________________
મરુદેવીના નંદ, આપનાં માતા-પિતાને ધન્ય છે કે જેણે આપ જેવા તીર્થંકર પરમાત્માને જન્મ આપ્યો. આપનાં નગરજનો અને આપના દેશને પણ ધન્ય છે કે જ્યાં આપ વિચર્યા. આપનાં ચરણ જ્યાં પડ્યાં તે રજકણો પણ ધન્ય થયાં. આકાશની અંદર ચારે દિશામાં અનંત તારાઓ પ્રકાશે છે. પરંતુ સમસ્ત લોકને પ્રકાશિત કરનાર સૂરજ તો ફક્ત પૂર્વદિશામાં જ ઊગે છે. અનંતા તારાઓની જેમ ગમે તે દિશામાં અને ગમે તે દશામાં અનંતી માતાઓ દ્વારા જન્મેલાં અનંતા બાળકો ઉપર જણાવ્યું તેમ ગતાનુગતિક્તામાં જન્મ પૂરું કરે તેનો કોઈ અર્થ નથી. આવાં જીવોનું ભવભ્રમણ અનંતકાળ સુધી ચાલુ રહેવાનું, કારણકે તેઓ ગતાનુગતિક્તામાં જીવે છે. યંત્રવત્ જીવે છે. સંસારમાં સંસારની લોલુપતા સાથે જીવે છે. ભવભ્રમણનું તેમને કોઈ દુ:ખ કે રંજ નથી. પોતાની પાસે પરમ ચૈતન્ય સ્વરૂપ ભગવાન-આત્મા હોવા છતાં તેને સર્વથા સર્વ પ્રકારે ગૌણ કરી સમયે-સમયે મિથ્યાત્વ સહિત સંસાર વધાર્યા જ કરે છે. જ્યારે નાભિનંદન શ્રીઋષભ જિનેશ્વરે સંસારને ગૌણ કર્યો. સંસારના મોહનો નાશ કર્યો. તેનો સર્વથા અભાવ કર્યો. સર્વ કર્મનો ક્ષય કરી પરમ વીતરાગ દશાને પ્રાપ્ત કરી તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું અને ત્રણે લોકનો અને ત્રણે લોકના સર્વજીવોને પોતાનાં પરમ તેજ એ પરમજ્ઞાનથી પ્રકાશિત કર્યા.
સંસાર અને ભવભ્રમણ વધારનાર ગુપ્ત કારણ
આ શ્લોક દ્વારા અહીં અત્યંત અર્થ ગંભીર અને રહસ્યપૂર્ણ વાત એ જણાવવામાં આવી છે કે ઉપર જણાવ્યા પ્રમાણે રાગ, દ્વેષ અને અજ્ઞાન સહિત સંસારને વધારનારા જીવો માટે અનંતા ભવ-ભ્રમણ સહિત બીજો કોઈ વિકલ્પ નથી અને અંતર્મુખ થઈ આત્મ પુરુષાર્થ દ્વારા પરમપદની પ્રાપ્તિના સંકલ્પવાળા માટે તેની પ્રાપ્તિનો માર્ગ સુલભ છે. જીવનના કોઈપણ ક્ષેત્રમાં આહારમાં, વિહારમાં, નિહારમાં જીવનની સર્વપ્રવૃત્તિઓમાં પછી તે સંસારની હોય કે ધર્મની હોય પણ જો તેમાં યંત્રવત્તા હશે, ગતાનુતિકતા હશે અને અહંકારની પુષ્ટિ થતી હશે તો તે પ્રવૃત્તિ ગમે તેટલી શુભાશુભ હશે તો પણ સંસારનું ભ્રમણ વધારશે અને તેથી પરમાત્મભક્તિનો અપૂર્વ મહિમા લાવી પરમાત્માના માતાપિતાને આ શ્લોકમાં અત્યંત ભક્તિપૂર્વક સ્મરણ કરી આવા વિરલ પુત્રને જન્મ આપવા બદલ કવિશ્રીએ તેમની ભૂરિ-ભૂરિ પ્રશંસા અને અનુમોદના કરી છે.
*
**
Jain Education International
For Private & Personal Use Only
(૧૦૨)
www.jainelibrary.org