________________
ભાવાર્થ :
(૧) શરીરથી પૃથક-જુદો, આત્મા નથી એમ કેટલાક માને છે. (૨) વળી કેટલાક શરીરથી જુદો આત્માને માને છે, છતાં તે આત્મા જીવનકાળ સુધી રહેનારા છે પરંતુ શાશ્વત નથી, તેમ માને છે. (૩-૪) વળી કેટલાક શરીરથી પૃથક શાશ્વત આત્મા છે એમ માનવા છતાં, તે આત્મા કાંઈ કરતો નથી, તેથી તેવો નિષ્ક્રિય આત્મા પુણ્ય-પાપનો કર્તા નથી, અને પુણ્ય-પાપના ફળનું વેદન કરતો નથી, અર્થાત્ પુણ્યપાપનો ભોક્તા નથી એમ માને છે. (૫) વળી કેટલાક પુણ્ય-પાપના ફળનો કર્તા અને ભોક્તા આત્મા છે આમ માનવા છતાં, સંસારમાં સારું કૃત્ય કરીને સારા ફળને આત્મા મેળવે છે અને ખરાબ કૃત્ય કરીને ખરાબ ફળને આત્મા મેળવે છે, પરંતુ સર્વ કર્મથી રહિત નિર્વાણ=મોક્ષ, અવસ્થા નથી, એમ માને છે. (૬) વળી કેટલાક માને છે કે મોક્ષ છે પણ ઉપાયસાધ્ય નથી; કેવલીએ પોતાના જ્ઞાનમાં જે દિવસે આપણો મોક્ષ જોયો છે તે દિવસે મોક્ષ થવાનો જ છે, આપણા પ્રયત્નથી કે મોક્ષના ઉપાયના સેવનથી મોક્ષની પ્રાપ્તિમાં કોઈ ફેર પડવાનો નથી, એમ માને છે; અને તે મોક્ષના ઉપાયોનો અપલાપ કરે છે.
આ છ સ્થાનો તત્ત્વમાર્ગની વિપરીત પ્રવૃત્તિમાં કારણ છે, અને તે મિથ્યાત્વરૂપ છે. છતાં જેમનું મિથ્યાત્વ કાંઈક મંદ છે, તે આ છ સ્થાનોમાંથી કોઈ સ્થાનને માનતા હોય તો પણ સામગ્રી પામીને તત્ત્વ તરફ વળે તેવા છે, તેઓ અતિ અવિનીત નથી. અને જેમનામાં ગાઢ મિથ્યાત્વ છે, તેઓ આ છ સ્થાનોમાંથી જે સ્થાનને પોતે પકડીને બેઠા છે તે સ્થાન પ્રત્યે અતિ વળેલા છે, તેથી તત્ત્વમાર્ગ પ્રત્યે તેઓ વળી શકે તેવા નથી, તેથી તેઓ અતિ અવિનીત છે, એમ કહેલ છે. અને તેમનાં વચનો પરસ્પર કોઈનાં મળતાં નથી, એ વાત સ્વયં ગ્રંથકાર આગળ બતાવવાના છે.
આનાથી એ કહેવું છે કે ઊંડા કૂવાને જોવાથી વિચારક જીવને ભય પેદા થાય છે, અને અવિચારક જીવ ઊંડા કૂવામાં ઊતરે તો તેને બહાર નીકળવામાં મુશ્કેલી પડે તેમ છે. તેમ વિચારક જીવને આ છ સ્થાનો ભય પેદા કરે તેવાં છે, અને અવિચારક જીવને તે સ્થાનોમાં જાય તો તેમાંથી તેને બહાર નીકળવામાં મુશ્કેલી પડે તેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org