________________
તત્ત્વદૃષ્ટાઓએ પોકારીને કહ્યું કે જીવો અને જીવવા દો. પણ સર્વજ્ઞ વીતરાગે તો તેનાથી વિશેષ આગળની વાત કહી કે પોતાના ભોગે પણ અન્યને જીવાડો. અહિંસાના પરમ ઉપાસકો તે પ્રમાણે સર્વ જીવોની રક્ષા માટે જીવનને ત્યાગમાર્ગમાં જોડી દે છે. અને સ્વ-પર શ્રેય સાધે છે. તે અહિંસાના ઉપાસકો એક નાના જંતુમાં પણ પોતાના જેવા જ ચૈતન્યનો સ્વીકાર કરી, પ્રસંગ આવે તે જીવોને બચાવવા પોતાનો દેહ જતો કરતા.
ત્યારે વૈજ્ઞાનિક યુગની સુવિધામાં રાચતા હે માનવ ! તું વિચાર કે તારું ઉત્તરદાયિત્વ શું છે! આ જીવ સૃષ્ટિના સુખ માટે તેં શું શું કર્યું છે ? નાના મોટા કઇ જીવોના સુખ માટે તું કંઈ જ કરી શક્યો ન હોય તો પણ નરાધમ બની વગર જરુરિયાતે કેવળ અતિ સ્વાદના, સ્પર્શના, ગંધના કે વર્ણના ભોગ ઉપભોગના સાધનો માટે કેટલો દૂર સંહાર કરે છે? કે થવા દે છે? તેનો વિચાર કર.
હે માનવ ! તારી સામાન્ય જરૂરીયાતો તો અલ્પ હિંસા કે નિર્દોષતાથી પૂરી થઈ શકે છે. શરીર નિભાવવા પૃથ્વીકાય આદિ સૂક્ષ્મ જીવોની અલ્પ પણ હિંસા થઈ જાય છે તે દુ:ખદાયી છે. તેથી સાદું જીવન, પરિગ્રહનો સંક્ષેપ, સંતોષ, અનુકંપા કે સદ્દભાવ રાખવાથી તે જીવોની રક્ષા થઈ શકે છે. માટે ઇંદ્રિયોના સુખનો, સ્વાર્થનો, મોહાંધતાનો, તીવ્ર વિષયવાસનાનો ત્યાગ કરી મનુષ્યત્વને પ્રગટ કરી દિવ્યતાને પામી સ્વયં સુખી થા.
દેહધારી કે જન્મધારી જીવ માત્રને જીવનની પ્રાપ્તિ, શક્તિ અને પુષ્ટિ માટે જાણે અજાણે અનિવાર્યપણે અલ્પાધિક દોષ લાગે છે. આવા દોષને મૂળમાંથી નષ્ટ કરવા મહામાનવોએ સર્વોત્કૃષ્ટ માર્ગ અપનાવ્યો ; અર્થાત જન્મ મરણનો નાશ કરી અન્યને પીડા થવાનું નિમિત્તકારણ પણ નાશ કર્યું. આ તેમની કરૂણા રહી છે.
શાસ્ત્ર સિદ્ધત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશી શકતું નથી, જડ ચેતનરૂપે કે ચેતન જડરૂપે પરિણમતું નથી. દેહ અને જીવ અનાદિ કાળથી એક ક્ષેત્રે રહેવા છતાં બંને પોતાના સ્વરૂપે જ રહે છે, કારણ કે બંનેના ગુણધર્મો જુદા છે. છતાં દેહધારી જીવ એક પળ પણ જીવસૃષ્ટિના સહયોગ વગર જીવી શકતો નથી. સૃષ્ટિમાં નિયમથી આવો પરસ્પર ઉપકાર-અનુગ્રહ રહેલો છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય જેવા અજીવ તત્ત્વો પણ સહાયક છે. છતાં જીવ કર્તા અને ભોક્તાપણું કરી કર્મોથી અજ્ઞાનવશ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org