________________
૩૩૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
જેમ કોઈને વૈરાગ્ય ગુણ કેળવવો છે તો પહેલાં અલંકારોનો ત્યાગ કરે, પછી કપડાંનાં આકર્ષણો છોડે, પછી માથાની વાળની સ્ટાઇલ છોડે અને એમ કરતાં દેહનું મમત્વ છોડે – આ વ્યવહારથી નિશ્ચય છે, પરિઘમાંથી કેન્દ્ર તરફ જવા જેવું છે અને કોઈને દેહાત્માનું ભેદજ્ઞાન થઈ ગયું અને દેહ મારો છે, હું નથી. આવું સમજાઈ જાય પછી કપડાં, ચશ્માં, ઘડીયાળ, પેન, પર્સ, પરિવાર ઉપર રાગ રહે ?
કેન્દ્રના પરિવર્તનનો પરિઘ ઉપરનો આ પડઘો છે. કોઈ સાધક નીચે જોઈને મૌનપણે ચાલે એમાં વચન અને કાયાની સાધના આવી. એમ કરતાં કરતાં ઈર્યાસમિતિના પરિણામ જાગી જાય. આ વ્યવહારથી નિશ્ચય થયો અને કોઈને જીવદયાના પરિણામ થઈ જાય. સકલ સત્ત્વહિતાશયરૂપ ચારિત્ર પરિણામ પ્રાપ્ત થઈ જાય તો મારાથી કોઈ જીવને દુઃખ ન પહોચે એવી સતત કાળજી મનમાં રમ્યા કરતી હોય તો તે સ્વાભાવિક રીતે કાળજીથી નીચે જોઈને ચાલશે. આ નિશ્ચયથી વ્યવહાર થયો. બંને માર્ગ છે. નિશ્ચયની પ્રાપ્તિ થઈ છે તેનો પડઘો વચન અને કાયામાં પડ્યા સિવાય રહેતો નથી અને વચન અને કાયાની સાધના નિશ્ચયને લાવ્યા સિવાય રહેતી નથી. જૈનશાસનના નિશ્ચય અને વ્યવહાર બેમાંથી એકનો પણ અપલાપ કરી શકાય નહીં. બંને એકબીજા સાથે સંકળાયેલા છે, તેમાંથી એકનો અપલાપ કરે તો અંત:કરણ દુષ્ટ છે તેમ સમજવું.
વ્યવહાર ધર્મમાં પ્રવૃત્તિધર્મ આવે છે. તે લોકો જોઈ શકે છે. વચન-કાયાનો ધર્મ જગતમાં દશ્યમાન બની શકે છે. નિશ્ચયધર્મમાં પરિણતિધર્મ આવે છે. આપણા મનના વિચારો એ પરિણતિ ધર્મ છે. વ્યવહારધર્મ પણ પરિણતિ ઊભી કરવા માટે છે.
સામાન્યથી માનસશાસ્ત્રનો સિદ્ધાંત છે કે આપણે જે પરિણતિ ઊભી કરવી હોય તેને અનુકૂળ પ્રવૃત્તિ (વ્યવહાર) તેમાં સહાયક બને છે.
આ સાઈકોલોજી છે. જેઓ મૂર્તિને માનતાં નથી તેઓને એક રૂમમાં બીભત્સ ચિત્રો મૂકીને પૂરી દો. એમને ચોવીસ કલાક ત્યાં બેસાડો. તેઓ ટકી શકે તો તેમનો ગુલામ થઈ જાઉં ! દશ્યો ચોક્કસ અસર કરે છે. માનસશાસ્ત્રીના અભ્યાસીઓ કહે છે કે ક્યાં તો એને આ વાતાવરણમાં કપડાં ઉતારવાં પડે છે, ક્યાં તો સીધા થઈ જવું પડે છે.
પાંચે ઈદ્રિયોના વિષયો એ બાહ્ય સંસાર છે. સંસારનો ખોરાક છે. મસાલો છે અને અઢાર પાપસ્થાનકની પરિણતિ એ અત્યંતર સંસાર છે.
પરિણતિને સુધારવા માટે પ્રવૃત્તિને સુધારવી જરૂરી છે.
પ્રવૃત્તિ પરિણતિને ફોર્સ આપે છે, વેગ આપે છે, ટકાવે છે, ઊભી કરી શકે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org