________________
મહાવીરની સાધના તે માનવીની સાધના ૦ ૯૫ પડતું દુઃખ ભગવાન ન રહી શક્યા તેથી કરુણાને લીધે જ્યાં ચંડકૌશિક રહેતો હતો એ જ માર્ગે ગયા ને ચંડકૌશિકના ભયંકર ક્રોધને શાંત કરીને જ રહ્યા. એ રીતે આ સરળ માર્ગ ખુલ્લો થઈ જવાથી મુસાફરોનું, ચારનારાઓનું અને ગોવાળો વગેરેનું કષ્ટ ઘણું ઓછું કર્યું. આ એમની લોકો તરફની એકાત્મતાનો પ્રત્યક્ષ દાખલો છે. બીજો એક એવો પ્રસંગ છે કે મહાવીરકથામાં લખ્યા પ્રમાણે જ્યારે તેમણે દીક્ષા લીધી, ત્યારે તેઓ તદ્દન નગ્ન થઈને જ વિહરવાના હતા; પણ લોકોએ તેમના ખભા ઉપર એક કપડું મૂકી દીધું. લોકોએ મૂકેલા આ કપડાનો તેમણે કદી ઉપયોગ કર્યો જ નથી. ગમે તેવી ટાઢ હોય, તડકો હોય કે વરસાદ હોય તો પણ કપડાના વપરાશ તરફ તેમનું મન જ ગયું નથી. આ સ્થિતિમાં તેઓ ધ્યાનમાં બેઠા હતા ત્યારે એક ગરીબ મહાદુઃખી બ્રાહ્મણ તેમની પાસે કંઈક માગવા આવ્યો. બ્રાહ્મણે કહ્યું કે 'હે ! મહાકરુણાના સાગર ! દીક્ષા લીધા પહેલાં તમે તમારા ભાગે આવતી મિલકત છૂટે હાથે લોકોમાં વહેંચી અને લોકોને ન્યાલ કરી દીધા, પણ એ વખતે કમનસીબ એવો હું બહારગામ ગયેલો હોઈ હાજર ન રહી શક્યો. ઘરે આવતાં મારી સ્ત્રીએ મને ફિટકાર આપ્યો અને તમારી પાસે કંઈ માંગવા મોકલ્યો. તો, હે દયાના સાગર, મને કંઈક આપો.” ભગવાને કહ્યું, “હે દેવાનુપ્રિય ! હું તો નગ્ન ભિક્ષુ છું. મારી પાસે તને આપવા જેવું કશું જ નથી. તેમ છતાં આ કપડાનો અર્ધભાગ તું લઈ જા.” આ હકીકત પણ લોકોના દુઃખ તરફ મનોવૃત્તિ કેવી હતી તેની સાક્ષી આપે છે. આચાર્ય હરિભદ્રના કહેવા પ્રમાણે ભગવાન મહાવીર માતાપિતાના અસાધારણ ભક્ત હતા; એ ભક્તિના લીધે જ તેઓ ઘરમાં રહી શક્યા અને માતાપિતા દેવ થતાં જ ત્યાગની સાધના માટે નીકળી પડ્યા. આ મહાવીરકથામાં આંખે વળગે એવા અનુકરણીય પ્રસંગો છે. તે બધાને ભગવાનનું જીવન લખતી વખતે ધ્યાનમાં રાખીને લોક સમક્ષ મૂકવાની જરૂર છે, જેથી તેમનો આદર, પૂજા કરવા સાથે તેમના જીવનનું અનુકરણ પણ કરી શકે. આ લખવાનું તાત્પર્ય એ છે કે મહાવીરનું શુદ્ધ, નિર્ભેળ જીવન લોકો સામે આવવું જોઈએ. જો બરાબર પ્રયત્ન કરવામાં આવે, પૃથક્કરણ કરવામાં આવે, શોધખોળ કરવામાં આવે અને ભગવાન મહાવીરની સાધનાને માનવીની સાધના તરીકે અવલોકવામાં આવે તો નિર્ભેળ જીવન લખી શકાય તેમ છે તેમાં સંદેહ નથી.
– જનસત્તા, નવે. - ૧૯૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org