________________
૧૫૮
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ધર્મનો નહિ પણ એ દુન્યવી ફળનો બન્યો રહે ! એમાં ધર્મનું અધિકારીપણું ન આવે. હજારો વાર ધર્મક્રિયા કરવા છતાં મન કેમ ચંચળ ? ને દિલ ધર્મ સાથે એકાકાર કેમ નહીં ? તેમજ ધર્મના ગાઢ સંસ્કારો કેમ ન પડ્યા ? કારણકે તે ધર્મક્રિયાઓ મનના ઉપયોગની શૂન્યતાથી જ હાંકરાખી હતી. કોઈની વેઠ પતાવવાની જેમ ધર્મક્રિયા પતાવવાનું રાખ્યું હતું. કદી ય ધર્મની સહજ શ્રદ્ધા, સહજ ઈચ્છા, ઊભી ન કરી. આ જ એક ખામીથી દુન્યવી બાબતોએ મનનો જે કબજો મેળવ્યો છે. એવો ધર્મે મનનો કબજો નથી મેળવ્યો !
નહિતર સેંકડો સામાયિક કે કરોડો નવકાર જાપ કર્યા પછીના સામાયિકની કે નવકાર જાપની શું એ તાકાત નથી કે દુન્યવી બાબતો ભૂલાવી દે ?
શું દુન્યવી બાબતોની જ એ તાકાત છે કે સામાયિક અને જાપમાં રહેલા મનને વારંવાર એ પકડે ? ના, એવું નથી. પણ ધર્મ મનને ક્યારે પકડી રાખે ?
ધર્મની મનને પકડી રાખવાની તાકાત ઊભી કરવી હોય તો ધર્મ નથી સાધતા ત્યારે પણ જગતની વાતોના કચરા હવે હૃદય – ગૃહમાં નહીં જ ઘાલવાના ! કેમકે એ કચરાની અસર પછી ધર્મયોગ પર પડે છે. ધર્મને સહજ રીતે મન પકડી રાખે ત્યાં ધર્મશ્રદ્ધા સંપ્રત્યયાત્મક બનવા માંડે. પછી ત્યાં ધર્મ વખતે બીજા ત્રીજા વિચાર ન આવે.
સંપ્રત્યયાત્મક શ્રદ્ધાનો એક ઉપાય : ભાવનિરીક્ષણ આ શ્રદ્ધા ઊભી કરવા માટે પ્રારંભમાં આ એક ખાસ કરવા જેવું છે કે તે તે ધર્મયોગ સાધતાં કે સાધીને જે જે ભાવ જગાડવાના છે, એનું લક્ષ પાકું રહેવું જોઈએ. ધર્મયોગ સાધતાં, જોતા રહેવાનું કે તેને યોગ્ય ભાવ જાગે છે ને ? દા.ત. દાનધર્મ કરતાં આ જોવાનું કે દાનથી પરિગ્રહ - સંજ્ઞા પર કાપ પડતો આવે છે ને ? શીલ પાળતાં જોવાનું કે શીલથી વિષયસંજ્ઞા કપાતી આવે છે ને ? તપ કરતાં આ જોવાનું કે તપથી આહાર સંજ્ઞા કપાતી આવે છે ને ? સામાયિક કરતાં આ જોવાનું કે સામાયિકથી અવિરતિ - આસક્તિ – સંસારરસ પર ધૃણા વધતી આવે છે ને ? સમતાનો આસ્વાદ આવે છે ને ? મમતા તૂટે છે ને ? પ્રભુભક્તિ કરતાં જોવાનું કે પ્રભુભક્તિથી હૈયાના તાર ઝણઝણી, આંખ હર્ષભીની થાય છે ને ? પ્રભુ ઉપર દિલ ઓવારી જાય છે ને ? આ તો પ્રભુદર્શન કરતાં કે સ્તુતિ – સ્તવન બોલતાં કંઈક ભાવ જાગવા માંડ્યાં કે ઝટ સમાપ્ત કરવાની વાત હોય ત્યાં શી રીતે એ ભાવ પુષ્ટ થાય ? એમ તો એ ભાવ જાગતાં જ તૂટી જાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org