________________
નવપદનાં પ્રવચનો સહનશકિતએ-સમતાએ ગિરિસેનના હૈયાને હલાવી દીધું. - વલોવી દીધું. એના સૂકાભઠ હૈયાના રણમાં એક શુભભાવની મીઠી વીરડી ફુટી નીકળી. રહો મનોજ્ય મુનિ ! અહો ! આ મુનિ આવા આકરા જીવલેણ ઉપસર્ગ વચ્ચે પણ કેવા શાન્તરસમાં ઝીલે છે; સમભાવમાં રમે છે.
બસ ! તે જ ક્ષણથી ગિરિસેનના મનમાં રહેલી વૈરની વૈતરણીના વળતાપાણી થયા. સાધુની અંતરંગ ગુણસંપત્તિ-સહનશીલતાએ તેનામાં ગુણપક્ષપાતરૂપ શુભબીજનું વાવેતર કર્યું. આ બાજુ સમરાદિત્ય મુનિ સમતાભાવે સહન કરી, શુદ્ધ અધ્યવસાયમાં સ્થિર થઈ આગળ વધી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા. કેવળજ્ઞાની બન્યા. પોતે તર્યા અને અગ્નિશર્માના જીવને તરવાની નાવડી આપીને તારતા ગયા.
આ ચરિત્રગ્રન્થની પ્રાચીન વાત છે. બીજી એક નજીકની બનેલી વાત કરીએ.
તપાગચ્છ સંરક્ષક યક્ષરાજ શ્રી માણિભદ્ર મહારાજા માણિભદ્ર બન્યા તેના મૂળમાં પણ આવી એક સાધુમહારાજની સહનશીલતા કારણભૂત બની.
શ્રી માણિભદ્ર યક્ષરાજના પૂર્વભવમાં તેઓ માણેકચંદ શેઠ હતા. માતા પરમ શ્રદ્ધાળુ. વીતરાગદેવના શાસનના ઉપાસિકા. પણ આ ભાઈ બીજા છેડાના. પરમ નાસ્તિક. ધર્મ અને ધર્મક્રિયાની ક્રુર મશ્કરી કરનારા. હાંસી ને ઠેકડી ઉડાવનાર. એકવાર તેમના ગામની બહાર આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મહારાજ સપરિવાર પધાર્યા. ગામના ઘણા બધા જીવો ધર્મવાણી શ્રવણ કરવા ગયા. ધર્મદશના પૂર્ણ થઈ. બધા ગામ તરફ જતા હતા ત્યારે આ માણેકચંદના મનમાં શું સૂઝયું તે એક બળતું લાકડું કયાંકથી લઈ આવ્યો અને સીધા પેલા સાધુઓ જયાં હતા ત્યાં પહોંચી ગયા. જઈને એક સાધુની દાઢીને બાળવા લાગ્યા. દાઢી બળતી હતી છતાં સાધુએ ન તો પ્રતિકાર કર્યો કે ન તો ઈન્કાર કર્યો.
મુનિવર મનમાંહી આણંધા પરીષહ આવ્યો જાણી રે"
દાઢી થોડી બળી એટલે પેલા ભાઈ લાકડું લઈને ચાલી ગયા. મુનિની દાઢી બુઝાઈ ગઈ. બસ, તે ક્ષણથી માણેકચંદનું મન પશ્ચાત્તાપથી બળવા લાગ્યું. ચચરવા લાગ્યું. તમસનું આવરણ ભેદાયું અને આત્માનું તેજ ફેલાયું. મેં આ શું કર્યું? અહો ! મુનિની કેવી સમતા, ધીરતા ને વીરતા અને મારી કેવી અધમતા. બસ, આ ઘટના તેના જીવનનું પરિવર્તનબિન્દુ બની ગઈ. પછી તો મહાધર્મી બન્યા, પ્રભુના ધર્મના અવિહડ રાગી બન્યા અને આખરે માણિભદ્ર દેવ બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org