________________
૩૧. સાધ્વી ભટ્ટામાતા
રાજગૃહી નગરીના ધનાઢ્ય શેઠ ગોભદ્રનાં પત્ની ભદ્રાને શાલિભદ્ર નામનો પુત્ર અને સુભદ્રા નામની પુત્રી હતી. પતિનું અકાળ મૃત્યુ થતાં ભદ્રા પર બહોળા વ્યાપારના સંચાલનની અને સંતાનોના ઉછેરની બેવડી જવાબદારી આવી પડી. પોતાના પુત્ર શાલિભદ્રને માતૃસહજ વાત્સલ્યથી પ્રેરાઈને વેપારની આંટીઘૂંટીઓમાંથી બહાર રાખ્યો. ગોભદ્ર શેઠ મૃત્યુ પામીને દેવલોકમાં ગયા, પરંતુ પુત્રસ્નેહથી પ્રેરાઈને તેઓ રોજ નવ્વાણુ પેટીઓમાં મૂલ્યવાન આભૂષણો અને કીમતી વસ્ત્રો મોકલતા હતા. માતાની વ્યાપારી કુનેહ અને પિતાની દૈવી સહાયથી શાલિભદ્રની આસપાસ સમૃદ્ધિનો સાગર ઊછળવા લાગ્યો.
રૂપ, ગુણ અને શીલ ધરાવતી બત્રીસ કન્યાઓ સાથે આ શાલિભદ્રના લગ્ન થયાં. એનો ધનવૈભવ એવો વિપુલ હતો કે રાજગૃહીનો રાજા શ્રેણિક નેપાળના વેપારી પાસેથી એક રત્નકંબલ ખરીદી શક્યો નહોતો, તેવી સોળ રત્નકંબલ રાજગૃહીની ગરિમા જાળવવા માટે ભદ્રામાતાએ ખરીદી લીધી અને પ્રત્યેક મૂલ્યવાન કંબલના બે ટુકડા કરીને બત્રીસ પુત્રવધૂઓને આપી દીધા હતા. વળી શિયાળામાં ઉષ્ણતા અને ઉનાળામાં શીતળતા આપતી આ મૂલ્યવાન રત્નકંબલ ખરબચડી લાગતાં બત્રીસ પુત્રવધૂઓએ તેનો પગલૂછણિયા તરીકે ઉપયોગ કર્યો.
રાજા શ્રેણિક ભદ્રામાતાને ત્યાં આવ્યા અને શાલિભદ્રે જાણ્યું કે શ્રેણિક તો એમના નાથ કહેવાય, ત્યારે અઢળક ધનસમૃદ્ધિ વચ્ચે જીવતા શાલિભદ્રને લાચારીનો અસહ્ય અનુભવ થયો. શાલિભદ્ર પોતાને સ્વામી માનતો હતો, પરંતુ રાજાના આગમને એને પોતાના પરાવલંબીપણાનો અનુભવ થતાં એણે તમામ ભૌતિક સમૃદ્ધિ છોડીને વૈરાગ્યના એકલવાયા પંથે ચાલવાનું નક્કી કર્યું. ભગવાન મહાવીરનું રાજગૃહી નગરીમાં આગમન થતાં શાલિભદ્ર અને તેના બનેવી ધન્ય શેઠે દીક્ષા ગ્રહણ કરી. માતા ભદ્રા અને શાલિભદ્રની પત્નીઓ પણ સાધનાપૂર્ણ જીવન વ્યતીત કરતાં હતાં. આમ એક સમયે જ્યાં રાગનો અબીલ-ગુલાલ ઊછળતો હતો, ત્યાં ત્યાગની શુભ પ્રભા પથરાઈ ગઈ.
શાલિભદ્રે દીક્ષા ગ્રહણ કર્યા પછી આકરી સાધના કરી. સમતા અને સમાધિમાં લીન રહેવા લાગ્યા. એમની કાયા કૃશ બની ગઈ. થોડાક સમય બાદ ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પુનઃ પધાર્યા. એમની સાથે મુનિ શાલિભદ્ર પણ હતા. મુનિ શાલિભદ્રં ભદ્રામાતા પાસે જઈને ગોચ૨ી વહોરવાનો વિચાર કર્યો. આ માટે એમણે પ્રભુ મહાવીરની અનુમતિ લીધી અને પોતાના ઘેર વહોરવા માટે સાધુ શાલિભદ્ર ધન્ય સાધુ સાથે ગયા.
આખુંય નગર ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને એમના દર્શનાર્થે આતુર બન્યું હતું, ત્યારે ભદ્રામાતાની પ્રભુદર્શનની ઉત્કંઠા કેવી હશે, તે કલ્પી શકાય. ઘરના બારણે ગોચરી માટે આવેલા અત્યંત કુશ એવા મુનિ શાલિભદ્રને એ ઓળખી શક્યાં નહીં અને ભદ્રામાતા સ્વયં પ્રભુના દર્શને જવાની તૈયારી કરતાં હતાં. આથી સાધુ તરફ વિશેષ ધ્યાન આપ્યું નહીં. પરિણામે શાલિભદ્રને આહાર લીધા વિના જ પાછા ફરવું પડ્યું. વળતાં એક ગોવાલણે મુનિ શાલિભદ્રને ભક્તિભાવથી દહીં વહોરાવીને પારણું કરાવ્યું. મુનિ શાલિભદ્ર ભગવાન મહાવીર પાસે આવ્યા અને તેમની આજ્ઞા લઈને રાજગૃહી નગરીના એક પહાડ પર જઈને સંલેખનાવ્રત ધારણ કર્યું.
ભગવાન મહાવીરના સમવસરણમાં આવેલાં ભદ્રામાતા અને તેમના પરિવારને સાધુ શાલિભદ્રની ગોચરીથી માંડીને સંલેખના સુધીની તમામ ઘટનાઓ ભગવાને કહી સંભળાવી.
ભદ્રામાતાને માથે તો વીજળી પડી. મનમાં થયું કે દ્વાર પર મુનિરાજોને જોયા હતા, છતાં એમની ઉપેક્ષા કરીને કેવી ગંભીર ભૂલ કરી ! વળી એ બે મુનિરાજો તે અન્ય કોઈ નહીં પણ અતિપરિચિત એવા પોતાના પુત્ર શાલિભદ્ર અને જમાઈ ધન્ય શેઠ હતા. ભદ્રામાતાનું વાત્સલ્ય અસહ્ય વેદનાથી ખળભળી ઊઠ્યું. એ તત્કાળ પર્વત પર પુત્રના દર્શનાર્થે દોડી ગયાં. ઉગ્ર તપશ્ચર્યાથી પુત્રની દૃશ બનેલી કાયા અને ઉગ્ર સાધનામય જીવન જોઈને માતૃહૃદય આકુળ-વ્યાકુળ થઈ જતાં ભદ્રામાતા મૂર્છિત થયાં. આ સમયે અહીં ઉપસ્થિત સમ્રાટ શ્રેણિકે ભદ્રામાતાને આશ્વાસન આપ્યું. ધર્મની મંગલ ભાવનાઓમાં ચિત્ત ડુબાડવા કહ્યું. ભદ્રામાતાએ પોતાના જીવન તરફ દૃષ્ટિપાત કર્યો અને એમણે પણ વૈભવ છોડીને પોતાની પુત્રવધૂઓ સાથે સંયમ-માર્ગનો સ્વીકાર કર્યો.
Jam Education
ધર્મસ્નેહસૌજન્ય
૫. પૂ. આચાર્ય શ્રી વિજય હ્રીં કારચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી સ્વ. જયચંદભાઈ કલ્યાણજી શાહ, તૂર (જિ. પૂના)
For Private & Personal Use Only
www.jal#vallurity.org