________________
નાઈલ-કાંઠાના તપસ્વીઓ
ઈસ્વી સનનાં આદિ સૈકાના સમયની વાત છે. તે દિવસોમાં કેટલાક તપસ્વીઓ મિસરના વેરાન રણ-વિસ્તારમાં વસવાટ કરીને રહેતા હતા. નાઈલ નદીને બંને કાંઠે, માટીથી છાંદેલી ડાળખીઓની બનાવેલી એ એકાંતવાસીઓની ઝૂંપડીઓ, એકબીજથી ઠીક ઠીક દૂર પથરાયેલી હતી, – જેથી તપસ્વીઓના એકલવાસમાં વાંધો ન આવે, અને છતાં જરૂર પડયે એકબીજાને મળી શકાય.
આ તપસ્વીઓ તેમ જ સાધુઓ કઠોર સંયમી જીવન જીવતા. સૂર્યાસ્ત થતા પહેલાં તેઓ કશો આહાર ન લેતા; અને લે ત્યારેય લૂખી રોટી, મીઠું અને ભાજીપાલો. કેટલાક તો કાંઠાથી વધુ દૂર વેરાનમાં ઊંડે ચાલ્યા જતા અને ત્યાં કોઈક ગુફામાં કે પુરાણી કબરોનાં નિર્જન ખંડેરમાં વસવાટ કરી, વધુ રહસ્યમય તપસ્વી જીવન ગાળતા.
મૂળપુરુષ આદમે કરેલા પાપને કારણે માનવમાત્રમાં ઊતરી આવેલી કામવૃત્તિને ડામવા તેઓ શરીરને કશાં સુખ-સગવડ તો ન જ ભોગવવા દેતા; પરંતુ આજના જમાનામાં અનિવાર્ય આવશ્યકતારૂપ ગણાય એવી શરીરની સામાન્ય દરકાર પણ તેઓ ન લેતા. તેઓ એમ માનતા કે, આપણાં શારીરિક અંગોને જે કાંઈ તકલીફો થાય, તેથી આપણા અંતરાત્માની શુદ્ધિ થાય છે, અને તેના ઉપર જામતા ઘા કે ચાંદાં જેવી બીજી કશી આધ્યાત્મિક શોભા શરીરની હોઈ શકે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org