________________
૩૮. સાધ્વી મલયસુંદરી
મલયસુંદરી અને મહાબલકુમાર વચ્ચે પ્રથમ દૃષ્ટિએ પ્રેમ થયો, પરંતુ એમનો સ્નેહસંબંધ એટલો ગાઢ રહ્યો કે લગ્ન પૂર્વે અને લગ્ન બાદ અનેક આપત્તિઓ આવવા છતાં એમની સ્નેહગાંઠ મજબૂત રહી. વીરધવલ રાજા અને રાણી ચંપકમાલાની પુત્રી મલયસુંદરી અને પૃથ્વીસ્થાનપુરના રાજા સુરપાલના પુત્ર મહાબલકુમાર વચ્ચેના પ્રણયમાં મલયસુંદરીની ઓરમાન માતા કનકવતીએ અનર્થ સર્જવા કોશિશ કરી. મહાબલ મલયસુંદરીને મળવા આવ્યો હતો ત્યારે મુખ્ય દ્વાર પર તાળું મારી કનકવતીએ તોફાન મચાવ્યું કારણ કે મહાબલે રાણી કનકવતીની કામેચ્છાને ઠુકરાવી હતી. મહાબલ પોતાના કેશમાં રાખેલી ગુટિકા બહાર કાઢીને નારી રૂપ લે છે અને એ રીતે કનકવતીના પ્રપંચને નિષ્ફળ બનાવે છે.
ઓરમાન માતાએ એવો પ્રપંચ રચ્યો કે રાજાએ ગુસ્સે થઈને મલયસુંદરીને અંધારા કૂવામાં નાખી દેવાની આજ્ઞા આપી. અંધારા કૂવામાં રહેલા અજગરના મુખમાં મલયસુંદરી પડી અને અજગર એને અર્ધ ગળીને બહાર આવ્યો. એ જંગલમાં વૃક્ષને ભરડો લેવા જતો હતો. આ સમયે મહાબલ એક રાક્ષસનો પીછો કરવા જતાં યોગાનુયોગ જંગલમાં આવ્યો હતો. એની નજર અજગર પર પડી. એના મુખમાં અડધું ગળેલું માણસ હતું. મહાબલે વિચાર્યું કે આ અજગર હમણાં જ વૃક્ષને ભરડો લઈને પોતાના શિકારને ખતમ કરી નાખશે, તેથી પરોપકારથી પ્રેરાઈને મહાબલે બે હાથે અજગરના હોઠ પકડી જીર્ણ વસ્ત્રની માફક બે ભાગ કરી નાખ્યા. એના મુખમાંથી મંદ ચૈતન્યવાળી એક સ્ત્રી નીકળી. અર્ધબેભાન એવી એ સ્ત્રીના મુખમાં એ સમયે, “મને મહાબલકુમારનું શરણ હજો” એવા મંદ ઉદ્ગાર નીકળી પડ્યા. મહાબલે મલયસુંદરીને ઓળખી અને દૂર દૃષ્ટિ કરી તો કોઈ પુરુષ આકાર તેના તરફ ધસતો આવતો હતો. આ ઘોર જંગલમાં ચોર-ડાકુ પણ હોઈ શકે. એનાથી બચવા માટે મહાબલે પોતાના કેશમાંથી ગુટિકા કાઢીને મલયસુંદરીના ભાલ પર તિલક કરી એને પુરુષ બનાવી દીધી અને કહ્યું, “આ તિલક હું મારા હાથે ભૂંસીશ ત્યારે તારું મૂળ રૂપ પ્રગટ થશે.”
બીજી બાજુ રાજાને ખબર પડી કે ઓરમાન માતા કનકવતીના કાવતરાને લીધે મેં મારી નિર્દોષ પુત્રી ગુમાવી દીધી. રાજા-રાણીને ઘેરો આઘાત લાગતાં બંનેએ પ્રાણત્યાગ કરવાનું નક્કી કર્યું. આ સમયે મહાબલે નૈમિત્તિકના રૂપમાં ત્યાં આવીને ખબર આપી કે મલયસુંદરી જીવે છે. તમે સ્વયંવર રચો. તેના મંડપમાં જ કાષ્ઠસ્થંભમાંથી એ પ્રગટ થશે.
રાજા વીરધવલે સ્વયંવર રચ્યો. યોજના મુજબ મહાબલ વીણાવાદકના વેશમાં ત્યાં પહોંચી ગયો હતો. મલયસુંદરીએ એને હાર પહેરાવ્યો ત્યારે હતાશ થયેલા રાજકુમારો તેના પર તલવાર લઈને તૂટી પડ્યા. આ સમયે મહાબલે પ્રબળ પરાક્રમ દાખવીને રાજકુમારોને મહાત કર્યા. રાજાને જ્યારે સત્ય સમજાયું ત્યારે ભાગતા રાજકુમારોને પાછા બોલાવ્યા અને તેઓને મલય-મહાબલનાં લગ્નમાં જાનૈયા તરીકે સામેલ કર્યા.
લગ્ન પછી બંને ભટ્ટારિકાના મંદિરે ગયા. આ નિર્જન સ્થાનમાં એકલા રહેવું ઉચિત નહિ હોવાથી મલયસુંદરીને મહાબલે પુરુષરૂપ આપ્યું. એક સ્ત્રીનું રુદન સાંભળતાં મહાબલ એની મદદે જાય છે. બીજી બાજુ સવાર પડવા છતાં મહાબલ પાછો આવ્યો નહિ એથી પુરુષવેશધારી મલયસુંદરી પૃથ્વીસ્થાનપુરમાં આવે છે. પૃથ્વીસ્થાનપુર નગરમાં એના રાજકુમાર મહાબલ ગુમ થયા હોવાથી રાજા એની શોધ ચલાવતા હતા ત્યારે આ નગરમાં પુરુષવેશે આવેલી મલયસુંદરી પાસેથી મહાબલના સુવર્ણકુંડલ અને સાફો મળી આવતાં એને પકડવામાં આવી. પુરુષવેશે રહેલી મલયસુંદરીએ નિર્દોષ હોવાની વાત કરી ત્યારે રાજાએ એ નિર્દોષ છે કે નહિ તે માટે કસોટી કરવાનું નક્કી કર્યું. ધનંજય યક્ષના મંદિરમાં એક ઘડામાં ભયંકર સર્પ મૂકવો. યુવાન એને બહાર કાઢે અને જો એ નિર્દોષ હશે તો યક્ષના પ્રતાપે એનો વાળ વાંકો નહિ થાય. દોષિત હશે તો એ માર્યો જશે. મંદિરમાં મલયસુંદરીએ પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને ઘડામાંથી ત્રણ ફૂટ લાંબો શ્યામ સર્પ બહાર કાઢ્યો. એ સર્પે મુખમાંથી દિવ્ય હાર કાઢીને મલયસુંદરીના ગળામાં પહેરાવ્યો તેમજ એની જીભથી તિલક ભૂંસી નાખતાં મલયસુંદરી મૂળ નારીરૂપ પામી. રાજા અને પ્રજા આ ચમત્કાર જોઈને ખુશ થયા. એ પછી મલયસુંદરીના જીવનમાં અનેક ઘટનાઓ બની. જૈન મુનિની અવમાનના કરતા એણે આ બધું સહન કરવું પડ્યું. કર્મની આવી ગતિ જોઈને બંનેએ સંયમ સ્વીકારવાનું નક્કી કર્યું. સંયમનાં શ્વેત વસ્ત્રોમાં મહાબલ મુનિ અને મલયસુંદરી શોભી રહ્યાં. સાધ્વી મલયસુંદરી થોડા જ સમયમાં અગ્રેસર મહત્તરા બન્યાં.
ધર્મસ્નેહસૌજન્ય
Jain Education Intemational
પ. પૂ. મુનિ શ્રી ચંદ્રવિજયજી ગણિ. મ.ના ઉપદેશથી અ. સૌ. પ્રીતિબહેન અતુલકુમાર શાહ, પાર્લા - મુંબઈ
For Private & Personal
www.jainelibrary.org