________________
૩૩
યોગદષ્ટિમાં મિથ્યાત્વમોહનીય અટકતું નથી, આગળ ને આગળ વધે જ જાય છે, ત્યારે પ્રથમની ચારમાં પતન શક્ય છે. જેવી રીતે ઉપશમ શ્રેણિમાં જીવ દશમાંથી જ્યારે ૧૧મે જાય છે ત્યારે પડે છે અને તે ત્રીજે, ચોથે, બીજે, પહેલે મિથ્યાત્વ સુધી પહોંચી જાય છે. જ્યારે ક્ષાયિક શ્રેણિમાં ૧૦મે થી ૧૧મે ન જતાં સીધો ૧૨ મે થઈ સડસડાટ ૧૩, ૧૪ સુધી પહોંચી સાધ્ય સિદ્ધ કરી સિદ્ધિપદને પામે છે.
આપણે દેરાસર જઇ, ચૈત્યવંદન, પૂજા, ગુરુ-દેવવંદન, વ્રત, તપ, જપ, સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ, આયંબિલ, ઉપવાસાદિ અનુષ્ઠાનો કરીએ છીએ અને એમ માનીએ કે અમે ૪થે, પમે, ૬ ગુણસ્થાનકે કે કાન્તા દૃષ્ટિએ પહોંચી ગયા છીએ. પરંતુ આવાં જીવોનાં અનુષ્ઠાનાદિ જો ફક્ત દ્રવ્યક્રિયા હોય અને ભાવક્રિયાની બાદબાકી હોય તો ભાવભિનંદી કે પુદ્ગલાભિનંદી હોઈ સાંસારિક કે સ્વર્ગીય મનોકામના ધરાવતાં હોવાથી મિથ્યાત્વમાં રાચતા હોઈ ભટકવાનું, ઘૂમવાનું સંસારમાં ચાલુ જ રહેશે; કારણ દૂધમાં મેળવણ નાંખી તે હલાવ્યા જ કર્યું તેથી દહીં ન થયું તેમ અહીં ભાવક્રિયાની બાદબાદી હોવાથી પતન અને ભાવફેરા ચાલુ જ રહે છે. તેથી આપણે પમ આપણી સ્થિતિનો કયાસ કાઢી નિદ્રા ત્યજી જાગૃત થવું રહ્યું. તેથી તો ભગવાન મહાવીરે ચાર જ્ઞાનના ધણી અને અનેકાનેક લબ્ધિના સ્વામીને વારંવાર ટોક્યા છે કે “ગોયમ મા પમાયએ.”
થોડા વર્ષો પૂર્વે હું સાધુસમુદાયનાં દર્શન વંદનાદિ માટે ગયો હતો ત્યારે પિતાશ્રીના કામકાજ અંગે જેમને વારંવાર મળવાનું થતું તે કલાપ્રભસાગર સૂરીશ્વરને મળ્યો અને એક પ્રશ્ન પૂછવાની વાત કરી. તેઓ તે વખતે મને ગુરુવર્ય ગુણસાગરજી પાસે લઈ ગયા. મેં તેમને કહ્યું કે નિશાળે જતો બાળક એકડામાંથી બગડો ગ્રહી આગળ પ્રગતિ સાધે છે તેમ આપણે મનુષ્યજન્મ પામી એકડામાંથી બગડો કરી શું આત્મકલ્યાણ ન કરી શકીએ ? તેઓએ કહ્યું કે તમો અને હું હજી એકડો પણ ઘૂંટી શક્યા નથી ! કેવી નિર્દોષતા તથા નિખાલસતા ! ત્યારબાદ તેઓ થોડા સમયને અંતરે કાળ કરી ગયા. તેઓનો ભાવાર્થ આમ હતો કે બગડો કે પાંચડાની વાત જવા દો હજી આપણે એકડો પણ ઘૂંટી શક્યા નથી. એટલે કે તેમનો આશય હવે સમજાય છે કે આપણે હજૂ ઓઘદૃષ્ટિમાંથી બહાર નીકળી શક્યા નથી કેમકે આપણે ક્રિયાકલાપોમાં ભાવનું મેળવણ નાંખી શક્યા જ નથી ને ! ફિલણજીની જેમ ફુલાયા કરીએ છીએ !
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org