________________
ક્ષમા તથા ક્ષમાપના ૦ ૪૯
ખીસામાં કાંસકો રાખીએ છીએ, એટલું નહિ પણ દહાડામાં દસ વાર માથે કાંસકો ફેરવીએ પણ છીએ, દર્પણમાં મોટું જોયા કરીએ છીએ, તેમ અંતરની મલિનતાને દૂર ધકેલવા મજબૂત સંકલ્પ સાથે પ્રયત્ન કરીએ તો શા ભાર છે એ મલિનતાના કે ઓછી ન થાય?
જેમણે ખેતરમાં કોસ ચાલતો જોયો હશે તેમને પ્રત્યક્ષ અનુભવ હશે કે પાણીના થાળામાં મોટા મોટા કાળમીંઢ પથ્થરો જડેલા હોય છે. એ એવા મજબૂત પથ્થરો હોય છે કે કેમ કરીને ઘસાતા નથી. પણ જ્યારે કોસની વરતનું રાંઢવું કે દોરડું એ પથ્થરો સાથે ઘસાવા માંડે છે, ત્યારે એ કાળમીંઢ પણ ધીરે ધીરે ઘસાવા લાગે છે, અને એક દિવસ એવો આવે છે કે એ પથ્થરો ખરેખરા ભાંગી જાય છે; કટકે કટકા થઈ તેનો ચૂરો થઈ જાય છે. તો પછી ટેવના બળને લીધે જામી પડેલી મનની મલિનતા અથવા મનમાં રહેલાં એ શલ્યોને ઉખેડી નાખવાના દઢ સંકલ્પ સાથેની પ્રવૃત્તિ સતત કરવાથી જરૂર એ શલ્યો ઉખેડાવા મંડવાનાં, અને એમ કરતાં કરતાં એક દિવસ એવો ઊગશે કે મનુષ્ય તદ્દન નિઃશલ્ય, સર્વત્ર અભેદન જોનારો અને એ જ પ્રમાણે વર્તનારો થઈ શકવાનો; શરત એટલી જ છે કે ક્ષમા અને ક્ષમાપનાની વૃત્તિ ખરા અર્થમાં કેળવવી જોઈએ. જો કે શરૂશરૂમાં તે કદાચ મૌખિક રીતે ચાલશે, પણ વિવેક અને મનનચિંતન એની સાથે ભળશે એટલે કેવળ મૌખિક મટી તે અંતરથી થવા લાગશે, અને એમ થવાથી ધાર્યું પરિણામ અચૂક આવશે.
નાનું બાળક પહેલવહેલાં નિશાળે બેસે છે ત્યારે પાટી ઉપર કેવળ લીટા જ કરે છે. આડાઅવળા લીટા કરતું કરતું એ જ બાળક ધીરે ધીરે એકડો કરવા માંડે છે; તે જ પ્રમાણે, આપણે પણ શરૂશરૂમાં ભલે ક્ષમા કે ક્ષમાપના મૌખિક કરીએ, પણ રોજ ને રોજ સવાર-સાંજ એમ વિચારપૂર્વક કરતા રહેવાથી આપણામાં “આ શા માટે કરું છું', “આમ કરવા સાથે મારી પ્રવૃત્તિમાં ફેર પડે છે કે કેમ?” એવો વિચાર આવ્યા કરવાનો, અને એ વિચારવિવેક સાથે ક્ષમા અને ક્ષમાપના શરૂ થતાં આપણી તમામ મલિનતાઓ સરકવા લાગવાની જ એ અશંક છે.
જેમ માંત્રિક મંત્ર જપે છે અને એમ ને એમ કેટલાય કાળ સુધી એકાગ્ર થઈને જતો રહે છે ત્યારે એ મંત્ર સિદ્ધિકર નીવડે છે. તેમ જ ક્ષમા અને ક્ષમાપના આંતર-મલિનતા ટાળવાનો એક જાતનો મંત્ર છે. એને જેમ જેમ રાતદિવસ–અરે, પ્રતિક્ષણ પ્રત્યેક પ્રવૃત્તિમાં જપવા માંડીએ એટલે મંત્રની પેઠે જ એ પણ સિદ્ધિકર નીવડવાનાં. આથી શરૂશરૂમાં કદાચ એ પ્રવૃત્તિ કેવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org