________________
૨૨૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
શકે નહીં. ચૈતન્યસંપત્તિ તેમાં ન ભળે તો તે પ્રતિક્રમણાદિ ક્રિયા બાહ્ય માળખા સ્વરૂપ છે. પ્રાણ વિનાના કલેવર જેવી છે. માત્ર ખોખું ઊભું છે. જે ક્રિયામાં ઉપયોગ ભળતો નથી ત્યાં પુણ્ય પણ બહુ મામૂલી બંધાય છે. આવી અનુપયુક્ત ક્રિયામાં અનુબંધ તો ક્યાંથી પડે ? કેવો પડે ? કલેવરમડદું હોય અને પવનના જોરે આમતેમ હાલે તો પણ તેનામાં જીવસંચારની પ્રતીતિ થતી નથી તેમ અનુપયોગ દ્વાદશાવર્ત વંદનામાં હાથ ઊંચા નીચાં કરવાથી આત્મકલ્યાણની પ્રતીતિ થતી નથી, વળી તે વખતે ક્રિયાકાળે ક્રિયા પ્રત્યે અનાદર હોય તો પાપનો અનુબંધ થાય છે. શુભાનુબંધ માટે આદર, ભાવ, રુચિ બહુ જરૂરી છે.
રાજસ અને તામસ ભાવોથી સંસાર ચાલે છે. આ ભાવોને ખતમ કરે તો તે સક્રિયા છે. સાત્વિક ભાવોને બહુ ઘૂંટવા પડે છે. સાત્ત્વિક ભાવો ઘૂંટાતા આત્મસાત થયા પછી ઉપરના ગુણસ્થાનકે ચડવું સહેલું છે, ક્ષમા, દાન, શીલ, તપ, દયા, ભક્તિ, સેવાના ક્ષયોપશમ ભાવો વધતા વધતા ક્રોધ, પરિગ્રહ, મૈથુન, આસક્તિ, ક્રૂરતા, ઉદ્ધતાઈ વગેરે ભાવો નાશ પામશે. આમ રાજસ અને તામસ ભાવોનું જોર હટતાં ગુણસ્થાનકમાં આગળ વધી શકાય
છે.
પહેલે ગુણસ્થાનકેથી સીધું અને ચોથે, પાંચમે, છ, સાતમે પણ આવી શકાય છે. કયું પામવું છે ? તે રુચિની તપાસ જરૂરી છે.
સ્વરૂપની રુચિને જ્વલંત બનાવવી જરૂરી છે. એનો વિયોગ અંદરમાં હૈયાફાટ રુદન કરાવે, એના વિના રહી ન શકે એવી પરિસ્થિતિ ઊભી થાય તો રૂચિ જ્વલંત બની કહેવાય. આજે ભાવનિક્ષેપે પરમાત્માનો વિયોગ સતત છે. આત્મા એ સ્વયં પરમાત્મા છે, તેનો વિરહ ડંખતો નથી. રુદન પેદા કરતો નથી માટે સ્વરૂપની રુચિને જ્વલંત બનાવવાની ખૂબ જરૂરી છે. સ્વરૂપની તાલાવેલી તીવ્રતમ બનતાં સંસારની બધી સ્પૃહા, ઝંખના, ઇચ્છા, રુચિ, તૂટી જશે અને સમકિતની ભૂમિકા સર્જાશે.
સ્વરૂપનું લક્ષ્ય તીવ્ર બનતાં દર્શન મોહ તૂટતું જાય છે. બીજી બાજુ સાત્ત્વિક ભાવો આત્મસાત થતાં રાજસ-તામસ ભાવો તૂટવા માંડે છે અને અનંતાનુબંધી કષાયની પકડ ઢીલી બને છે. કોઈ મકાનને જમીનદોસ્ત કરવું હોય તો તેના પાયામાં સુરંગ ચાંપવી જોઈએ તેમ મિથ્યાત્વના મહેલને તોડવા માટે, અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ મોહનીયનો નાશ કરવો પડશે. અનંતાનુબંધી કષાયને તોડવા સ્વદોષ દર્શનની તથા મિથ્યાત્વ મોહનીયને તોડવા વિષયવૈરાગ્યભાવનાની સુરંગ ગોઠવી દો.
એક બાજુ સ્વરૂપની લાલસા એ સાત્ત્વિક ભાવ છે. બીજી બાજુ સંસારની પ્રત્યેક ચીજ ઉપરનું મમત્વ ઘટાડવાનું છે. દેહાદિ ઉપરનું મમત્વ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org