________________
ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-૨૩-૨૪
પ૭ ભોગની સામગ્રીનો ત્યાગ કરીને આત્મહિત સાધવા માટે સાધુ મહાત્માઓ પ્રયત્નવાળા હોય છે. તેથી અનુમાન થાય છે કે આ સાધુમહાત્માઓ ભાવભિક્ષુ છે. (૩) સુશીલ સાધુઓની સંગતિ:
મુનિભગવંતો તત્ત્વના જાણનારા હોય છે. તેઓ જાણે છે કે આત્મા અનાદિથી મોહવાસિત સંસ્કારવાળો છે, અને તેથી મોહના ઉન્મેલન માટે પોતે ગૃહાદિનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરેલ છે; આમ છતાં પ્રમાદી એવા સાધુઓનો સંગ થાય તો પોતાનામાં પણ તે પ્રમાદના સંસ્કાર જાગૃત થાય તેમ છે. તેથી વિવેકી સાધુઓ કુશીલ સાધુઓનો ત્યાગ કરીને સુશીલ સાધુઓ સાથે આત્મીયતાથી પરિચયવાળા હોય છે, જેથી સુશીલ સાધુઓના સહવાસથી પોતાનામાં પણ સુશીલતા આવે છે. આ લિંગ ઉપરથી અનુમાન થાય છે કે આવા મુનિભગવંતો ભાવભિક્ષુ છે. (૪) જ્ઞાન: યથાસ્થિત પદાર્થોનો બોધઃ
મુનિભગવંતો સંયમ ગ્રહણ કરીને સર્વજ્ઞના વચનોને કહેનારાં શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, તેથી જેમ કેવલી ભગવંતો કેવલજ્ઞાનના બળથી જગતમાં પદાર્થો જે રીતે રહેલા છે તે પદાર્થોને હાથમાં રહેલા આમળાની જેમ જાણે છે, તેમ સુસાધુ શ્રુતના બળથી જગતના પદાર્થોને યથાર્થ જાણે છે; અને જેમ કેવલી ભગવંતો જગતના પદાર્થોને યથાર્થ જાણીને જગતના ભાવોથી સંશ્લેષ વગરના છે, તેમ સુસાધુ પણ જગતના ભાવોને યથાર્થ જાણીને જગતના ભાવોથી સંશ્લેષ વગરના થાય છે. માટે સમ્યજ્ઞાન હોવાને કારણે આવા મુનિભગવંતો ભાવભિક્ષુ છે. (૫) દર્શનઃ નૈસર્ગિક અને અધિગમથી થનારું દર્શન :
સાધુભગવંતોને અંતરંગ ચક્ષુની નિર્મળતાને કારણે નૈસર્ગિક રીતે જગતના તત્ત્વોનું યથાર્થ દર્શન થાય છે, અને કેટલાક સાધુઓને શાસ્ત્રવચનથી પદાર્થનો બોધ કરવા માટે કરાયેલા સમ્યગુ વ્યાયામથી અર્થાત્ અધિગમથી સમ્યગ્દર્શન થાય છે. તે સમ્યગ્દર્શનને કારણે સર્વજ્ઞ ભગવંતોએ જે પદાર્થો જે રીતે બતાવ્યા છે, તે રીતે જ તેઓને ભાસે છે, તેથી સાધુભગવંતો તે દર્શનને અનુરૂપ હિતમાં પ્રવૃત્ત અને અહિતથી નિવૃત્ત થાય છે. તેથી જણાય છે કે આ ભાવભિક્ષુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org