________________
સૂયગડાંગ સૂત્રના સથવારે : ભાગ-૩ બંધન જાણો ! બંધન તોડો !
અલ્પાક્ષરી પરિચય
પહેલા વિભાગમાં ‘સૂયગડાંગજી’નો વ્યાપક પરિચય અપાયો. બીજામાં સૂતેલા આતમરામને જગાડવાની નોબત જોર-શોરથી વાગી. હવે કામ રહ્યું - બંધનને જાણવાનું અને બંધનને તોડવાનું. આ વિભાગ બંધનના સ્વરૂપને ખૂબ જ વિસ્તૃત રીતે સમજાવે છે અને એ બંધનોને તોડવાના વ્યવહારુ ઉપાયોનું આપણને નિદર્શન કરાવે છે.
આ વિભાગના પહેલા પ્રવચનમાં દશ પ્રકારે ક્લેશ અને નાશ નોંતરતા પરિગ્રહનાં મુખડાઓ બતાવ્યાં છે. બીજામાં લોભને થોભ હોતો નથી એ વાત પ્રભુશ્રી ઋષભદેવજી અને ૯૮ પુત્રોના સંવાદરૂપે દર્શાવી છે. આગળ વધી ‘હિંસા’ બંધનની ઓળખ પણ રજુ કરાઈ છે.
ત્રીજા પ્રવચનમાં પરિગ્રહ અને મમતાની બંધન-ક્ષમતા દર્શાવી એમાં અનેકાંતવાદનો પ્રયોગ કરી અપેક્ષાએ બંને મારક હોવાનું સિદ્ધ કર્યું છે. ચોથું પ્રવચન ‘હિંસા’ના વિધવિધ પાસાઓ રજુ કરે છે. જગતમાં અને જીવનમાં થઈ રહેલ નાની-મોટી હિંસાને ઓળખાવી અને એનાથી બચવાના ઉપાયો દર્શાવે છે. પાંચમા પ્રવચનમાં સ્વજનાદિના મમત્વથી કેવી બંધનમાળા સર્જાય તેનું વર્ણન કરાયું છે. તો છઠ્ઠામાં મમતાથી વ્યાપતા અંધત્વથી કેમ બચવું તેનો માર્ગ દર્શાવાયો છે. ધન અને સ્વજનોના આધારે જીવન સુરક્ષિત નથી જ એ સંદેશ સાતમું પ્રવચન આપે છે. આઠમામાં-ધર્મના નામે કઈ રીતે અધર્મ થાય ? સાચો ધર્મ કઈ રીતે થાય એ વાત ખૂબ જ સરસ સમજાવેલ છે. નવમા પ્રવચનમાં પુનરાવર્તન કરાવી દશમામાં ‘મિથ્યાત્વ' નામે મહાબંધનને જાણી તોડવાનો ઉપદેશ આપી આ વિભાગ પૂરો કરાયો છે.
પહેલા પ્રવચનમાં બીજી ગાથા પર પ્રવચનો પૂર્ણ કરી બીજા પ્રવચનમાં ત્રીજી ગાથાની વિવેચના શરૂ થઈ છે. પાંચમા પ્રવચનથી ચોથી ગાથા પર, સાતમા પ્રવચનથી પાંચમી ગાથા પર અને આઠમાથી છઠ્ઠી ગાથા પર વિવેચના થઈ છે. મુખ્યપણે બંધનને જાણી તોડવાની વાત ઉદ્દેશ કરાઈ હોઈ આ વિભાગ બંધન જાણો ! બંધન તોડો ! એવું નામ પામેલ છે.
Jain Education International
10
For Private & Personal Use Only
www.jainelibrary.org