________________
પરિગ્રહ-વિરમણ ૦ ૬૯ કહ્યું કે “આ લંગોટીની સલામતી માટે આ બધી ઉપાધિ વધારવી પડી છે; પણ તારું કેમ ચાલે છે એ તો કહે'. આ સાંભળીને આવેલ અતિથિ બાવાજી બોલ્યો કે “ભાઈ ! એક લંગોટીની સલામતી માટે તે પોતે વૈરાગ્યપૂર્વક લીધેલો સંન્યાસ ખોઈ નાખ્યો અને આ બધી પળોજણમાં પાછો જેવો ગૃહસ્થ હતો તેવો બની ગયો. આ તો સાધનાનો રસ્તો નથી પણ અવતારને નિષ્ફળ બનાવવાનો રસ્તો છે. મારી પાસે પણ લંગોટી તો છે જ, પણ તેને સંભાળવાની ચિંતા મારે કયારેય કરવી પડી નથી અને મારી લંગોટીને ક્યારેય ઉંદરે કાતરી જ નથી. માટે તું આ પ્રપંચમાંથી બહાર આવે અને તેં લીધેલ સંન્યાસવૃત્તિને ફરી ધારણ કર. આટલી બધી ફિકર લંગોટીની કરવાની હોતી હશે ?” આ કથા ઉપરથી જોઈ શકાય છે કે જાણે-અજાણે સલામતીને બહાને આપણો પરિગ્રહ કેવી રીતે વધતો રહે છે અને એને લીધે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્યનાં આપણાં મહાવ્રતો તથા અણુવ્રતો કેવી રીતે છિન્નભિન્ન થઈ જાય છે તેની સરત પણ રહેતી નથી. આપણે અહિંસાની, સત્યની, અચૌર્યની બ્રહ્મચર્યની સર્વાશે કે દેશથી અર્થાત અલ્પાંશે પાલના કરવી હોય તો પરિગ્રહનું નિયમન કર્યા સિવાય શક્ય જ નથી. પરિગ્રહની પાછળ હિંસક વૃત્તિ તો રહેલી જ છે. એવી હિંસક વૃત્તિથી આપણે ટેવાઈ ગયા હોઈ એ હિંસક વૃત્તિ આપણા જેવા અહિંસાધર્મીને કઠતી પણ નથી; એટલું જ નહીં, કેટલીક વાર તો ધર્મને નામે પણ પરિગ્રહ ચાલતો રહે છે એની પણ આપણને જાણ થતી નથી. જૈન આગમોમાં જણાવેલ છે કે “ચિત્તમંત વા અચિત્ત વા પરિગ્રાહ્ય વા કિસામપિ” અર્થાત્ સજીવ કે નિર્જીવ થોડો પણ પરિગ્રહ કરવાથી ભાવકર્મો છૂટી શકતાં નથી. દેહધારી વ્યક્તિ માટે સર્વથા અપરિગ્રહી થવું શક્ય નથી. દેહધારી વ્યક્તિ પરિગ્રહ ઉપર નિયમન તો જરૂર કરી શકે છે અને એ રીતે પરિગ્રહજન્ય હિંસા વગેરે દૂષણોથી જરૂર બચી શકે છે. દાખલા તરીકે આપણી સામે ત્રણ પ્રકારની ચીજો ઉપસ્થિત હોય છે, તેમાંથી આપણે આપણા કાર્ય માટે એવી ચીજ પસંદ કરવાની છે જે આપણી તૃષ્ણાને બહેકાવે નહીં. તો જેમની વૃત્તિ અપરિગ્રહપરાયણ છે તેઓ એવી વસ્તુ પસંદ કરશે જે દ્વારા ઓછામાં ઓછો પરિગ્રહ કર્યો કહેવાય. જે લોકો શ્રેયાર્થી હોય છે તેઓ આ રીતે અપરિગ્રહની વૃત્તિ કેળવતા હોય છે. સુખ કે શાંતિની ખરી ઝાંખી કરવી હોય તો મૂછવૃત્તિનો ધીરે ધીરે ત્યાગ કરવો જોઈએ. આમ ટેવ પાડવાથી, અભ્યાસ કરવાથી, ચિત્ત અપરિગ્રહવૃત્તિથી ટેવાઈ જાય છે. જે ખરા અર્થમાં અપરિગ્રહી હોય છે તે કોઈના પણ દુઃખનું નિમિત્ત થતો નથી. આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org