યએ પાંડુસેનકુમારને લેખ આદિ, ગણિતપ્રધાન, શકુનિરુત પર્યંત બહોંતર કળાઓ સૂત્રથી, અર્થથી અને કરણથી ભણાવી - યાવત્ – જેટલામાં સમયમાં પાંડુસેન ભોગ ભોગવવામાં સમર્થ થઈ ગયો અને યુવરાજ થઈને યાવત્ – વિચરવા લાગ્યો.
૦ પાંડવો અને દ્રૌપદીની પ્રવ્રજ્યા :–
તે કાળે, તે સમયે ધર્મઘોષ સ્થવિર પધાર્યા. દર્શનાર્થે પર્ષદા નીકળી. પાંડવો પણ નીકળ્યા. ધર્મશ્રવણ કરી તેઓએ સ્થવિરને કહ્યું (અમે દીક્ષા લેવા ઇચ્છીએ છીએ) હે દેવાનુપ્રિય ! માત્ર દ્રૌપદીની અનુમતિ લઈને અને પાંડુસેનકુમારને રાજ્ય પર સ્થાપિત કરી દઈ ત્યારપછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને આનગારિક દીક્ષા ગ્રહણ કરીશું.