________________
૨૪૦ • સંગીતિ
માળીની બરાબર સામે સુદર્શન હવે આવી પહોંચ્યો.
માળીએ પડકાર્યો: “અરે નાદાન, શું તારે મરવું છે? શું તારે આજે હતા ન હતા થઈ જવું છે? તને ખબર નથી કે આ રસ્તે જનારા તમામનું હું લોહી પી જાઉં છું? મારું નામ અર્જુન માળી. આ મોગરી જોઈ? તું તો બેલી! એક જ ફટકાના લાગો છો. આ રસ્તે શા માટે આવ્યો? શું તારે આગળપાછળ કોઈ નથી? ઘેર મારી બંધુમતી જેવી કોઈ જુવાનડી રાહ જોનારી નથી? અરે ભલા માણસ ! પાછો ફરી જા. હજી હું તને ચેતવું છું : ઘરભેગો થઈ જા, નાહકનો મને ન ઉશ્કેર.”
સુદર્શન તો પ્રશમપૂર્ણ નેત્રે માળીની બરાબર સામે ત્રાટક નજરે જોઈ જ રહ્યો; ન હલ્યો, ન ચલ્યો, ન ભડક્યો, ન ધ્રુજ્યો, ન કંપ્યો. એ તો અડગ જ ઊભો રહ્યો. હોઠ મરકતા હતા. મનમાં ઉલ્લાસ ઊભરાતો હતો કે જ્યારે ગુણશીલમાં પહોંચે અને ભગવાનને ભાવું ! એની તો ધૂન એક જ કે ક્યારે ભગવાનનાં દર્શન કરે ! કયારે તેમનાં સુધી સમાન વચન સાંભળું ! જે પળો જતી હતી તે તેને મન વરસ વરસ જેવડી જણાતી હતી.
માળી વળી તાડૂક્યો : “બોલ છોકરા બોલ, બોલ જુવાન બોલ; ફાટી નાખ, અહીં આવવાની તારી શી મકસદ ?” મોગરીના આંટા જોર જોરથી ફરતા હતા તેમ સુદર્શન તદ્દન અડોલ, સ્થિર, અકંપ અને રોમમાં પણ ક્ષોભ વિનાનો ઊભો હતો.
“શું તું મૂંગો છે? બોલતો કેમ નથી? આ ઝાડની જેમ શું મારી સામે તાકે છે? બોલે છે કે ફટકારું?”
શાંત સ્વરે સુદર્શન બોલ્યો : “ગુણશીલ ચૈત્યમાં પરમગુરુ સંતપુરુષ શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે, તેમને વંદન કરવા, તેમની વાણી સાંભળવા, તેમને ભેટવા જાઉં છું ભાઈ !”
ગગનને ગજવી મૂકે એવું હાસ્ય કરતો માળી બરાડ્યો : “મારી માલણને મારી નાખી એ કે બીજો તું? આવ, ઓરો આવ અને મોગરીનો સ્વાદ ચાખ.” સુદર્શન માળીની વધુ નજીક ગયો, કેમ જાણે સગા ભાઈને ભેટતો હોય તેમ તે બંધુભાવ અનુભવવા લાગ્યો.
સુદર્શનને સ્થિર, નિર્ભય અને સ્મિતવદન જોઈને માળી ચમક્યો. તેની ભડક-ફટક વધારે નરમ થતી દેખાઈ. તેના અંતરમાં વલોણું શરૂ થઈ ગયું. “કેમ આ ડરતો નથી? મારી પાસે સરતો આવે છે કેમ? આ કશું બરાડતો નથી? મહાવીર વળી કોણ? આ જુવાન એનાં દર્શન માટે મરવા તૈયાર શા માટે થાય છે?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org