________________
૨૦
યોગભેદદ્વાઢિશિકા/બ્લોક-૮ અધ્યાત્મથી પ્રાપ્ત થતાં ફળો :
(૧) પાપનો ક્ષય :- અધ્યાત્મથી સૂક્ષ્મ તત્ત્વને જોવામાં પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ ક્લિષ્ટકર્મનો ક્ષય થાય છે, તેનાથી આત્માને ઉત્તરોત્તર સૂક્ષ્મ આત્મિક ભાવોનું દર્શન થાય છે, તેના બળથી જીવ ક્ષપકશ્રેણીની નજીક જવા માટેનો યત્ન કરી શકે તેવી નિર્મળ પ્રજ્ઞા થાય છે.
(૨) વીર્યનો ઉત્કર્ષ :- અધ્યાત્મથી પાપનો ક્ષય થાય છે, તેમ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાને અનુકૂળ વીર્યનો ઉત્કર્ષ થાય છે. તેથી મહાધૃતિના બળથી મોહનો નાશ કરવા માટે જીવ સમર્થ બને છે.
(૩) ચિત્તની સમાધિ:- અધ્યાત્મથી પાપનો ક્ષય થાય છે, સત્ત્વનો પ્રકર્ષ થાય છે, તેમ ચિત્તની સમાધિ પ્રગટે છે. અધ્યાત્મના સેવનથી વિષયોથી વિમુખ થયેલું ચિત્ત સ્વાભાવિક નિરાકુળ રીતે આત્મભાવમાં રહી શકે તેવા સમાધાનવાળું બને છે, તેના બળથી જીવ અંતરંગ સુખનો અનુભવ કરી શકે છે.
(૪) અપ્રતિઘાતવાળું જ્ઞાન - અધ્યાત્મથી પાપનો ક્ષય થાય છે, સત્ત્વનો પ્રકર્ષ થાય છે, ચિત્તની સમાધિ પ્રગટે છે, તેમ શાશ્વત એવું જ્ઞાન=પ્રતિઘાત ન પામે તેવું તત્ત્વને જોવા માટે સમર્થ એવું સૂક્ષ્મ જ્ઞાન થાય છે. તેના બળથી જીવ ઉત્તરોત્તર યોગમાર્ગને જોવા માટે સમર્થ બને છે.
સામાન્ય રીતે જીવનું જ્ઞાન મોહથી પ્રતિઘાત પામે તેવું હોય છે. તેથી સુખનો અર્થી પણ જીવ “હું ક્યાં યત્ન કરું કે જેથી મારું હિત થાય” તેવું સમ્યગું જોઈ શકતો નથી. ક્વચિત્ કાંઈક તત્ત્વ દેખાય અને આત્મહિત માટે ધર્મમાં ઉદ્યમશીલ થાય તોપણ આગળ કઈ દિશામાં જવું તેનો બોધ હોતો નથી. તેથી આવા જીવનો બોધ તત્ત્વમાર્ગની પ્રવૃત્તિમાં પ્રતિઘાત પામનારો હોય છે. અધ્યાત્મના સેવનથી પ્રગટ થયેલું નિર્મળ જ્ઞાન પ્રતિઘાત વગર અંતરંગ દુનિયાને વિશેષ વિશેષ રીતે જોવા સમર્થ બને છે. તેથી નિર્મળ જ્ઞાનના બળથી જીવ નિરાકુળ રીતે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકે છે.
આ રીતે અધ્યાત્મના ચાર કાર્યો બતાવ્યાં. હવે અધ્યાત્મના વિષયમાં અન્ય વક્તવ્યનો સમુચ્ચય કરતાં ‘તથા’ થી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org