________________
પ્રાર્થના ૦ ૨૧૫ સત્યુગ જેવું હતું, સૌ સુખદુઃખમાં ભાગીદાર બનીને રહેતા. એટલે સુખનો એંકાર નહીં અને દુઃખની વેદના પણ નહીં. એવામાં એક દિવસ કોણ જાણે કેવું કમૂરતું હશે કે ગામમાં ખબર પડી કે આપણા ગામમાં વીજળી આવવાની છે. ગામના ડાહ્યા અને ગામ આખાનું સુખ વાંચતા લોકો ભેગા થયા અને આ વીજળી શા માટે આવે છે તેનો વિચાર કરવા બેઠા. તો માલૂમ પડ્યું કે વીજળી તો દળવાની ઘંટી, સિનેમા વગેરે વડે આપણને સુખી કરવા આવે છે. અમારા પંચે નક્કી કર્યું કે આપણે વીજળી નથી જોઈતી. દળવાનું તો અમે હાથે જ કરીએ છીએ અને અમારા ભવાનભાઈઓ તથા નાટક કરનારા નટ લોકો અને બજાણિયાભાઈઓ અમને પોતપોતાની કરામત બતાવીને ખુશ ખુશ કરી નાખે છે અને બદલામાં અમે એમને બેપાંચ મણ અનાજ આપીએ છીએ. જયાં સુધી એ લોકો ચોરામાં રહે ત્યાં સુધી વારાફરતી ઘરે ઘરે તેમને જમાડીએ છીએ. માટે અમારે વીજળીની જરૂર જ નથી. પણ અમે રહ્યા ગામડિયા અને વિજળી લાવનારા શહેરના લોકો હતા. એમણે કહ્યું કે તમે આમ જંગલી જેવા રહો તે સારું નહીં માટે જરા સમા પ્રમાણે તોરમાં આવો અને જીવતરનાં સુખ પણ ભોગવો. અમે લાચાર બન્યા, વીજળી આવી અને અમારા ધંધામાં વીજળી પડી. દળવાની ઘંટીઓ આવી, સિનેમા આવ્યાં અને કાંતવાનું પણ તથા વણવાજય વીજળીથી ચાલવા માંડ્યું. અરે ખેતી પણ વીજળીથી થવા માંડી. ગામડું મડદું થઈ ગયું. અમે પણ મડદાં જેવાં બની ગયાં અને અમારાં છોકરાં રખડું થઈ ગયાં, અમારા ગોરજીએ તથા ભામણભાઈઓએ ઘણી ના પાડી પણ એમનું સાંભળે કોણ? આ અમે નવરાધૂપ થઈ ગયા, વીજળીથી આંખો પણ બગડી, વીજળીની ઘંટીના લોટ ખાઈને મંદવાડ આવવો શરૂ થયો, ખાલી પડેલા બળદો બહાર જઈ વેચાવા લાગ્યા અને અમારાં બધાં ખોરડાં ધૂળધાણી થઈ ગયાં, વેપારીઓ પણ જોરમાં વધી ગયા અને એઓ પણ હેરાનહેરાન થઈ ગયા, જૂઠ વધી ગયું અને છેતરામણ કરનારા સોનાનાં ઘરેણાં પહેરીને અમારા ગામમાં આવવા લાગ્યા અને ગામડું બગડી ગયું. નવા નવા સંચા ખટપટવા લાગ્યા, ડૉકટરો પણ ભરાવા લાગ્યા. આમ અમે સૌ વીંખાઈ ગયા અને હવે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે “હે ભગવાન! ખુદા ! અમને અમારા દિવસો પાછા આપવા મહેરબાની કર. હવે ભગવાન અમારું સાંભળે ત્યારે ખરો”.
- સદાચાર નિર્માણ, ઑગસ્ટ - ૧૯૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org