________________
અગિયાર ઉપાસક-પ્રતિમાઓ
૩૪૧
સાધક એક પ્રતિમામાં સ્થિર થયો હોય પણ પછીની પ્રતિમાની સાધના
માટે હજુ શરીર કે મનની તૈયારી ન હોય કે સંજોગોની પ્રતિકૂળતા હોય તો
પણ ઘણો બધો સમય લાગે. પ્રત્યેક પ્રતિમાના મહિનાનો સ૨વાળો કરીએ તો ૧ + ૨ + ૩ + ૪ + ૫ + ૬ + ૭ + ૮ + ૯+ ૧૦ + ૧૧ = ૬૬ મહિના એટલે કે પાંચ વર્ષ અને છ મહિના લાગે. પ્રતિમાની સાધના જો સળંગ ન થઈ શકે તો કોઇકને આથી પણ ઘણો વધુ સમય લાગે.
આ અગિયાર પ્રતિમામાં રહેવાવાળા શ્રાવકોમાં પ્રત્યેક પ્રતિમા અનુસાર ઉત્તરોત્તર સમ્યગ્દર્શનાદિ ગુણોની અનુક્રમે વૃદ્ધિ થતી રહેવી જોઇએ, ત્યાગવૈરાગ્ય અને તપશ્ચર્યાના ભાવો પણ વધતા રહેવા જોઇએ. દેહાસક્તિ તૂટવી જોઇએ, કષાયો મંદ થવા જોઇએ, વીતરાગતા વૃદ્ધિ પામતી રહેવી જોઇએ અને આત્મસ્વરૂપમાં રમણતાનું સાતત્ય યથાશક્ય રહેવું જોઇએ. મતલબ કે પ્રતિમા માત્ર દ્રવ્યપ્રતિમા ન રહેતાં ભાવપ્રતિમા પણ બનવી જોઇએ.
આ બધી પ્રતિમાઓનો અહીં સંક્ષેપમાં પરિચય કરીશું. દશાશ્રુતસ્કંધ અનુસાર શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેએ તથા દિગંબર પરંપરામાં શ્રી સમન્તભદ્રાચાર્ય, શ્રી બનારસીદાસ વગેરેએ આ અગિયાર ઉપાસકપ્રતિમા ઉપર સારો પ્રકાશ પાડ્યો છે.
પહેલી દર્શન પ્રતિમા
શ્રાવકની પહેલી પ્રતિમા તે સમ્યગ્દર્શનરૂપ પ્રતિમા છે, કારણ કે આધ્યાત્મિક વિકાસના પાયામાં સૌથી પહેલું સમ્યક્ત્વ રહેલું હોવું જોઇએ. દર્શનપ્રતિમા માટે લખ્યું છેઃ
दंसणपडिमा णेया सम्मत्तत्तस्स जा इहं बोंदी । कुग्गहकलंकरहिआ मिच्छत्तख ओसमभावा ||
[સમ્યક્ત્વયુક્ત જીવની કાયા કે જે મિથ્યાત્વનો ક્ષયોપશમ થવાથી (શાસ્ત્રવિરુદ્ધ) કુગ્રહરૂપી કલંકથી રહિત હોય છે, તેને અહીં દર્શનપ્રતિમા સમજવી.]
પ્રતિમાધારી શ્રાવક હવે ‘દેશવિરતિ સમ્યગ્દષ્ટિ' નામના પાંચમા ગુણસ્થાનકે આવી જાય છે. પહેલીથી અગિયારમી પ્રતિમા સુધીનો શ્રાવક પાંચમા ગુણસ્થાનકે હોય છે. તે વીતરાગતા અને નિર્વિકલ્પ દશામાં ઉત્તરોત્તર પ્રગતિ સાધતો રહે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org