________________
૩૪. સાધ્વી પુષ્પ ચૂલા
સાધ્વી પુષ્પચૂલાનું ચરિત્ર એ ગુરુસેવાનું અપ્રતિમ ઉદાહરણ છે. પૃથ્વીપુરમાં રાજા પુષ્પકેતુ અને રાણી પુષ્પાવતીને ત્યાં જોડિયા પુત્ર-પુત્રીનો જન્મ થયો. પુત્રનું નામ પુષ્પચૂલ અને પુત્રીનું નામ પુષ્પચૂલા રાખ્યું. બંને ભાઈ-બહેન વચ્ચે અતિ સ્નેહરાગ હોવાથી તેઓ એકબીજાથી એક ક્ષણનો પણ વિયોગ સહન કરી શકતાં નહોતાં. પુત્ર-પુત્રી યુવાન થતાં રાજાએ એમના વિવાહનો વિચાર કર્યો. પણ સવાલ એ જાગ્યો કે બંને એક ક્ષણ પણ અળગાં રહી શકતાં નથી તો તેઓ કઈ રીતે અન્યની સાથે અળગાં રહીને જીવન ગાળી શકશે ? ઊંડા વિચારને અંતે રાજાએ નાછૂટકે બંનેને પરસ્પરને અનુરૂપ માનીને એમનો વિવાહ યોજ્યો.
આ ઘટનાએ રાણી પુષ્પાવતીના હૃદયમાં મંથન, વેદના અને વિચારની ભીષણ આંધી જગાવી. રાણીને આવા અનુરાગથી ભરેલા સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો. એમણે તપશ્ચર્યા કરી અને તે સ્વર્ગલોકની દેવી બન્યાં.
સમય જતાં પૃથ્વીપુરની ગાદી પર રાજા પુષ્પફૂલ અને રાણી પુષ્પચૂલા બિરાજ્યાં. દેવી બનેલી માતાએ અવધિજ્ઞાનથી પુત્ર અને પુત્રીનાં હીન કર્મો નિહાળ્યાં. વ્યથિત બનેલી દેવીએ રાણી પુષ્પચૂલાને સ્વર્ગ અને નરકનાં સ્વપ્નાં બતાવ્યાં. આ સમયે આચાર્ય અરણિકાપુત્રને રાણી પુષ્પચૂલાએ આ સ્વપ્નોનો અર્થસંકેત પૂછ્યો. આચાર્યશ્રીએ આ સ્વપ્નોનો મર્મ પ્રગટ કરતાં કહ્યું | કે સારાં કર્મ કરનારનો આત્મા એનો મિત્ર છે અને દુષ્કર્મ કરનારનો આત્મા એનો શત્રુ છે. રાણી પુષ્પચૂલાના હૃદયમાં પસ્તાવાનું વિપુલ ઝરણું વહેવા લાગ્યું. આચાર્ય અરણિકાપુત્રની ધર્મદેશનાએ એમની આંખ આગળથી મોહ અને અજ્ઞાનનાં પડળ દૂર કરી નાખ્યાં. રાણી પુષ્પચૂલાએ પોતાના પતિ પાસે સંયમ ધારણ કરવા કાજે અનુમતિ માગી. રાજાએ દીક્ષાની સંમતિ આપી, પણ સાથે એવી શરતેય મૂકી કે દીક્ષા લીધા બાદ મારે ત્યાંથી જ ગોચરી ગ્રહણ કરવી.
આ સમયે આચાર્ય અરણિકાપુત્રે પોતાના શ્રુતજ્ઞાનથી ભવિષ્યમાં આવી રહેલા ભીષણ દુષ્કાળને નીરખ્યો. આવું દુઃખદ ભવિષ્ય જાણીને એમણે પોતાના શિષ્યોને દૂરદૂરના પ્રદેશમાં મોકલી આપ્યા, કિંતુ આચાર્યશ્રી અરણિકાપુત્રને વૃદ્ધાવસ્થાને કારણે આ જ સ્થળે રહેવું પડ્યું. સાધ્વી પુષ્પચૂલાએ અપાર શ્રદ્ધા સાથે ગુરુસેવા કરી. પરિણામે એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એક વાર વરસતા મુશળધાર વરસાદમાં સાધ્વી પુષ્પચૂલા બહારથી ગોચરી લઈને આવી. ગુરુએ એમને આ વિષયમાં પ્રશ્ન કર્યો ત્યારે અચિત વૃષ્ટિમાં આહાર લાવવાના પોતાના કાર્યની યથાર્થતા દર્શાવી.
આ સમયે ગુરુને ખ્યાલ આવ્યો કે પુષ્પચૂલા તો કેવળજ્ઞાનને પામ્યાં છે. ગુરુએ એમને કેવલી જાણીને એમની સેવા લેવા માટે ક્ષમા માંગી. સાધ્વી પુષ્પચૂલા તો મહાન ગુરુના ઉદાર ભાવ જોઈને અંતરથી ધન્ય બની ગયાં. ક્ષમા એ જીવનનો આનંદ અને તપની વસંત છે. વસંતનું આગમન થતાં કુદરત જેમ સોળે કળાએ ખીલી ઊઠે, એ જ રીતે ક્ષમાને જીવનમાં સ્થાન આપનારના આત્માના ગુણોની વસંત ખીલી ઊઠે છે. ક્ષમાનો જન્મ થાય છે હૃદયની વ્યાપકતામાંથી. એનો વિચાર જાગે છે ગુણોની સમૃદ્ધિમાંથી અને એને પરિણામે પ્રાપ્ત થાય છે સમતારસભરી ચિત્તશાંતિ.
ભગવાન મહાવીરના સમયમાં થયેલી સાધ્વી પુષ્પચૂલાનું ચરિત્ર જીવનમાં સત્કર્મોનાં સારાં ફળ અને દુષ્કર્મોનાં કડવાં ફળ દર્શાવે છે. પુષ્પચૂલાનાં દુષ્કર્મોએ એને કુમાર્ગ બતાવ્યો. માતાએ એને સન્માર્ગ બતાવીને યોગ્ય રસ્તે વાળી. સાધ્વી પુષ્પચૂલાના જીવનમાં ગુરુઆજ્ઞા, ગુરુસેવા અને ગુરુભક્તિનો મહિમા જોવા મળે છે. એની શ્રદ્ધાપૂર્વકની સેવાને કારણે સાધ્વી પુષ્પચૂલા કેવળજ્ઞાન પામે છે. વળી જિનશાસનમાં રહેલી લઘુતા સાધુ અરણિકાપુત્રની ક્ષમાયાચનામાં પ્રગટ થાય છે. આ લઘુતા એ જ પ્રભુતા બને છે. પોતાની ક્ષતિનો ખ્યાલ આવતાં આચાર્ય મહારાજે સામે ચાલીને સેવિકા અને શિષ્યા સમી સાધ્વીની ક્ષમા માગી ! ‘ક્ષમા વીરસ્ય મૂળમ્' કહેવાયું છે. વીર અને વ્યાપક હૃદય ધરાવનાર જ સાચી ક્ષમા માગી શકે અને આપી શકે.
ધર્મસ્નેહસૌજન્ય
Jain Education International
પ. પૂ. પંન્યાસજી શ્રી સ્થૂલિભદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી અ. સૌ. નેહાબહેન વિજયકુમાર શાહ, પાર્લા - મુંબઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org