________________
૪. ક્ષમા તથા ક્ષમાપના
માનવનું સમગ્ર જીવન સામાજિક છે, કૌટુંબિક છે, પારિવારિક છે. તે કોઈ પણ પ્રવૃત્તિ કરતાં સમાજ સાથે, કુટુંબ સાથે કે પરિવાર સાથે સંકળાયેલો રહે છે. ભિન્ન ભિન્ન આચાર-વિચારવાળા તો ઠીક, પણ કેટલીક વાર વિરુદ્ધ આચાર-વિચારવાળા લોકો સાથે સુધ્ધાં કામ પાડવાના પ્રસંગો ડગલે ને પગલે આવતા રહેતા હોય છે. જ્યારથી તે થોડો-ઘણો સમજણો થવા માંડે છે ત્યારથી માંડીને જીવનપર્યંત પ્રવૃત્તિશીલ મનુષ્યને આવી સ્ફોટક પરિસ્થિતિમાંથી ગુજરવું પડે છે. શિશુદશામાં રમતો રમતાં શિશુઓ, બાળમંદિરમાં કેળવણી પામતાં બાળકો, નિશાળ કે મહાવિદ્યાલયમાં પોતાની જાતને કેળવવા મથતા કુમાર-કુમારીઓ અને પછી સંસારના રણક્ષેત્ર ઉપર આવીને ગૃહસ્થાશ્રમની જવાબદારીને વરેલાં પુરુષો કે સ્ત્રીઓ, જેઓ વિવિધ વ્યવહારનાં ક્ષેત્રોમાં પોતાની પસંદગી તથા મર્યાદા કે શક્તિ અનુસાર પ્રવૃત્તિમાં પડેલાં હોય છે, તેઓ બધાંને લગભગ પોતાનાથી જુદી જુદી જાતની પ્રકૃતિવાળા, જુદી જુદી જાતના વિચારવાળા અને જુદી જુદી જાતના આચારવાળા લોકો સાથે પ્રતિપળ-પ્રતિક્ષણ કામ કરવાનું હોય છે. આવી પરિસ્થિતિમાં સ્વાર્થસિદ્ધિને કારણે પણ વ્યવહારનાં એ તમામ ક્ષેત્રોમાં થોડી-ઘણી તો સહનશીલતા પરાણે પણ કેળવવી પડે છે. વિવેક ન હોવાને કારણે બહારથી ભલે સહનશીલતા દેખાડવી કે રાખવી પડતી હોય, છતાં મનની સ્થિતિ ભારે કચવાટભરી, અણગમાભરી કે અરુચિભરી બનતી રહે છે. આમ થવાથી માણસમાત્રમાં બીજાં અનેક દૂષણો પેદા થવા માંડે છે. કેટલાક લોકોને પોતાનો ઉપરી, અધિકારી કે શેઠ ગમતો હોતો નથી છતાં તેની નીચે વા તેના હુકમને વશ થઈને પશુની પેઠે દોરાઈને પરાણે કામ કરવું પડે છે. ઘણી વાર ઉપરી, અધિકારીઓ કે શેઠ લોકો ભારે સ્વચ્છંદી હોય છે, તુમાખીવાળા હોય છે, વાતવાતમાં રોષે ભરાવાની પ્રકૃતિવાળા હોય છે અને વિલાસપ્રધાન હોઈ નહીં ઇચ્છેલાં, અણગમતાં વા ગજા ઉપરનાં કામો ભળાવતા હોય છે. આવી પરિસ્થિતિમાં મોટે ભાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org