________________
૩૩. સાધ્વી કલાવતી
ઉજ્જૈની નગરીના શંખરાજાની રાણી કલાવતીના જીવનમાં શીલપાલનની મહત્તા પ્રગટ થાય છે. માલવપતિ શંખરાજાની રાણી કલાવતી ગર્ભવતી થઈ અને તેના આનંદરૂપે મહેલમાં ઉત્સવનું આયોજન થયું. આ સમયે કલાવતીના પિયરથી એક પેટીમાં ભેટરૂપે અલંકારો આવ્યા. કલાવતીના ભાઈએ આ અલંકારો મોકલ્યા હતા. આમાંથી અંધારામાં અજવાળું પાથરે તેવાં નંગડિત કંકણ કલાવતીએ એના હાથ પર પહેર્યાં. બીજી રાણીઓને આ જોઈને ઈર્ષ્યા જાગી. એમણે રાજાના કાન ભંભેર્યા. એમ પણ કહ્યું કે રાજાએ રાણી-રાણી વચ્ચે ભેદ પાડ્યો. આવા સુવર્ણ કંકણ ક્યાંથી આવ્યાં એનું રહસ્ય સ્વયં રાજાના મનમાં ઘોળાતું હતું.
રાણી લીલાવતીએ શંખરાજાને કહ્યું કે તેઓ છુપાઈને એમની કલાવતી સાથેની વાતચીત સાંભળે. લીલાવતીએ કલાવતીને પૂછ્યું ત્યારે કલાવતીએ લાક્ષણિક રીતે કહ્યું, “હું જેમને અત્યંત વહાલી છું તેમણે આ કંકણ મોકલ્યાં છે. મને રાત-દિવસ સદૈવ યાદ કરનારની આ ભાવભરી ભેટ છે.”
કલાવતીએ સીધેસીધું એમ ન કહ્યું કે આ કંકણ તો એના સગા ભાઈની ભેટ છે. આ સાંભળતાં જ શંખરાજા ક્રોધાયમાન થયા. એમને કલાવતીના શીલ પર શંકા જાગી. એના અગાઉના કોઈ પ્રેમીએ આ કંકણ ભેટરૂપે આપ્યાં હશે એમ માન્યું.
શંકા અને ક્રોધને કોઈ સીમા હોતી નથી. રાજાએ વિચાર્યું કે કંકણ સહિતના કલાવતીના બંને હાથ કાપી નખાવું. રથમાં બેસાડી ગર્ભવતી કલાવતીને લઈને ચાંડાલ નીકળ્યો. રાજાએ કહ્યું કે તેઓ એને પિયર મોકલે છે, પરંતુ ઉજ્જડ ભૂમિમાં ચાંડાલે રથ ઊભો રાખ્યો. કલાવતીએ કહ્યું કે આ કંઈ મારા પિયરનો માર્ગ નથી, ત્યારે ચાંડાલે સાચી વાત કરી.
કલાવતી ઊંડો આઘાત પામી, જમણો હાથ એણે જાતે છેદી નાખ્યો અને ડાબો હાથ ચાંડાલે કાપી નાખ્યો. કંકણ સહિત કાપેલા બંને હાથ લઈને ચાંડાલ રાજા પાસે હાજર થયો. કંકણ પર કલાવતીના ભાઈનું નામ જોઈને રાજાને પોતાના ઘોર અપરાધનો ખ્યાલ આવ્યો અને મૂર્છિત બની ગયો. એણે વિચાર કર્યો કે પોતે શીલવતી સ્ત્રી વિશે કેવી મોટી કુશંકા કરી ? શા માટે બંને હાથ કાપી નાખવાની નિર્દય આજ્ઞા એમણે આપી ?
પશ્ચાત્તાપનો અનુભવ કરતો આ રાજવી ચંદનકાષ્ઠની ચિતા રચાવીને અગ્નિસ્નાન કરવા તૈયાર થયો. પ્રજાએ રાજાને એમ કરતાં અટકાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. બીજી બાજુ જે સમયે ચાંડાલે કલાવતીના હાથ છેદી નાખ્યા એ સમયે જ એણે પુત્રને જન્મ આપ્યો. આ ઉજ્જડ ભૂમિમાં બાળકની કોઈ સંભાળ લેવાશે નહીં એમ વિચારીને કલાવતી આક્રંદ કરવા લાગી. એકાએક ઉજ્જડ ભૂમિમાં વૃક્ષોનું વન મહોરી ઊઠ્યું. સૂકી નદીમાં પાણી વહેવા લાગ્યું અને કલાવતીના બંને હાથ કંકણ સહિત પૂર્વવત્ થઈ ગયા. આ સમયે એક તાપસ આવ્યો અને એણે એકલી-અટૂલી કલાવતીને જોઈ. તાપસ કલાવતીના પિતાનો મિત્ર હતો. કલાવતીનું વૃત્તાન્ત સાંભળતાં એને પ્રચંડ ક્રોધ જાગ્યો અને વિચાર્યું કે આવો કાળો કેર કરનારા શંખરાજાના રાજમાં ઉલ્કાપાત મચાવી દઉં !
સતી કલાવતીએ તાપસને વિનંતી કરી કે તમે મારા પિતા સમાન છો. કૃપા કરીને આટલા બધા ક્રોધાયમાન ન થશો. તાપસે કલાવતીને વસવા માટે અને એના બાળકને ઉછેર માટે વિદ્યાબળથી આવાસ રચી આપ્યો. આ સમયે વનમાંથી નીકળેલા કઠિયારાએ આ જોયું એટલે એ રાજાને કહેવા દોડ્યો. અગ્નિસ્નાન કરવા જતા રાજાને અટકાવતાં મંત્રીએ એક માસની મુદત માગી હતી અને રાણીને શોધીને પાછી લાવી આપવાનું કહ્યું હતું. રાજાને જાણ થતાં એ રાણી કલાવતીને લેવા આવ્યો.
એક વાર ધર્મધુરંધર સાધુ આવતાં કલાવતીએ પોતાના જીવન પર આવી પડેલી આપત્તિની વાત કરી. સાધુએ કહ્યું કે પૂર્વજન્મમાં એ રાજકુમારી હતી અને એણે એના બાણથી એક પંખીની પાંખો છેદી નાખી હતી. એ પંખી આ જન્મમાં રાજા બન્યો.
પોતાના પૂર્વભવને અને કર્મની આવી ગતિ જાણીને રાજા અને રાણી બંનેએ નિર્મળભાવે સંયમનો માર્ગ લીધો અને સાધુતાના પાવન પંથે ચાલી નીકળ્યાં.
Bain Education International
ધર્મસ્નેહસૌજન્ય
૫. પૂ. પંન્યાસજી શ્રી વિનીતચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી વિજયકુમાર જયંતિલાલ શાહ, પાર્લા - મુંબઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org