________________
કર્મનો સિદ્ધાંત
છે. દેહ ધારણ કરે તો જ ફળ ભોગવી શકાય. એટલે શુભ અગર અશુભ કર્મનાં ફળ ભોગવવા દેહ ધારણ કરવો જ પડે અને એટલે જ જન્મ-મરણના ચક્કરમાં આવવું જ પડે.
૨
જ્યાં સુધી જન્મ-મરણના ચક્કર રહે ત્યાં સુધી મોક્ષ મળ્યો ગણાય નહિ. દેહ જ ધારણ ના કરવો પડે તેવી પરિસ્થિતિનું નામ મોક્ષ અને જ્યાં સુધી શુભ અગર અશુભ કર્મોના ઢગલા સંચિત કર્મમાં જમા થયેલા છે, અને તે પૂરેપૂરા ભોગવી ના લેવાય ત્યાં સુધી આ સંસારચક્ર ચાલ્યા જ કરે. દેહ ધારણ કરવો પડે એ જ ખરું બંધન છે. શુભ કર્મના ફળસ્વરૂપે સુખ ભોગવવા દેહ ધારણ કરવો પડે તે સોનાની બેડી અને અશુભ કર્મના ફળસ્વરૂપે દુઃખ ભોગવવા દેહ ધારણ કરવો પડે તે લોખંડની બેડી છે. પરંતુ બંને રીતે શુભ અને અશુભ બંને પ્રકારનાં કર્મોનાં ફળ ભોગવવાં માટે જીવને દેહ ધારણ કરવાની ફરજ પડે છે અને તે રીતે બંને શુભ અગર અશુભ કર્મ, એટલે કે કર્મ માત્ર જીવને બંધનકર્તા છે. તે જ જીવને બંધન જન્મ-મરણની બેડી પહેરાવી દે છે. પછી તે બેડી સોનાની હોય કે લોખંડની હોય, પરંતુ આખરે બંધન તો રહે જ. સુપાત્રે દાન કરો તો તેનાય ફળરૂપે સુખ ભોગવવા દેહ ધારણ કરવો પડે.
સુપાત્રદાનાત્ ચ ભવેત્ ધનાઢ્યો, ધનપ્રભાવેન કરોતિ પુણ્યમ્ । પુણ્ય પ્રભાવાત્ સુરલોક વાસી, પુનર્ધનાઢ્યઃ પુનરેવ ભોગી ॥
અને કુપાત્રે દાન કરો તો તેનાં ફળસ્વરૂપે દુઃખ ભોગવવા દેહ ધારણ કરવો પડે.
કુપાત્રદાનાત્ ચ ભવેત્ દરિદ્રો, દારિત્ર્યદોષણ કરોતિ પાપમ્ । પાપ પ્રભાવાત્નરક પ્રયાતિ, પુનર્દરિદ્રો પુનરેવ પાપી ॥
અને બંને પ્રકારે અવળી અગર સવળી ઘંટી સંચારચક્રની ફર્યા જ કરે છે, અને તેમાં જીવમત્ર પિલાયા જ કરે છે. મોક્ષ મળતો નથી, કારણ કે નવાં નવાં ક્રિયમાણ કર્મ તે સતત કરતો જ રહે છે. તેમાંથી જે તાત્કાલિક ફળ આપતાં નથી, તેવાં કર્મો સંચિત કર્મોમાં જમા થતાં જાય છે, જેના અનેક હિમાલય ભરાય તેટલા જબરદસ્ત ઢગલા થયેલા છે અને પ્રારબ્ધ બનતાં જાય, તેટલાં જ ફળ પ્રારબ્ધ ભોગવવાને અનુરૂપ શરીર જીવ ધારણ કરતો રહે અને તે જીવનકાળ દરમિયાન પાછા બીજા અનેક જન્મો લેવા પડે તેટલાં નવાં ક્રિયમાણ કર્મો ઊભાં કરતો જાય. આ રીતે આ સંસારચક્રનું વિષચક્ર અનાદિકાળથી ચાલતું આવે છે અને તે અનંતકાળ સુધી ચાલતું રહેવાનું. મહર્ષિ પતંજલિ કહે છે કે - સતિ મૂલે તદ્વિપાકઃ જાતિઃ આયુઃ ભોગાઃ ।
-
જ્યાં સુધી કર્મરૂપી મૂળ છે, ત્યાં સુધી શરીરરૂપી વૃક્ષ ઊગવાનું અને તેમાં જાતિ, આયુષ્ય અને ભોગરૂપી ફળ લાગવાનાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org