________________
हल्ल विहल्ल सुदंसण, साल महासाल सालिभद्दो अ ।
भद्दो दसण्णभद्दो, पसण्णचंदो अ जसभद्दो ।।३।। હલ-વિહલ : શ્રેણિકની પત્ની ચેલ્લણાના પુત્રો. શ્રેણિકે સેચનક હાથી ભેટ આપવાથી કોણિકે યુદ્ધ કર્યું. માતામહ ચેડા રાજાની મદદથી લડતા હતા ત્યાં રાત્રિયુદ્ધ દરમ્યાન સેચનક હાથી ખાઇમાં પડી મરી જતા વૈરાગ્ય પામી દીક્ષા લઇ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા.
| સુદર્શન શેઠ : અહંસ-અહંસી માત-પિતાના સંતાન, બાર વ્રતધારી શ્રાવક હતા. કપિલા દાસીએ વાસનાપૂર્તિ માટે પ્રયત્ન કર્યો ત્યારે હું નપુસક છું' એમ કહી છટકી ગયા. બીજીવાર રાજરાણી અભયાએ પૌષધમાં કાઉસગ્ગ સ્થિત સુદર્શનને દાસી દ્વારા ઉપાડી લાવી ચલાયમાન કરવા ઘણા પ્રયત્ન કર્યા પરંતુ નિષ્ફળતા મળી ત્યારે શીલ-ભંગનો આરોપ મૂકાયો. ઘણું પૂછવા છતાં ખુલાસો ન કરતા રાજાએ ફાંસીની સજા ફરમાવી. સ્વયંની આરાધના તથા ધર્મપત્ની મનોરમાના કાઉસગ્ગ આરાધનાના બળે શૂળીનું સિંહાસન થયું. એકવાર પ્રભુવીર પાસે જતાં નવકાર મહામંત્રના પ્રભાવે રોજની સાત હત્યા કરનાર અર્જુનમાળીના દેહમાંથી યક્ષને દૂર કરી દીક્ષા અપાવી. અંતે મહાવ્રત આરાધી મોક્ષમાં ગયા..
શાલ-મહાશાલ : બન્ને ભાઇઓ હતા. પરસ્પર પ્રીતિ હતી. ભાણેજ ગાંગલિને રાજ્ય સોંપી દીક્ષા લીધી હતી. એક વખત પ્રભુ ગૌતમસ્વામી સાથે ગાંગલીને પ્રતિબોધવા પ્રષ્ઠચંપામાં આવ્યા. માતા-પિતા સાથે ગાંગલિએ દીક્ષા લીધી. રસ્તામાં ઉત્તમ ભાવના ભાવમાં સહુને કેવળજ્ઞાન થયું. અંતે મોક્ષ પામ્યા.
- શાલિભદ્ર = ભરવાડપુત્ર સંગમ તરીકેના પૂર્વભવમાં મુનિને આપેલ ખીરદાનના પ્રભાવથી રાજગૃહી નગરીમાં ગોભદ્ર શેઠ-ભદ્રાશેઠાણીને ત્યાં પુત્રરૂપે જન્મ્યા. અતુલ સંપત્તિ અને ઉચ્ચ કુલીન ૩૨ સુંદરીઓના સ્વામી હોવાની સાથે નિત્ય દેવલોકથી ગોભદ્ર દેવે મોકલેલ દિવ્ય વસ્ત્ર-આભૂષણાદિ ભોગસામગ્રીથી યુક્ત ૯૯ પેટીના ભોક્તા હતા. એક વખત શ્રેણિક મહારાજા તેમની સ્વર્ગીય સમૃદ્ધિ જોવા આવ્યા ત્યારે પોતાના માથે સ્વામી છે’ એમ જાણી દીક્ષાની ભાવનાથી એક-એક પત્નીનો ત્યાગ કરવા લાગ્યા ત્યારે બનેવી ધન્યશેઠની પ્રેરણાથી એક સાથે બધો ત્યાગ કરી ચારિત્ર સ્વીકારી ઉગ્ર સંયમ-તપશ્ચર્યા પાળી વૈભારગિરિ પર અનશન સ્વીકારી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા.
ભદ્રબાહસ્વામી : અંતિમ ચૌદપૂર્વના જ્ઞાતા અને આવશ્યકાદિ દશ સૂત્રો પર નિર્યુક્તિના રચયિતા. મહાપ્રાણ ધ્યાનને સાધનારા મહાપુરૂષે વરાહમિહિરના અધકચરા જ્યોતિષ જ્ઞાનનો પ્રતિકાર કરી આકાશમાંથી માંડલાની વચ્ચે નહીં પરંતુ માંડલાના છેવાડે માછલું પડવું, તથા રાજપુત્રનું ૧૦૦ વર્ષનું આયુષ્ય નહીં. પરંતુ માત્ર સાત દિવસમાં બિલાડીના આગળિયાથી મોત થવું આદિ સચોટ ભવિષ્ય જણાવી જિનશાસનની પ્રભાવના કરી તથા વરાહમિહિર કૃત ઉપસર્ગને શાંત કરવા ‘ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરી. કલ્પસૂત્ર-મૂળસૂત્રના તેઓ રચયિતા છે,
દશાર્ણભદ્ર રાજા : દશાર્ણપુરનો રાજા. નિત્ય ત્રિકાળપૂજાનો નિયમ હતો. એકદા ગર્વસહિત અપૂર્વ અદ્ધિ સાથે વીરપ્રભુને વંદન કરવા જતાં ઇન્દ્ર અપૂર્વ સમૃદ્ધિ પ્રદર્શન કરી ગવખંડન કર્યું તેથી વૈરાગી થઇ ચારિત્ર લીધું, અંતે સમ્યગ આરાધના કરી મોક્ષે પધાર્યા.
પ્રસન્નચંદ્ર રાજા : સોમચંદ્ર રાજા-ધારિણીના સંતાન. બાલકુંવરને રાજ્ય સોંપી ચારિત્ર લીધું. એકવાર રાજગૃહીના ઉધાનમાં કાયોત્સર્ગ ધ્યાને હતા ત્યારે પ્રભુ વીરને વંદન કરવા નીકળેલ રાજા શ્રેણિકના અગ્રેસર બે સૈનિકોના મોઢે સાંભળ્યું કે મંત્રીઓ બેવફા થતાં ચંપાનગરીનો રાજા દધિવાહન પોતાના બાળપુત્રને લડાઇમાં હણી રાજ્ય લઇ લેશે.' તેથી પુત્રમોહથી માનસિક યુદ્ધ કરતાં સાતમી નરક યોગ્ય કર્મ એકઠા કર્યા. બધા શસ્ત્રો ખૂટી ગયા જાણી માથાનો લોખંડી ટોપ કાઢવા હાથ ફેરવે છે ત્યારે મુંડિત મસ્તકથી સાધુપણાનો ખ્યાલ આવતા પશ્ચાત્તાપ કરતાં કેવળજ્ઞાન પામ્યા.
યશોભદ્રસૂરિ : શય્યભવસૂરિના શિષ્ય તથા ભદ્રબાહુસ્વામીના ગુરૂદેવ. ચૌદ પૂર્વના અભ્યાસી તેઓએ અનેક યોગ્ય સાધુઓને પૂર્વોની વાચના આપી. અંતે શત્રુંજયગિરિની યાત્રા કરી કાળધર્મ પામી સ્વર્ગે પધાર્યા.